દેશમાં આગામી સમયમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. રાજસ્થાન ચૂંટણીની તારીખો જાહેર થતા તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી છે. રાજસ્થાનમાં હાલમાં કોંગ્રેસનું શાસન છે. કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને યુવાનેતા સચિન પાયલટના સંબંધો તણાવયુક્ત રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે રાજસ્થાનમાં પોતાનો ગઢ બચાવવા બેઠકોનો દોર શરૂ કર્યો છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયમાં મહત્વની બેઠક યોજાશે.
પાર્ટીના સૂત્રોએ આપેલ માહિતી મુજબ આ બેઠક સાંજે પાંચ વાગે યોજાશે. આ બેઠકમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. તેમજ આ બેઠકમાં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને ઉમેદવારોના નામ પર મનોમંથન થશે. કોંગ્રેસે 21 ઓક્ટોબરે તેની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 33 ઉમેદવારોના નામ સામેલ હતા. અને 22 ઓક્ટોબરે બીજી યાદી બહાર પાડી હતી. જેમાં 43 ઉમેદવારોના નામ સામેલ હતા. જ્યારે 27 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ 19 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી હતી. આ સાથે પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની સંખ્યા વધીને 95 થઈ ગઈ છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ ત્રીજી યાદી બહાર પાડતા કુલ ઉમેદવારોની સંખ્યા 95એ પંહોચી. આ યાદી પરથી દેખાય છે કે આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે મહત્વની બની રહેશે. કેટલીક બેઠકો પક્ષ માટે વધુ મહત્વની રહેશે. કેમકે કેટલાક સ્થાનો પર પરિવારના જ સભ્યો સામ-સામે ચૂંટણી લડી રહ્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસે 2018માં યોજાયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે ભાજપને 73 બેઠકો મળી હતી. કોંગ્રેસને બસપા અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળતા અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા હતા.
કોંગ્રેસની બહાર પાડવામાં આવેલ યાદી મુજબ વર્તમાન 13 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. આજે દિલ્હીમાં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને વિચારમંથન થશે. નોંધનીય છે કે રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા સીટો છે, જેના માટે 25 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 3 ડિસેમ્બરે મતગણતરી થશે.
