સંસદના બજેટ સત્ર પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે સરકાર વિપક્ષનો અભિપ્રાય સાંભળવા અને દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ પત્રકારોને આ માહિતી આપી હતી. જોશીએ કહ્યું કે વડા પ્રધાને કહ્યું કે અર્થવ્યવસ્થા સહિત તમામ મુદ્દાઓ પર સાર્થક અને સમૃદ્ધ ચર્ચા થવી જોઈએ.
તેમના મતે વડા પ્રધાને કહ્યું હતું કે વૈશ્વિક સંદર્ભમાં અર્થવ્યવસ્થાને જુઓ, ભારત તેનો લાભ કેવી રીતે મેળવી શકે છે. 31 જાન્યુઆરીથી શરુ થવા જઇ રહેલા સંસદના બજેટ સત્રની આગળ યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં, વિરોધી પક્ષોએ સુધારેલા નાગરિકત્વ કાયદો (સીએએ), એનપીઆર, એનઆરસી, અર્થતંત્રની સ્થિતિ, કાશ્મીરની પરિસ્થિતિ સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવ્યા અને તેના પર ચર્ચા કરવાની માંગ કરી હતી.
ગુરુવારે સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ડાબેરી પક્ષો વગેરેએ આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ પત્રકારોને કહ્યું કે, “વડા પ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે સરકાર વિપક્ષનો અભિપ્રાય સાંભળવા અને દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.”
બેઠક પછી રાજ્યસભાના વિપક્ષનાં નેતા ગુલામ નબી આઝાદે પત્રકારોને કહ્યું, “સીએએ વિરુદ્ધ દેખાવો અંગે સરકારનું વલણ તેના ઘમંડીને દર્શાવે છે, વિરોધીઓનો સંપર્ક કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.” તેમણે કહ્યું કે છેલ્લા દોઢ મહિનાથી દેશની અડધી વસ્તી રસ્તાઓ પર છે. તેમણે કહ્યું, “મહિલાઓ, બાળકો, વૃદ્ધો આ ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે, પરંતુ કોઈ જીવશે કે મરી જાય તો પણ સરકાર તેની પરવા નથી કરતી.”
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, સંસદમાં લોકશાહી રીતે સીએએ પસાર થઈ ગયો હોવાથી વિપક્ષે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આઝાદે કહ્યું કે વિરોધી પક્ષોએ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન ફક્ત બિલ પસાર કરવા પર છે, વિપક્ષ પણ દેશના હિતમાં બિલ પસાર કરવામાં સહકાર આપશે, પરંતુ ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ.
કોંગ્રેસ નેતા આઝાદે કહ્યું કે, દેશની આર્થિક સ્થિતિ નબળી, બેકારી અને બેકારી જ છે. કાશ્મીરમાં ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓને નજર કેદ રાખવામાં આવ્યા છે. અમે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ. વિપક્ષો ઈચ્છે છે કે સરકાર આ મુદ્દાઓ પર સંવેદનશીલ રહે, ગૃહમાં તેમની ચર્ચા કરે અને સમાધાન શોધે. ડીએમકે અને ડાબેરી પક્ષોએ એમ પણ કહ્યું હતું કે બેઠકમાં સીએએ, ફારૂક અબ્દુલ્લાની મુક્તિનો મુદ્દો ઉભો થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
