Gandhinagar News: ગુજરાતમાં 2030ના અંત સુધીમાં કોઈપણ સરકારી ઇમારત રીન્યુએબલ એનર્જી અને તેમા પણ ખાસ કરીને રૂફટોપ વગરની નહીં હોય તેવો દાવો સરકારે કર્યો છે. ગુજરાત રીન્યુએબલ એનર્જીમાં અગ્રેસર છે અને હવે તેને વેગ આપવા માટે તેણે બધી જ સરકારી ઇમારતોને દાયકાના અંત સુધીમાં રૂફટોપથી સુસજ્જ બનાવવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે 2030ના અંત સુધીમાં ભારતની 50 ટકા વીજખપત રીન્યુએબલ એનર્જી આધારિત કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બધી જ સરકારી ઓફિસો પણ તેમા પ્રદાન આપે તે જરૂરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આ દિશામાં આગળ વધીને વર્ષ 2024-25માં રાજ્યમાં વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે, જેના માટે ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા રૂ. 177.4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
56.8 મેગાવોટ સાથે ત્રણ હજારથી વધુ સોલાર રૂફટોપ
ગુજરાતમાં 36 ગીગાવોટથી વધુ સૌર ઊર્જાની ક્ષમતા છે. તેનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા રાજ્ય સરકારના વિવિધ સરકારી વિભાગોની ઈમારતો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ માર્ચ 2024 સુધીમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગોની ઈમારતો પર 56.8 મેગાવોટ ક્ષમતાની 3023 સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.
2024-25માં 48 મેગાવોટ ક્ષમતા સ્થપાશે
આ યોજનાને આગળ લઈ જવા માટે આ વર્ષે રાજ્યમાં વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 177.4 કરોડની રકમ આપવામાં આવી છે.
ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી: 2023-24માં 24765.3 MU ઉત્પાદન
ગુજરાત રીન્યુએબલ એનર્જી ખાસ કરીને સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સોલાર પાર્ક બનાવીને અને ઘરોની છત પર સોલાર ઇન્સ્ટોલેશન લાવી રાજ્યની વિશાળ સૌર ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચારણકા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં મોખરે મૂક્યું છે.
વધુમાં, ઓફશોર વિન્ડ ફાર્મ્સે રાજ્યની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વર્ષ 2023-24ના તાજેતરના ડેટા અનુસાર ગુજરાતમાં કુલ 24765.3 મિલિયન યુનિટ્સનું ઉત્પાદન થયું છે. તેમાં 9637 MU સોલાર, 14201 MU પવન, 885.325 MU હાઇડ્રો, 69 સ્મોલ હાઇડ્રો અને 42 MU બાયોમાસ અને બગાસી છે.
ભાવિ પેઢીઓનું સારું ભવિષ્ય બનાવવા માટે સ્વચ્છ વાતાવરણનું નિર્માણ કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાતે આને સારી રીતે સમજ્યું છે અને તેને આત્મસાત કર્યું છે.રાજ્યએ સોલાર પ્રોજેક્ટ્સના માળખાકીય યોજનાઓને મજબૂત રીતે અમલમાં મૂકી છે. નાગરિકોની ઉર્જાની જરૂરિયાત, પર્યાવરણીય સંતુલન અને સૂર્ય શક્તિને ઉર્જાના મહત્વના સ્ત્રોત તરીકે વિકસાવીને આર્થિક વિકાસ, આ ત્રણેય પાસાઓ એકબીજા સાથે જોડાયેલા છે તથા આ જ બાબત ગુજરાતના વિકાસની કરોડરજ્જુ છે.
આ પણ વાંચો: અદાણીનો 551 મેગાવોટનો સૌર ઊર્જા પ્લાન્ટ કાર્યરત
આ પણ વાંચો: SVPI એરપોર્ટને SEEM એવોર્ડ્સમાં ઊર્જા કાર્યક્ષમતા માટે ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું