Guinness Book of World Record: મેટ્રો, આ જાહેર પરિવહન દિલ્હી સહિત ઘણા મોટા શહેરોની લાઈફલાઈન બની ગયું છે. પરંતુ કોઇ તમને એમ કહે કે મેટ્રોમાં ફરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવી શકાય છે તો..ચોક્કસથી બોલાઇ જશે ના હોય. પરંતુ શશાંક મનુ નામની વ્યક્તિએ મેટ્રોમાં મુસાફરી કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
દિલ્હીના દ્વારકામાં રહેતા શશાંક મનુએ મેટ્રોમાં મુસાફરી કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Record)માં પોતાનું નામ નોંધાવ્યું છે. શશાંકે જે રેકોર્ડ બનાવ્યો છે તેમાં તેણે સૌથી ઓછા સમયમાં દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશનોની મુલાકાત લીધી હતી. મીડિયા સાથે વાત કરતા શશાંક મનુએ આ રેકોર્ડ બનાવવાની તેમની સફરની ચર્ચા કરી.
માર્કેટિંગ અને પબ્લિક રિલેશન્સ (PR)નો અભ્યાસ કર્યા પછી, શશાંક હાલમાં ફ્રીલાન્સ રિસર્ચના કામ સાથે જોડાયેલો છે. તેણે કહ્યું કે તેને કોરોના લોકડાઉન દરમિયાન ઘરે ખાલી સમય પસાર કરતી વખતે આ રેકોર્ડ વિશે જાણ થઈ. પછી તેણે તેને બનાવવાની તૈયારી શરૂ કરી.
શશાંકે પોતાના રેકોર્ડ વિશે જણાવ્યું કે તેણે 15 કલાક 22 મિનિટ અને 49 સેકન્ડમાં દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશનોની મુસાફરી કરી. તેણે 14 એપ્રિલ 2021ના રોજ આ રેકોર્ડ બનાવ્યો હતો, જેને લાંબી રાહ જોયા બાદ ગિનિસ સાઇટ પર અપડેટ કરવામાં આવ્યો છે. આ બધામાં લાંબી રાહ શા માટે હતી તે એક જુદી જ વાત છે. શશાંકે કહ્યું કે તેણે રેકોર્ડ માટે દિલ્હી મેટ્રોના 254 સ્ટેશનોની મુલાકાત લીધી. રેકોર્ડના રૂટમાં ગુરુગ્રામની રેપિડ મેટ્રો અને નોઇડાની એક્વા લાઇનનો સમાવેશ થતો નથી. તેણે બ્લૂ લાઇનથી યાત્રા શરૂ કરી હતી જે ગ્રીન લાઇનના બ્રિગેડિયર હોશિયાર સિંહ સ્ટેશન પર જઈને પૂરી થઈ હતી. આખી મુસાફરી દરમિયાન, તેણે લંચ સહિત માત્ર ત્રણ ટૂંકા બ્રેક લીધા.
જો કોઈ આ રેકોર્ડ બનાવવા માંગે તો શું? આ સવાલ પર શશાંક કહે છે, ‘સૌથી પહેલા તમારે ગિનીસ સાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને જણાવવું પડશે કે તમે આ રેકોર્ડનો પ્રયાસ કરવા માંગો છો. આ પછી, તેની મંજૂરી ગિનીસ ઓથોરિટી તરફથી આવશે. રેકોર્ડ બનાવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આના પર શશાંકે કહ્યું, ‘તમારે કેટલાક સાક્ષીઓને તમારી સાથે રાખવા પડશે જે રેકોર્ડના પ્રયાસ દરમિયાન તમારી સાથે હશે. આ સિવાય સ્ટોપ વોચ રાખવી પડશે. દરેક સ્ટેશન પર પહોંચવાનો વીડિયો, મેટ્રોના દરવાજા ખોલવાના અને બંધ કરવાના સમયની નોંધ લેવી પડશે.
શશાંકે વધુમાં જણાવ્યું કે એક લાઇનથી બીજી લાઇનમાં જવા માટે ગિનીસના પોતાના નિયમો છે. ઉદાહરણ તરીકે, તમે એક જ સમયે રેડ લાઇનના તમામ સ્ટેશનોને આવરી લેવા માંગો છો અને પછી બ્લુ લાઇન પર જાઓ. તો આવી સ્થિતિમાં, મેટ્રો સિવાય, તમે રેડ લાઇનના છેલ્લા સ્ટેશનથી બ્લુ લાઇનના કોઈપણ સ્ટેશન પર આવવા માટે માત્ર બસનો ઉપયોગ કરી શકો છો. કેબ-ઓટો સેવા અથવા પોતાના વાહનનો ઉપયોગ પ્રતિબંધિત છે.
શશાંકે આ રેકોર્ડ અગાઉ બનાવ્યો છે કે પછી તેણે ડીએમઆરસીના કર્મચારી પ્રફુલ સિંહનો રેકોર્ડ તોડ્યો છે, તે હજુ સ્પષ્ટ નથી. વાસ્તવમાં, DMRCના કર્મચારી પ્રફુલ સિંહે 2022માં આ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલે શશાંક પછી. તેણે શશાંક (16 કલાક 2 મિનિટ 17 સેકન્ડ) કરતાં વધુ સમયમાં તમામ મેટ્રો સ્ટેશનોની મુલાકાત લીધી. આમ છતાં શશાંક પહેલા ગિનીસે આ રેકોર્ડ પ્રફુલ્લના નામે ઓળખ્યો હતો. પરંતુ પછી જ્યારે ગિનીસ મેનેજમેન્ટની નજર શશાંકના રેકોર્ડ પર પડી તો તેઓએ સાઈટ અપડેટ કરી. હવે સૌથી ઓછા સમયમાં દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશનો પર જવાનો રેકોર્ડ શશાંક મનુના નામે નોંધાયેલો છે.
ઉલ્લેખનીય છે કે શશાંકે જણાવ્યું કે તેના નામે વધુ એક ગિનિસ રેકોર્ડ છે. આ રેકોર્ડ 24 કલાકની અંદર મહત્તમ સંખ્યામાં સંગ્રહાલયોની મુલાકાત લેવાનો છે. આ માટે તેમણે 24 કલાકમાં 24 મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. શશાંકનું કહેવું છે કે તે ભવિષ્યમાં પણ આવા અન્ય રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરતો રહેશે.