Not Set/ કંડલા પોર્ટ ગ્રીન શિપિંગ તરફ આગળ: મેથેનોલ બંકરિંગથી ભારતના મેરિટાઇમ ક્ષેત્રમાં નવો માઈલસ્ટોન

કંડલા પોર્ટ (Kandla Port) ની આ સિદ્ધિ ભારતની ટકાઉ વિકાસ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Top Stories Gujarat
Kandla Port

Methanol bunkering at Kandla Port: ભારતના મેરિટાઇમ ક્ષેત્રને હરિત દિશામાં આગળ ધપાવતાં એક મહત્વપૂર્ણ પગલાંરૂપે કંડલા સ્થિત દિન્દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા મેથેનોલ બંકરિંગ ક્ષમતામાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. આ પહેલ ભારતને 2050 સુધી “નેટ-ઝીરો ઉત્સર્જન”ના લક્ષ્ય તરફ આગળ ધપાવશે અને વૈશ્વિક ગ્રીન શિપિંગ કોરિડોરમાં દેશને મજબૂત સ્થાન અપાવશે.

કેન્દ્રિય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સરબાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે કંડલા પોર્ટની આ સિદ્ધિ ભારતની ટકાઉ વિકાસ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે પર્યાવરણમૈત્રી ઇંધણ તરીકે મેથેનોલ, ઇ-મેથેનોલ અને ઇ-એમોનિયા જેવા વિકલ્પોને અપનાવીને ભારત પોતાના મેરિટાઇમ સેક્ટરને વૈશ્વિક ધોરણો સાથે સુસંગત બનાવી રહ્યું છે.

Kandla Port

કંડલા પોર્ટ પહેલાથી જ મેથેનોલના હેન્ડલિંગ માટે જરૂરી સુવિધાઓ ધરાવે છે, જેમ કે સ્ટોરેજ ટાંકા, પાઇપલાઇન્સ અને જેટ્ટી. હવે આ આધારે પોર્ટ વિશેષ મેથેનોલ બંકરિંગ સુવિધાઓ વિકસાવી રહ્યું છે, જે ભવિષ્યમાં ગ્રીન શિપિંગ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

પોર્ટની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા DNV મેરિટાઇમ એડવાઇઝરી સર્વિસિસ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં કંડલા પોર્ટને IAPH Port Readiness Level (PRL) સ્કેલ પર લેવલ-6નું રેટિંગ મળ્યું છે. આ રેટિંગ પોર્ટની સક્ષમતા અને સુરક્ષા ધોરણોને માન્યતા આપે છે.

Kandla Port

2 એપ્રિલ, 2026ના રોજ કંડલા પોર્ટ ખાતે મેથેનોલ બંકરિંગનો શોર-ટુ-શિપ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં સ્ટોલ્ટ ટેન્કર્સ, J.M. બક્ષી, એજીસ વોપાક અને ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓ સાથે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી. ટ્રાયલ દરમિયાન ઇંધણ ટ્રાન્સફર, સલામતી વ્યવસ્થા અને નિયમનકારી માપદંડોની સફળ ચકાસણી થઈ હતી.

Kandla Port

આગામી તબક્કામાં પોર્ટ શિપ-ટુ-શિપ મેથેનોલ બંકરિંગ શરૂ કરવાની તૈયારીમાં છે, જે તેની કામગીરીને વધુ મજબૂત બનાવશે. સાથે જ 2028-29 સુધીમાં લગભગ 500 KTPA ઇ-મેથેનોલ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે, જે એશિયા-યુરોપ ટ્રેડ રૂટ પર ચાલતા ડ્યુઅલ-ફ્યુઅલ જહાજોને સહાય કરશે.

આ પહેલ માત્ર કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં જ મદદરૂપ નહીં બનશે, પરંતુ રોકાણ, ટેકનોલોજી સહકાર અને રોજગારના નવા અવસરો પણ ઊભા કરશે. કંડલા પોર્ટની આ સિદ્ધિ ભારતને વૈશ્વિક ગ્રીન મેરિટાઇમ હબ તરીકે ઉભરવામાં મહત્વપૂર્ણ સાબિત થવાની સંભાવના છે.


આ પણ વાંચો: કંડલા DPA ખાતે 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના, “મેઈડ-ઇન-ઇન્ડિયા” હેઠળ ઉત્પાદિત ઈલેક્ટ્રોલાઈઝર્સ થશે સ્થાપિત

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે