New Delhi News: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જાતિ જનગણનાની પ્રક્રિયા (Caste Census 2027) અંગે વાંધો ઉઠાવ્યો છે. બંને નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જનગણના-2027માં જાતિ સંબંધિત પ્રશ્નો અને ડેટા એકત્ર કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની માંગ કરી છે.
જાતિના નામ નોંધવાની પદ્ધતિ સામે વાંધો
રાહુલ ગાંધી (Rahul Gandhi) અને મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) પત્રમાં જણાવ્યું છે કે માત્ર જાતિનું નામ સીધું પૂછવાથી એક જ જાતિ અલગ-અલગ નામ અથવા પેટા-જાતિના નામથી નોંધાઈ શકે છે. જેના કારણે વસ્તીના આંકડા ખોટા આવવાની શક્યતા રહે છે અને ભવિષ્યની સરકારી નીતિઓ પર તેની અસર પડી શકે છે.


Caste Census 2027: ‘પછાત વર્ગ’ શબ્દ સામેલ કરવાની માંગ
કોંગ્રેસ નેતાઓએ જનગણનાની પ્રશ્નાવલીમાં ‘પછાત વર્ગ’ શબ્દનો સમાવેશ ન કરવામાં આવ્યો હોવા અંગે પણ વાંધો વ્યક્ત કર્યો છે. તેમના મતે OBC સહિતના પછાત વર્ગોની વસ્તીનો ચોક્કસ ડેટા મેળવવા માટે પ્રશ્નાવલીમાં યોગ્ય વિકલ્પો હોવા જરૂરી છે.
બિહાર-તેલંગાણા જેવી પ્રક્રિયા અપનાવવાની માંગ
કોંગ્રેસે જાતિની ઓળખ માટે પહેલેથી તૈયાર કરેલી યાદી અથવા ડ્રોપ-ડાઉન વિકલ્પો આપવાની માંગ કરી છે. આ યાદી સરકારી જાતિ સૂચિઓ અને સંબંધિત સત્તાવાર સ્ત્રોતોના આધારે તૈયાર કરવાની ભલામણ કરવામાં આવી છે. કોંગ્રેસે બિહાર અને તેલંગાણામાં અપનાવવામાં આવેલી પ્રક્રિયા જેવી પદ્ધતિ દેશભરમાં લાગુ કરવાની માંગ કરી છે.
પક્ષો અને નિષ્ણાતો સાથે ચર્ચાની માંગ
રાહુલ ગાંધી અને ખડગેએ જનગણનાની અંતિમ પ્રશ્નાવલી તૈયાર કરતા પહેલાં રાજકીય પક્ષો, નિષ્ણાતો અને સામાન્ય લોકો સાથે ચર્ચા-વિચારણા કરવાની પણ માંગ કરી છે. તેમના મતે સમગ્ર દેશમાં જાતિની માહિતી એકસરખી પદ્ધતિથી એકત્ર થવી જોઈએ.
જનગણના-2027માં 40 પ્રશ્નો
જનગણના-2027 દરમિયાન (Caste Census India) લોકો પાસેથી કુલ 40 પ્રશ્નોના જવાબો લેવામાં આવશે. આઝાદી બાદ પ્રથમ વખત દેશના તમામ સમુદાયોની જાતિ સંબંધિત માહિતી જનગણનામાં નોંધાવાની છે. અગાઉ 2011ની જનગણનામાં જાતિ સંબંધિત માહિતીમાં મુખ્યત્વે SC અને ST માટે જ વિકલ્પ હતો.
દેશની પ્રથમ ડિજિટલ જનગણના
જનગણના-2027 દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ જનગણના બનશે. માહિતી ડિજિટલ માધ્યમથી નોંધવામાં આવશે અને લોકોને સેલ્ફ-એન્યુમરેશન એટલે કે પોતાની માહિતી જાતે ભરવાનો વિકલ્પ પણ મળશે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, જનગણના દરમિયાન આપવામાં આવતી વ્યક્તિગત માહિતી ગોપનીય રાખવામાં આવશે.
રૂ.11,718 કરોડથી વધુનું બજેટ
કેન્દ્ર સરકારે જનગણના-2027 માટે રૂ.11,718.24 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. 2021માં કોરોના મહામારીને કારણે જનગણના મુલતવી રાખવામાં આવી હતી. હવે આગામી જનગણનામાં જાતિ સંબંધિત માહિતીનો સમાવેશ થવાનો હોવાથી તેની પ્રક્રિયા અને પ્રશ્નાવલીને લઈને રાજકીય ચર્ચા તેજ થઈ છે.
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડે કાર પર કરી 3400 કિસ! ‘Kissing Car’ રીલને 55 લાખ વ્યૂઝ, પોલીસે ધોવડાવી કાર અને ફટકાર્યો દંડ
આ પણ વાંચો: 17મી વખત રામ રહીમ જેલમાંથી બહાર, 21 દિવસના પેરોલ બાદ સિરસા જવા રવાના
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં આદિવાસી વિદ્યાર્થીઓના આંદોલન પર રાજકીય ઘમાસાણ, રાહુલ ગાંધીના પત્ર બાદ BJPનો પલટવાર
