Ahmedabad News : અમદાવાદના ગીતા મંદિર (Geeta Mandir Ahmedabad)એસટી બસપોર્ટ આસપાસના ટ્રાવેલ્સ વેપારીઓમાં ખંડણી (Extortion)ની માગને લઈને ભયનો માહોલ સર્જાયો છે. ફરિયાદ મુજબ, શરીફખાન પઠાણ નામના વ્યક્તિએ ટ્રાવેલ્સ સંચાલકોને છરી બતાવી ધમકી આપી હતી અને દરેક બસ દીઠ ₹5 હજાર આપવાની માગ કરી હતી.
સહયોગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં ધમકી
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગીતા મંદિર ચાર રસ્તા નજીક સહયોગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (Travel Agency)ની ઓફિસમાં શરીફખાન પઠાણ પહોંચ્યો હતો. તે સમયે સંચાલક કેયુર ખાણદર, તેમના પિતા, મેનેજર અને કર્મચારીઓ હાજર હતા.
આરોપીએ કેયુરની છાતી પર છરી (Knife Threat)રાખીને ટ્રાવેલ્સનો ધંધો ચાલુ રાખવો હોય તો દરેક બસના ₹5 હજાર આપવા પડશે તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન ઓફિસના કર્મચારીઓ સાથે મારામારી પણ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
રાત્રે 2 વાગ્યે ફરી આવ્યો
ફરિયાદ મુજબ, બીજા દિવસે રાત્રે આશરે બે વાગ્યે આરોપી ફરી ટ્રાવેલ્સની ઓફિસે પહોંચ્યો હતો. ઓફિસ કેમ ખુલ્લી છે તે મુદ્દે ધમકાવીને પૈસાની માગણી કરવામાં આવી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીએ ₹500 લઈ લીધા હોવાનો વેપારીએ આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત આસપાસની અન્ય ટ્રાવેલ્સ ઓફિસોમાં પણ જઈને છરી બતાવી ₹500ની ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
બે દિવસમાં બે પોલીસ ફરિયાદ
આ ઘટનાને પગલે વેપારીઓએ પોલીસનો સંપર્ક કર્યો છે. શરીફખાન પઠાણ (Sharif Khan Pathan)સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. આ પહેલાં 24 ઓગસ્ટે તેની સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
ગુજસીટોક સાથે જોડાયેલી ગેંગમાં નામ હોવાનો ઉલ્લેખ
પોલીસ તપાસ દરમિયાન શરીફખાનનું નામ જમાલપુર વિસ્તારમાં સક્રિય હોવાનું કહેવાતી બાલમખાન-હમઝા ગેંગ સાથે જોડાતું હોવાનું સામે આવ્યું છે. આ ગેંગ સામે અગાઉ ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ ચૂકી હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ સાથે હત્યાના પ્રયાસ, મારામારી, ખંડણી (Extortion)અને ધમકી સહિતના અનેક ગંભીર ગુનાઓ જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. હાલની ખંડણીની ફરિયાદને પગલે પોલીસ આરોપીની ભૂમિકા તેમજ અન્ય ટ્રાવેલ્સ સંચાલકો (Travel Operators)પાસેથી ઉઘરાણી થઈ હતી કે નહીં તે અંગે તપાસ કરી રહી છે.
