Vadodara News/ વડોદરામાં વ્યાજખોરી અને ખંડણીના આરોપમાં તમન્ના સૈયદ અને પતિ સોહેલની ધરપકડ

રિમાન્ડ દરમિયાન પોલીસ એ તપાસ કરી રહી છે કે દંપતીએ અન્ય કેટલા લોકોને વ્યાજખોરી (Usury)ની જાળમાં ફસાવ્યા હતા અને આ પ્રવૃત્તિમાંથી કોઈ ગેરકાયદે સંપત્તિ ઊભી કરવામાં આવી છે કે કેમ

Vadodara
શહેરમાં વ્યજખોરી (Usury)અને ધમકીના ચકચારી કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચર્ચામાં રહેલી મહિલા તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલ સૈયદની ધરપકડ કરી છે

Vadodara News : શહેરમાં વ્યજખોરી (Usury)અને ધમકીના ચકચારી કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચર્ચામાં રહેલી મહિલા તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલ સૈયદની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદના આધારે હાથ ધરાયેલી તપાસમાં દંપતી સામે વ્યાજખોરી, ધમકી અને મોટી રકમ વસૂલ્યાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તપાસ માટે 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

₹3 લાખના બદલામાં ₹22 લાખ વસૂલ્યાનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ, આરીફ નામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે તમન્ના સૈયદ (Tamanna Saiyed) અને સોહેલ સૈયદ (Sohel Saiyed)પાસેથી તેણે આશરે ₹3 લાખ વ્યાજે લીધા હતા. ફરિયાદ મુજબ, ત્યારબાદ દંપતીએ પઠાણી વ્યાજના નામે બે વર્ષના સમયગાળામાં તેની પાસેથી કુલ ₹22 લાખ જેટલી રકમ વસૂલી હતી.

ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વધુ પૈસા નહીં આપે તો તેને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. સતત માનસિક દબાણથી કંટાળેલા પીડિતે પોલીસનો સંપર્ક કર્યો હતો.

સોહેલ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા હોવાનો પોલીસનો દાવો

ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આરોપી સોહેલ સૈયદ સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 7 જેટલા ગુના નોંધાયેલા છે. હાલ રિમાન્ડ દરમિયાન પોલીસ એ તપાસ કરી રહી છે કે દંપતીએ અન્ય કેટલા લોકોને વ્યાજખોરી (Usury)ની જાળમાં ફસાવ્યા હતા અને આ પ્રવૃત્તિમાંથી કોઈ ગેરકાયદે સંપત્તિ ઊભી કરવામાં આવી છે કે કેમ.

કેફે સંચાલક પાસેથી ₹2 લાખ ખંડણી માંગ્યાની ફરિયાદ

તમન્ના સૈયદ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ફતેગંજના કેફે સંચાલક શેખ મોહમ્મદ ઝૈદ મોહમ્મદ અયાઝે આક્ષેપ કર્યો છે કે તેને બદનામ કરવાના હેતુથી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ₹2 લાખની ખંડણી માંગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયા દાવાઓ બાદ SOGની તપાસ

થોડા સમય પહેલાં તમન્ના સૈયદે સોશિયલ મીડિયા પર વડોદરાના કેટલાક વિસ્તારોમાં એમ.ડી., ચરસ અને દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાના દાવા કરતો વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારબાદ SOGની ટીમે જણાવાયેલા સ્થળોએ તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તપાસ દરમિયાન આવા ગેરકાયદે વેચાણના પુરાવા મળ્યા નહોતા.

પોલીસે સોશિયલ મીડિયા પર કરાયેલા દાવાઓ અંગે પુરાવા માંગ્યા હોવા છતાં તપાસમાં પૂરતો સહકાર ન મળ્યો હોવાનો પણ પોલીસનો દાવો છે.

હાલ તમન્ના સૈયદ અને સોહેલ સૈયદ સામેના આક્ષેપોની પોલીસ તપાસ ચાલી રહી છે. આ તમામ આક્ષેપો ફરિયાદ અને પોલીસ તપાસ પર આધારિત છે અને કેસની અંતિમ સત્યતા કોર્ટની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો : અમદાવાદમાં વ્યાજખોરીનો ગંભીર આક્ષેપ: ₹8 લાખના બદલે ₹20 લાખની માંગણી, ત્રાસથી કંટાળી યુવકે નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો : ભરૂચના અંકલેશ્વરમાં વ્યાજખોરીના ગુનામાં ત્રણ ઝડપાયા

આ પણ વાંચો : સુરતમાં વ્યાજખોરીના ચંગુલમાં વધુ એક જીંદગી હોમાઈ