Vadodara News/ રેલવે ટ્રેક પર બોમ્બ જેવો પદાર્થ મૂકનાર બીજું કોઈ નહીં પણ પોલીસને જાણ કરનાર જ નીકળ્યો

વડોદરા (Vadodara) ના અનગઢ રેલવે ટ્રેક પર એક્સપ્લોઝિવ મળવાના કેસમાં મોટો ખુલાસો. રિટાયર્ડ આર્મીમેન મુસ્તાક શેખે નોકરી લંબાવવા માટે જાતે જ વિસ્ફોટક પ્લાન્ટ કર્યા હતા.

Top Stories Gujarat Vadodara
Vadodara Mustak Ahmed Sheikh Arrest

Vadodara Mustak Ahmed Sheikh Arrest: અનગઢ રેલવે ટ્રેક પરથી શંકાસ્પદ એક્સપ્લોઝિવ મળી આવવાના હાઈ-પ્રોફાઈલ કેસમાં વડોદરા પોલીસે ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં જે વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી, તે જ આ આખા ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો છે. પોલીસે રિટાયર્ડ આર્મીમેન અને રેલવે પોલીસમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા મુસ્તાક અહમદ મોહમદ શેખની ધરપકડ કરી છે.

Vadodara : કોણ છે આરોપી મુસ્તાક શેખ?

47 વર્ષીય મુસ્તાક અહમદ મોહમદ શેખ ભારતીય આર્મીમાંથી રિટાયર્ડ થયેલ છે. તે વર્ષ 2024થી વડોદરાના શેરખી વિસ્તારમાં રહે છે. આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ તે રેલવે પોલીસમાં ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતો હતો.

Vadodara Mustak Ahmed Sheikh Arrest

કેમ રચ્યું આ ખતરનાક ષડયંત્ર?

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મુસ્તાકનો રેલવેનો કોન્ટ્રાક્ટ 2026માં પૂરો થવાનો હતો. રેલવેમાં એવી સિસ્ટમ છે કે જો કોઈ કર્મચારી ઉત્કૃષ્ટ કામગીરી કરે અથવા મોટી ઘટના અટકાવે, તો તેને રિવોર્ડ (ઈનામ) મળે છે અથવા તેના કોન્ટ્રાક્ટમાં એક્સ્ટેન્શન (સમય વધારો) મળે છે.

પોતાનો કોન્ટ્રાક્ટ લંબાવવા અને ઉચ્ચ અધિકારીઓની નજરમાં ‘હીરો’ બનવા માટે મુસ્તાકે આ જોખમી પ્લાન બનાવ્યો હતો. તેણે વિચાર્યું હતું કે જો તે રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક શોધી કાઢશે, તો તેની વાહ-વાહી થશે અને તેને નોકરીમાં કાયમી એક્સ્ટેન્શન મળી જશે.

ક્યાંથી લાવ્યો એક્સપ્લોઝિવ?

તપાસમાં ખુલાસો થયો છે કે મુસ્તાકે કોઈ ખતરનાક બોમ્બ નહીં, પરંતુ લગ્ન પ્રસંગોમાં વપરાતો ‘કોલ્ડ પાયરો’ નામનો પદાર્થ મેળવ્યો હતો. તેણે આ પદાર્થને રેલવે ટ્રેક પર એવી રીતે પ્લાન્ટ કર્યો કે તે એક્સપ્લોઝિવ જેવો દેખાય. ત્યારબાદ તેણે જાતે જ પોલીસને જાણ કરી કે ટ્રેક પર કઈ શંકાસ્પદ વસ્તુ પડી છે.

કડક પૂછપરછમાં ભાંગી પડ્યો

મુસ્તાકની વાતમાં અને તેની હિલચાલમાં ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસને શંકા ગઈ હતી. જ્યારે તેની ટેકનિકલ તપાસ અને કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારે આ રિટાયર્ડ આર્મીમેન ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: ડમ્પર બન્યું કાળ! વડોદરામાં ડમ્પરના ટાયર નીચે કચડાતા આધેડનું પ્રાણપંખેરું ઊડી ગયું

 આ પણ વાંચો: બેંક મેનેજર બન્યા દેવદૂત! વડોદરામાં 5 દિવસ સુધી ડિજિટલ કેદમાં રહેલા વૃદ્ધના 20 લાખ બચી ગયા

 આ પણ વાંચો: વડોદરાના અનગઢ નજીક રેલ્વે ટ્રેક પર વિસ્ફોટક જેવો પદાર્થ મળતા હડકંપ