Vadodara News/ બેંક મેનેજર બન્યા દેવદૂત! વડોદરામાં 5 દિવસ સુધી ડિજિટલ કેદમાં રહેલા વૃદ્ધના 20 લાખ બચી ગયા

વડોદરામાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વૃદ્ધને 5 દિવસ ડિજિટલ એરેસ્ટ (Digital Arrest) કરાયા હતા. બેંક મેનેજરની સતર્કતાથી તેમના 20 લાખ રૂપિયા બચી ગયા. જાણો પૂરો કિસ્સો.

Top Stories Gujarat Vadodara

Vadodara Digital Arrest News: ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટના વધતા કિસ્સાઓ વચ્ચે વડોદરામાંથી એક રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક જાગૃત બેંક મેનેજરની સમયસૂચકતાને કારણે એક સિનિયર સિટિઝન પોતાની આજીવનની મૂડી સમાન ૨૦ લાખ રૂપિયા ગુમાવતા બચી ગયા છે. ઠગબાજોએ આ વૃદ્ધને પાંચ દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખીને માનસિક દબાણ હેઠળ રાખ્યા હતા.

મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે આવ્યો હતો કોલ

આ ઘટનાની વિગત મુજબ, વડોદરાના એક સિનિયર સિટિઝનને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સામે છેડેથી વાત કરનાર વ્યક્તિએ પોતે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી બોલે છે તેમ કહીને વૃદ્ધને ડરાવ્યા હતા. ઠગબાજોએ એવો આક્ષેપ કર્યો હતો કે, વૃદ્ધના બેંક એકાઉન્ટ અને સીમ કાર્ડનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ફ્રોડમાં થયો છે, જેના કારણે તેમની ધરપકડ થઈ શકે છે.

5 દિવસ સુધી રખાયા ‘ડિજિટલ એરેસ્ટ’

વૃદ્ધને એટલી હદે ડરાવી દેવામાં આવ્યા હતા કે તેઓ છેલ્લા પાંચ દિવસથી પોતાના જ ઘરમાં કેદ જેવી સ્થિતિમાં હતા. ઠગબાજોએ તેમને વીડિયો કોલ દ્વારા નજરકેદ રાખ્યા હતા અને કોઈને પણ વાત ન કરવા ધમકી આપી હતી. આ કેસમાંથી મુક્તિ મેળવવાના બહાને ઠગબાજોએ વૃદ્ધ પાસે ૨૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી.

બેંક મેનેજરની નજરે પકડાયું ફ્રોડ

માનસિક દબાણમાં આવી ગયેલા વૃદ્ધે પોતાની વર્ષો જૂની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડાવી હતી. તેઓ ૨૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે બેંક પહોંચ્યા હતા. જોકે, ટ્રાન્સફર પ્રક્રિયા દરમિયાન બેંક મેનેજરને વૃદ્ધના વર્તન અને ઉતાવળ પર શંકા ગઈ હતી. મેનેજરે વૃદ્ધને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા સમગ્ર મામલો ‘ડિજિટલ એરેસ્ટ’નો હોવાનું સ્પષ્ટ થયું હતું.

પોલીસે સમયસર પહોંચી વૃદ્ધને સમજાવ્યા

બેંક મેનેજરે તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસ અધિકારીઓએ બેંકમાં જઈને વૃદ્ધને સમજાવ્યા હતા કે મુંબઈ ક્રાઈમ બ્રાંચ કે કોઈ પણ તપાસ એજન્સી ક્યારેય ફોન પર આ રીતે પૈસાની માંગણી કરતી નથી. આખરે વૃદ્ધને પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાઈ હતી અને તેમના ૨૦ લાખ રૂપિયા સુરક્ષિત રહ્યા હતા.


આ પણ વાંચો:અમદાવાદના ઉદ્યોગપતિને 56.52 લાખ રૂ. નુકસાન, ડિજિટલ એરેસ્ટ કરીને નકલી પોલીસ કેવી રીતે લુંટ્યો….

આ પણ વાંચો:સુરતમાં યુવાનને ડિજિટલ એરેસ્ટ કરનારા સાઇબર માફિયાને મદદરૂપ થનારાની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં ડિજિટલ એરેસ્ટનો મોટો કેસ : સીનીયર સિટીઝન પાસેથી રૂ.1,15,50,000 પડાવ્યા