Vadodara News/ નેપાળ પૂરનો ખોફનાક કિસ્સો: પ્રવાસીઓને બચાવનાર ગાઈડનું મોત, મોતનો મંજર જોનાર પ્રવાસીએ કહ્યું,  ઘરે આવ્યા બાદ પણ ડર સતાવે છે

નેપાળમાં પ્રવાસીઓ (Tourists)ને મુશ્કેલીમાં મદદ કરનાર ગાઈડનું મોત. બચી ગયેલા પ્રવાસીઓએ દોઢ ફૂટના પથ્થર અને વિનાશક પૂર વચ્ચે બનેલી ભયાનક આપવીતી વર્ણવી.

Gujarat Vadodara Breaking News
Tourists

Vadodara News: નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન વચ્ચે પ્રવાસીઓ (Tourists)ની મદદ કરનાર ગાઈડના મોતના સમાચારથી પરત ફરેલા લોકો ભાવુક બન્યા છે. ઘટનાને યાદ કરતાં તેઓ હજુ પણ ડરી જાય છે અને કહે છે કે ઘરે આવ્યા પછી પણ ઊંઘ આવતી નથી. લાપતા ભારતીય નાગરિકોને શોધવા અને પરત લાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

પ્રવાસીઓને સાચવનાર ગાઈડનું મોત, Tourists થયા ભાવુક

નેપાળ અને તિબેટ સરહદ નજીક આવેલા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂર (Nepal Flood) અને ભૂસ્ખલન (Landslide)ની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન અનેક લોકો મુશ્કેલીમાં ફસાયા હતા. પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે સ્થાનિક ગાઈડ્સે જોખમી પરિસ્થિતિમાં તેમને પરિવારના સભ્યોની જેમ સાચવ્યા હતા.

હવે આવા જ એક ગાઈડના નિધનના સમાચાર સામે આવતા પ્રવાસીઓ માટે આ આઘાતજનક બની ગયું છે. જે વ્યક્તિએ મુશ્કેલીના સમયે તેમની મદદ કરી હતી, તે જ કુદરતી આફતનો ભોગ બન્યા હોવાની જાણકારીથી પ્રવાસીઓની આંખો ભીની થઈ ગઈ છે. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે. તેમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેપાળ દૂતાવાસ દ્વારા મદદ માટે હેલ્પલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

રસ્તા પર મોતનો સામનો, પથ્થર પગને અડકીને પસાર થયો

પ્રવાસી સુધા ગોસ્વામીએ પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે જ્યારે તેઓ નેપાળ પહોંચ્યા ત્યારે વરસાદ થઈ રહ્યો હતો, પરંતુ સ્થિતિ આટલી ગંભીર બનશે તેની કલ્પના નહોતી.  ટિમુર તરફ જતા રસ્તામાં એક તરફ નદી અને બીજી તરફ પહાડ હતો. રસ્તો એટલો સાંકડો હતો કે મુશ્કેલીથી એક બસ પસાર થઈ શકે. વાહન આગળ ન જઈ શકતાં પ્રવાસીઓને કાદવમાંથી ચાલીને આગળ વધવું પડ્યું.

આ દરમિયાન પહાડ પરથી પથ્થરો પડતા હતા. સુધાએ જણાવ્યું કે તેમની સામે ઉપરથી અંદાજે દોઢ ફૂટનો પથ્થર પડ્યો હતો. જો તેઓ એ સમયે થોડા અલગ સ્થાને હોત તો નદીમાં પડી જવાની અથવા કાદવમાં ફસાઈ જવાની શક્યતા હતી. એક પથ્થર તેમના પગને અડકીને પસાર થયો અને તેઓ બચી ગયા.

ઘરે પરત આવ્યા બાદ પણ આ ઘટનાનો ડર દૂર થયો નથી. તેમણે કહ્યું કે સમાચાર જોયા પછી તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા અને ઊંઘ તથા ભૂખ પર પણ અસર થઈ છે.

જ્યાં સેલ્ફી લીધી ત્યાં જ વિનાશક પૂર આવ્યું

અન્ય પ્રવાસી પારિતા શુલ્કાએ જણાવ્યું કે તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. સ્થાનિક પોર્ટર્સ, સ્ટાફ, પોલીસ અને ગાઈડ્સ પણ ત્યાં હતા.તેમણે જણાવ્યું કે સ્થળ ખૂબ સુંદર હતું અને બ્રિજ ક્રોસ કર્યા બાદ ત્રિશૂલી નદી આવતી હતી. પ્રવાસીઓએ ત્યાં ઊભા રહીને ફોટા અને સેલ્ફી પણ લીધી હતી. પરંતુ થોડા સમય બાદ બનેલી કુદરતી આફતે આખું દૃશ્ય બદલી નાખ્યું.

પૂરના પાણી એટલા ઝડપથી આવ્યા કે લોકોને ભાગવાનો પણ સમય ન મળ્યો હોવાની આશંકા છે. જે બિલ્ડિંગની નજીક પ્રવાસીઓએ ફોટા પાડ્યા હતા, તે જ વિસ્તારમાં પાણી અને કાટમાળના કારણે ભારે વિનાશ સર્જાયો.

ભારતીય પ્રવાસીઓની ચિંતા યથાવત

આ દુર્ઘટના બાદ અનેક પરિવારજનો પોતાના સ્વજનોની માહિતી મેળવવા માટે ચિંતિત છે. લાપતા ભારતીય પ્રવાસીઓ (Indian Tourists)ને શોધવા માટે સંબંધિત તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy rain)દરમિયાન મુસાફરીના જોખમને સામે લાવ્યું છે. સ્થાનિક ગાઈડ્સ અને બચાવકર્મીઓએ મુશ્કેલીમાં ફસાયેલા લોકોને મદદ કરી હતી, પરંતુ કુદરતના પ્રચંડ પ્રકોપે અનેક પરિવારોને ક્યારેય ન ભરાય તેવી ખોટ આપી છે.


આ પણ વાંચો:નેપાળમાં ભૂસ્ખલન-પૂરથી તબાહી, 43 ગુજરાતી પ્રવાસીઓનો બચાવ; આણંદનું NRI દંપતી ગુમ

આ પણ વાંચો:નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જાહેર; જાણો વિગતવાર અહેવાલ

 આ પણ વાંચો:નેપાળમાં પૂર આવ્યું ત્યારે કાઠમંડુમાં જ હતા શશિ થરૂર; સોશિયલ મીડિયા પર શેર કરી આપવીતી