Nepal Flood: નેપાળમાં ભૂસ્ખલન (Nepal Landslide) અને ત્યારબાદ આવેલા પૂરના કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ છે. 27 ઓગસ્ટે બપોર સુધીના અહેવાલ મુજબ 210 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 300 ભારતીયો સહિત અંદાજે 1,500 લોકો ગુમ હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન કૈલાસ માનસરોવર યાત્રા માટે ગયેલા 25 NRI સહિત 43 ગુજરાતીઓનો કાફલો આ વિનાશક ઘટનામાંથી સદનસીબે બચી ગયો છે.
કચ્છના ટુર ઓપરેટર શૈલેષ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે તેમનો કાફલો નેપાળના ઈમિગ્રેશન સેન્ટર પરથી નીકળ્યાના થોડા કલાકો બાદ જ તે વિસ્તારમાં વિનાશ વેરાયો હતો. તેમણે જણાવ્યું કે, જો ઈમિગ્રેશનની પ્રક્રિયામાં થોડું પણ મોડું થયું હોત તો તેમનો કાફલો પણ આ દુર્ઘટનાનો ભોગ બની શક્યો હોત. હાલ 43 ગુજરાતી પ્રવાસીઓ ચીન પહોંચી ગયા છે અને સુરક્ષિત હોવાનું જણાવાયું છે. જોકે, નેપાળમાં જે સ્થળોએ તેઓ થોડા કલાકો પહેલાં રોકાયા હતા અને ભોજન લીધું હતું ત્યાં થયેલી તબાહીના સમાચારથી સમગ્ર કાફલો ભારે વ્યથિત છે.
Nepal Landslide: ઈમિગ્રેશનમાંથી નીકળ્યાના થોડા કલાકોમાં જ આફત
કચ્છના ટુર ઓપરેટર શૈલેષ મહેશ્વરી 25 NRI સહિત 43 પ્રવાસીઓને લઈને કૈલાસ માનસરોવર યાત્રાએ નીકળ્યા છે. ગુજરાતથી આ કાફલો 22 ઓગસ્ટે નીકળ્યો હતો. પ્રવાસ દરમિયાન 26 ઓગસ્ટે તેઓ નેપાળના ઈમિગ્રેશન સેન્ટર પહોંચ્યા હતા. વિઝા મળ્યા બાદ બપોરે આશરે 12 વાગ્યે કાફલો ઈમિગ્રેશન સેન્ટરથી આગળ નીકળી ગયો હતો. કાફલો ત્યાંથી નીકળ્યાના ગણતરીના કલાકોમાં જ ભારે વરસાદ, ભૂસ્ખલન (Nepal Landslide) અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જે વિસ્તારમાં પ્રવાસીઓ થોડા સમય પહેલાં હાજર હતા ત્યાં ફ્રેન્ડશિપ બ્રિજ, ઈમિગ્રેશન સેન્ટર, માર્કેટ અને આસપાસના અનેક ગામોમાં ભારે નુકસાન થયું હોવાનું જણાવાયું છે. સ્થાનિક માહિતી પ્રમાણે દુર્ઘટના સમયે ઈમિગ્રેશન સેન્ટરમાં આશરે 500 લોકો હાજર હતા. તેમાં ઈમિગ્રેશન માટે આવેલા લોકો ઉપરાંત સ્થાનિક સપોર્ટ સ્ટાફનો પણ સમાવેશ થતો હતો.
Nepal Landslide: ‘થોડું મોડું થયું હોત તો અમે પણ ભોગ બન્યા હોત’
ચીન પહોંચી ગયેલા શૈલેષ મહેશ્વરીએ જણાવ્યું કે જ્યારે તેઓ નેપાળમાં હતા ત્યારે વાતાવરણ સામાન્ય હતું. આવી મોટી કુદરતી આફત આવવાની તેમને કોઈ કલ્પના પણ નહોતી. તેમણે જણાવ્યું કે તેમને રાત્રે આશરે 9:30 વાગ્યે વિઝા મળ્યા હતા. ત્યારબાદ દિલ્હીથી તેમના એક મિત્ર સવારે 4 વાગ્યાની ફ્લાઈટમાં નીકળ્યા હતા અને સવારે 6 વાગ્યે કાઠમંડુ પહોંચ્યા હતા. તેમના માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓ સવારે 10 વાગ્યે કાફલા પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ બપોરે 12 વાગ્યે કાફલો ઈમિગ્રેશન સેન્ટર પરથી નીકળી ગયો હતો. શૈલેષ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે, જો ઈમિગ્રેશન પ્રક્રિયામાં થોડો પણ વિલંબ થયો હોત તો કદાચ તેઓ પણ આ ભયાનક ઘટનામાં ફસાઈ ગયા હોત. સુરક્ષિત રીતે ત્યાંથી નીકળી શક્યા તે માટે તેમણે ઈશ્વરનો આભાર માન્યો હતો.
Nepal Landslide: ‘જ્યાં રોકાયા અને જમ્યા હતા ત્યાં પણ ભારે નુકસાન’
અકસ્મત બાદના દૃશ્યો અને સમાચારથી કાફલામાં સામેલ તમામ પ્રવાસીઓ ભારે આઘાતમાં છે. શૈલેષ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે તેઓ જે સ્થળોએ રોકાયા હતા, જ્યાં ભોજન લીધું હતું અને જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું તે વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે એક માનવી તરીકે આવી મોટી દુર્ઘટનાના સમાચાર સાંભળીને વ્યથિત થવું સ્વાભાવિક છે. કાફલામાં રહેલા લોકોના મનમાં પણ ઘટનાને લઈને ભારે દુઃખ અને ચિંતા છે.
Nepal Landslide: 14 દિવસની યાત્રા, હવે પરત ફરવાનો રૂટ નક્કી થવાનો બાકી
ગુજરાતથી નીકળેલો આ કાફલો કુલ 14 દિવસની કૈલાસ માનસરોવર યાત્રા પર છે. મૂળ આયોજન પ્રમાણે યાત્રા પૂર્ણ કર્યા બાદ પરત ફરવા માટે પણ નેપાળના આ જ રૂટનો ઉપયોગ થવાનો હતો. પરંતુ હાલ આ માર્ગ અસરગ્રસ્ત અને બંધ હોવાની માહિતી છે. તેથી કાફલો કયા માર્ગે ભારત પરત ફરશે તે અંગેનો નિર્ણય ચીન અને નેપાળની સ્થિતિ તથા સરકારના માર્ગદર્શન બાદ લેવામાં આવશે. હાલ 43 પ્રવાસીઓ ચીનમાં આશરે 14 હજાર ફૂટની ઊંચાઈએ છે. ઊંચાઈવાળા વિસ્તારમાં શરીરને વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે હાલમાં પ્રવાસીઓને આરામ આપવામાં આવી રહ્યો છે.
Nepal Landslide: ‘અમારી યાત્રા તો હવે શરૂ થઈ છે’
શૈલેષ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે નેપાળની ઘટનાથી કાફલો વ્યથિત હોવા છતાં કૈલાસ માનસરોવર યાત્રાનું આગળનું આયોજન યથાવત છે. તેમણે જણાવ્યું કે હવે તેઓ માનસરોવર જશે. ત્યારબાદ કૈલાસની તળેટીમાં પહોંચીને ત્રણ દિવસ કૈલાસ પરિક્રમા કરવાની યોજના છે. પરત ફરતી વખતે કયો માર્ગ અપનાવવો તે અંગેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે.
Nepal Landslide: મુંબઈના કુલવીરસિંહ પણ ઘટનાથી આઘાતમાં
કાફલામાં સામેલ મુંબઈના કુલવીરસિંહે જણાવ્યું કે તેમને આવી ભયાનક ઘટનાની કોઈ કલ્પના નહોતી. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ ઈમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને ત્યાંથી નીકળી ગયા હતા. બીજા દિવસે ચીન પહોંચ્યા બાદ નેપાળમાં બનેલી વિનાશક ઘટનાની જાણ થઈ. ઘટનાના સમાચાર સાંભળીને કાફલામાં સામેલ પ્રવાસીઓ ભારે દુઃખી થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
Nepal Landslide: રાજકોટનું ગ્રુપ પણ આ સ્થળે રોકાવાનું હતું
આ દુર્ઘટનામાંથી બચેલા ગુજરાતીઓ ઉપરાંત રાજકોટના પ્રવાસીઓ પણ સદનસીબે આ રૂટ પર જતાં અટકી ગયા હતા. કૈલાસ માનસરોવરની 35 વખત યાત્રા કરી ચૂકેલા ડો. યશવંત ગોસ્વામીએ જણાવ્યું કે રાજકોટમાંથી પણ એક ગ્રુપ ઓગસ્ટમાં કૈલાસ યાત્રા માટે જવાનું હતું. જે વિસ્તારમાં હવે ભારે તબાહી સર્જાઈ છે ત્યાં આ પ્રવાસીઓનું 26 ઓગસ્ટે રોકાણ કરવાનું આયોજન હતું. જોકે ચીન સરકારે જરૂરી પરમિટ ઈશ્યુ ન કરતાં રાજકોટના પ્રવાસીઓની યાત્રા રદ થઈ ગઈ હતી. હવે આ ઘટના બાદ આ પ્રવાસીઓ પણ પોતે આ દુર્ઘટનામાંથી બચી ગયા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
Nepal Landslide: આણંદનું NRI દંપતી સંપર્કવિહોણું
બીજી તરફ આણંદથી કૈલાસ માનસરોવરની યાત્રા માટે ગયેલું NRI દંપતી સંપર્કવિહોણું બન્યું હોવાની ચિંતાજનક માહિતી છે. ન્યૂયોર્કમાં રહેતા બીમલ રાવજીભાઈ પટેલ અને તેમના પત્ની જેમિની પટેલ ફ્લાઈટ મારફતે કાઠમંડુ પહોંચ્યા હતા. પરિવારજનોને તેમણે નેપાળ જવાની માહિતી આપી હતી. તેમણે કાઠમંડુ અને પોખરાની મુલાકાત બાદ કૈલાસ માનસરોવરની યાત્રાનું આયોજન કર્યું હતું. તિબેટ બોર્ડર તરફ જતી વખતે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે તેઓ વિઝા લેવા જે ઓફિસમાં ગયા હતા તે વિસ્તાર પણ પૂરના પ્રવાહમાં અસરગ્રસ્ત થયો છે. ત્યારથી બંનેનો પરિવાર સાથે સંપર્ક થયો નથી. પૂરની માહિતી મળ્યા બાદ તેમના ભાઈએ દિલ્હીની ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કર્યો હતો. પ્રવાસીઓનો સંપર્ક ન થઈ શકતાં તેમણે આણંદના સાંસદની મદદ પણ માંગી હોવાનું જાણવા મળ્યું છે.
Nepal Landslide: નેપાળની તબાહી વચ્ચે ગુજરાતીઓ માટે રાહત અને ચિંતા બંને
એક તરફ 25 NRI સહિત 43 ગુજરાતી પ્રવાસીઓ સમયસર નેપાળમાંથી નીકળી ચીન પહોંચી જતા મોટી રાહત મળી છે, તો બીજી તરફ આણંદના NRI દંપતીના સંપર્કવિહોણા થવાના સમાચાર ચિંતા વધારી રહ્યા છે. નેપાળમાં કુદરતી આફતથી થયેલી તબાહી બાદ અનેક લોકોની શોધખોળ હજુ ચાલી રહી છે. આ સ્થિતિમાં કૈલાસ માનસરોવર યાત્રા પર ગયેલા ગુજરાતીઓની સુરક્ષા અને પરત ફરવાના રૂટ અંગે હવે સરકારના આગામી નિર્ણય પર સૌની નજર છે.
આ પણ વાંચો:નેપાળ પૂરમાં સુરેન્દ્રનગરના નાગરિકો ફસાયા હોવાની આશંકા, હેલ્પલાઇન નંબર જાહેર
આ પણ વાંચો:નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જાહેર; જાણો વિગતવાર અહેવાલ
આ પણ વાંચો:નેપાળમાં હિમાલયનું મહાસંકટ; ગ્લેશિયર તૂટવાથી સર્જાયું ભીષણ પૂર, 160થી વધુ લોકોના મોત
