Surendranagar News: નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડના કારણે પૂર (Nepal Flood)ની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ભોટે કોશી નદી વિસ્તારમાં પરિસ્થિતિ વિકટ બનતા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે. નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિકો અથવા પ્રવાસીઓ ફસાયા છે કે કેમ તેની માહિતી મેળવવા માટે જિલ્લા તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
ટૂર ઓપરેટરોને પ્રવાસીઓની સ્થિતિ ચકાસવા સૂચના
નેપાળમાં સર્જાયેલી પૂર (Nepal Flood)ની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાના ટૂર ઓપરેટરોને તેમના મારફતે નેપાળ પ્રવાસે ગયેલા પ્રવાસીઓની સ્થિતિની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. પ્રવાસીઓ સુરક્ષિત છે કે નહીં, તેઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં તો ફસાયા નથી ને અથવા તેમની સાથે સંપર્ક થઈ રહ્યો છે કે નહીં, તે અંગે માહિતી મેળવવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Nepal Flood: નાગરિકો ફસાયા હોય તો તાત્કાલિક જાણ કરવા અપીલ
જિલ્લા વહીવટીતંત્રે અપીલ કરી છે કે જો સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિક અથવા પ્રવાસી જૂથ નેપાળના પૂરગ્રસ્ત (Nepal Flood) વિસ્તારમાં ફસાયેલું હોય અથવા તેમની સાથે સંપર્ક થઈ રહ્યો ન હોય, તો તેમના પરિવારજનો અને સંબંધિત ટૂર ઓપરેટરોએ વિલંબ કર્યા વિના જિલ્લા તંત્રને જાણ કરવી.
આ માટે સુરેન્દ્રનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમ (DEOC) ના નંબરો પર સંપર્ક કરી શકાય છે, 02752-285300, 02752-283400 પરિવારજનો અને ટૂર ઓપરેટરોને અસરગ્રસ્ત વ્યક્તિની ઉપલબ્ધ તમામ જરૂરી વિગતો સાથે તાત્કાલિક જાણ કરવા જણાવાયું છે, જેથી જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી કરી શકાય.
નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન
નેપાળમાં ફ્લેશ ફ્લડથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકોની મદદ માટે પણ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. નેપાળમાં પ્રવાસે ગયેલા અથવા અન્ય કારણોસર રોકાયેલા કોઈ ભારતીય નાગરિક મુશ્કેલીમાં હોય તો તેઓ નીચેના નંબરો પર સંપર્ક કરી શકે છે. +977 985 131 6807, +977 970 910 7500 આ બંને નંબર પર WhatsApp મારફતે પણ સંપર્ક કરી શકાય છે.
પરિવારજનોને શું કરવું?
નેપાળમાં ગયેલા કોઈ પરિવારજનો સાથે સંપર્ક ન થઈ રહ્યો હોય અથવા તેઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયા હોવાની આશંકા હોય તો પરિવારજનોને રાહ જોયા વિના સંબંધિત હેલ્પલાઇન અથવા જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ટૂર ઓપરેટરોને પણ તેમના પ્રવાસીઓ અંગેની માહિતી ચકાસીને તંત્ર સુધી પહોંચાડવા જણાવાયું છે.
નેપાળમાં પૂર (Nepal Flood)ની સ્થિતિને પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ મુખ્ય હેતુ નેપાળ ગયેલા જિલ્લાના નાગરિકો અને પ્રવાસીઓની સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મેળવવાનો તેમજ જરૂરિયાત ઊભી થાય તો તેમને જરૂરી મદદ પહોંચાડવાનો છે.
આ પણ વાંચો:નેપાળમાં હિમાલયનું મહાસંકટ; ગ્લેશિયર તૂટવાથી સર્જાયું ભીષણ પૂર, 160થી વધુ લોકોના મોત
આ પણ વાંચો:નેપાળમાં ભીષણ પૂરનો પ્રકોપ: 160ના મોત, 133 ભારતીય શ્રદ્ધાળુઓ પણ સંપર્કવિહોણા
આ પણ વાંચો:નેપાળ-તિબેટ બોર્ડર પર કુદરતનો કહેર,1000 ગુમ, 100 મોત
