Rajkot News : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા 1358 મિલકતધારકોને ડિમોલિશન (Demolition) ની આખરી નોટિસ અપાતા સમગ્ર શહેરમાં મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આજી રિવરફ્રન્ટ અને આજી રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 400 કરોડની સરકારી જમીન ખાલી કરાવવાના હેતુથી કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.
ડિમોલિશન (Demolition)ની નોટિસ બાદ વિસ્તારમાં રહેતા 15,000થી વધુ લોકો બેઘર થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. લોકો દ્વારા દબાણ દૂર કરવા માટે સમય આપવા તેમજ વૈકલ્પિક આવાસ ફાળવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ જિલ્લા કલેક્ટરે વધારાનો સમય આપવાની માંગ ફગાવી દેતા હવે તંત્ર ડિમોલિશન(Demolition) માટે મક્કમ હોવાનું સ્પષ્ટ થયું છે.
7 દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસ, કલેક્ટર કચેરીએ ઉમટ્યા હજારો લોકો
જંગલેશ્વરમાં રહેતા 1357થી વધુ લોકોને 7 દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવ્યા બાદ આજે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. લોકોના ટોળાં ઉમટી પડતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અસરગ્રસ્તોમાં આહીર સમાજ, કોળી સમાજ, ભરવાડ સમાજ તેમજ મુસ્લિમ સમુદાયના લોકો સહિત નાડોદાનગર, રાધાકૃષ્ણ પાર્ક, જંગલેશ્વર સોસાયટી, એકતાનગર જેવી અનેક વસાહતોના રહેવાસીઓ સામેલ હતા.
લોકોએ એકસ્વરે પ્રશ્ન ઉઠાવ્યો કે,“એકસાથે 2 હજાર પરિવાર ક્યાં જશે? ભાડે મકાન પણ સહેલાઈથી મળતા નથી.”
અપંગ મહિલાની આંખે આંસુ: ‘આમાં અમારે ક્યાં જવું?’

કલેક્ટર કચેરીમાં સૌથી હૃદયસ્પર્શી દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે એક મહિલા વ્હોકરની મદદથી ચાલતી કચેરી પહોંચી હતી. મહિલા પાસે એક પગ ન હોવાને કારણે તે દિવ્યાંગ હતી અને રડતાં અવાજે કહ્યું કે, “આમાં અમારે ક્યાં જવું?”
ડિમોલિશન (Demolition) ની ભીતિથી અનેક પરિવારો માનસિક તણાવમાં છે. ઘણી સોસાયટીઓ અને મકાનો કપાતમાં મૂકવામાં આવ્યા હોવાના કારણે લોકો અસહાયતાની સ્થિતિ અનુભવી રહ્યા છે.
‘પહેલી નોટિસ મળતાં પતિએ આપઘાત કર્યો’: અનિતાબેન ગોરાસરાની વ્યથા

અસરગ્રસ્ત અનિતાબેન ગોરાસરાએ જણાવ્યું કે તેઓ નાડોદાનગર શેરી નંબર-7માં રહે છે. વહીવટી તંત્ર તરફથી પ્રથમ વખત નોટિસ મળ્યા બાદ તેમના પતિ વિપુલભાઈએ 31 ડિસેમ્બરે ઢસા ગામે કૂવામાં પડી આપઘાત કરી લીધો હતો.
તેમણે રડતાં રડતાં કહ્યું કે,“મારે બે દીકરા છે, જેમાં મોટા દીકરા પર લારી પડી હતી અને તેનું આંતરડું તૂટી ગયું છે. મારી સાથે સાસુ-સસરા પણ રહે છે.હવે ઘર ખાલી કરાવશે તો અમે ક્યાં જઈશું?” આ નિવેદન બાદ કચેરીમાં હાજર અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
‘મારા પતિ 25 વર્ષથી પથારીવશ છે’: આવાસની માંગ
માયાબેને પોતાની સ્થિતિ જણાવતાં કહ્યું કે તેમના પતિ અરજણભાઈનું મગજનું ઓપરેશન થયું છે અને તેઓ છેલ્લા 25 વર્ષથી પથારીવશ છે. આવી પરિસ્થિતિમાં ઘર તોડી નાખવામાં આવશે તો પરિવાર માટે જીવવું મુશ્કેલ બની જશે. તેમણે તંત્ર સમક્ષ સરકારી આવાસ ફાળવવાની માંગ કરી.
‘ચાર પેઢીથી અહીં રહીએ છીએ, લોન લઈને મકાન લીધા’: 70 વર્ષ જૂના વસવાટ પર તંત્રની કાર્યવાહી
અસરગ્રસ્ત રસિદાબેને જણાવ્યું કે તેઓ છેલ્લા 70 વર્ષથી, એટલે કે ચાર પેઢીથી જંગલેશ્વરમાં રહે છે. તેમણે કહ્યું કે,“લોન લઈને મકાન લીધા હતા, હવે તંત્ર કહે છે દબાણ છે એટલે ખાલી કરો… તો અમારે ક્યાં જવું?”

રસિદાબેનનું કહેવું છે કે તેમના વિસ્તારમાંથી ચૂંટાઈ ગયેલા અનેક નેતાઓ હોવા છતાં અત્યારે કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય લોકોની સમસ્યા સાંભળવા આવ્યું નથી. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે,“હવે અમારે આશરો નથી, તો ક્યાં જવું?”
25થી 30 દિવ્યાંગ પરિવારો હોવા છતાં સાંભળવામાં નથી આવતા: અયુબભાઈ શેઠનો આરોપ
જંગલેશ્વરમાં રહેતા દિવ્યાંગ અયુબભાઈ શેઠે જણાવ્યું કે તેઓ એકમાત્ર કમાઉ વ્યક્તિ છે અને તેમના પરિવારમાં 7 સભ્યો છે. નોટિસ મળતાં હવે પરિવાર માટે ઘર બચાવવું મુશ્કેલ બન્યું છે.તેમણે કહ્યું કે,“અહીં 25થી 30 જેટલા દિવ્યાંગ પરિવારો છે.”“તંત્ર અમારી વાત સાંભળવા તૈયાર નથી.”“મત માગવા રાજકારણીઓ આવે છે, પરંતુ આજે કોઈ દેખાતું નથી.”
કલેક્ટરનો સ્પષ્ટ જવાબ: ‘ત્રણ વખત સાંભળ્યા, પૂરતો સમય આપ્યો, હવે Demolition થશે’
રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું કે રાજ્ય સરકારની જમીન ખાલી કરાવવાની કાર્યવાહી નિયમ મુજબ ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે,દરેક દબાણકર્તાને ત્રણ વખત હિયરિંગ આપવામાં આવ્યું હતું.આધાર પુરાવા રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો.તમામ પુરાવાઓનું એક્ઝામિનેશન કર્યા બાદ હવે કલમ 202 મુજબ આખરી નોટિસ અપાઈ છે.
કલેક્ટરનું કહેવું છે કે હવે વધારાનો સમય આપવાની કોઈ જરૂર નથી અને આગામી સમયમાં ડિમોલિશન (Demolition)ની તારીખ નક્કી કરવામાં આવશે.
ભાજપ કોર્પોરેટરે CMને લખેલો પત્ર પણ સામે આવ્યો

આ મામલે વધુ એક મહત્વની વાત સામે આવી છે. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવે મુખ્યમંત્રીને પત્ર લખી નદીકાંઠાના દબાણો દૂર કરવા, ટી.પી. રોડ ખુલ્લા કરવા અને દેવપરાથી આજી GIDC જોડતા પુલ માટે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
તેમણે પત્રમાં જણાવ્યું હતું કે વોર્ડ નં.16માં દબાણ અને અવરોધોના કારણે ટ્રાફિક સમસ્યા અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે, તેથી તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે.
આગામી સમયમાં ‘Revenue Officers Diary’માં તમામ દબાણની નોંધ થશે
વહીવટી તંત્રના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં સરકારી કે ગૌચર જમીન પર થયેલા દબાણો અંગે હવે રેવન્યુ અધિકારીઓની ડાયરીમાં નોંધ રહેશે.આ પ્રક્રિયા દ્વારા કઈ સરકારી અથવા ખરાબાની જમીન પર દબાણ છે તે ઓટોમેટિક ઓળખાશે અને પછી તે મુજબ કાર્યવાહી હાથ ધરાશે.
કલમ 61 પછી કલમ 202 મુજબ આખરી નોટિસ: સ્થાનિકોમાં ભારે આક્રોશ
નોંધનીય છે કે જંગલેશ્વરમાં દબાણ દૂર કરવા માટે તંત્રએ કલમ 61 મુજબ ત્રણ વખત નોટિસ આપી હિયરિંગ રાખ્યા હતા. ત્યારબાદ હવે કલમ 202 મુજબ આખરી નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
લોકોની માંગ છે કે,દબાણ દૂર કરવા માટે થોડો સમય આપવામાં આવે અને ઘર ખાલી કરાવતાં પહેલાં વૈકલ્પિક આવાસ/જગ્યા ફાળવવામાં આવે.પરંતુ તંત્રનું વલણ સ્પષ્ટ છે કે હવે ડિમોલિશન (Demolition) અનિવાર્ય છે અને ટૂંક સમયમાં તારીખ નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવશે.
