Bhavnagar News : ભાવનગર જિલ્લાના સણોસરા ગામમાં પ્રેમલગ્નની અદાવતમાં એક રત્નકલાકાર પર જીવલેણ હુમલા (Attack)ની ઘટના સામે આવી છે. હણોલ ગામના રહેવાસી અને રત્નકલાકાર મહાવીર ધોલેતર પર પિયુષ રાઠોડ નામના શખ્સે જાહેર માર્ગ પર છરી વડે હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં મહાવીર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર તડપતા જોવા મળ્યા હતા.
મળતી માહિતી મુજબ, મહાવીર ધોલેતરના સંબંધીની યુવતીએ આશરે અઢી મહિના પહેલા પિયુષ રાઠોડ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બાદમાં મહાવીર અને તેમના પરિવારજનોએ યુવતીને કચ્છથી પરત લાવી હતી. આ બાબતને લઈને પિયુષ રાઠોડ મનદુઃખ રાખતો હતો અને અવારનવાર ધમકીઓ આપતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

શુક્રવારે સવારે મહાવીર પોતાની પત્નીની દવા લેવા સણોસરા આવ્યા હતા. એક મેડિકલ સ્ટોરમાં દવા ન મળતાં તેઓ અન્ય મેડિકલ સ્ટોર તરફ બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે હનુમાનજીની ડેરી નજીક પિયુષ રાઠોડે તેમની બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ તેણે છરી કાઢી મહાવીર પર હુમલો (Attack)કરી દીધો હતો.
હુમલાખોરે મહાવીરને છાતી, પડખા અને હાથની આંગળીઓ સહિત શરીરના વિવિધ ભાગોમાં છરીના અનેક ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ મહાવીર ગંભીર રીતે ઘાયલ હાલતમાં રસ્તા પર પડી રહ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી તેમને પ્રથમ સિહોર હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે બાદમાં તેમને સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટના અંગે મહાવીર ધોલેતરે સોનગઢ પોલીસ મથકે પિયુષ મુકેશભાઈ ઉર્ફે પોપટભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
