Rajkot News : રાજકોટના રૈયા રોડ પર શનિવારે સવારે એક સગીર કારચાલકની બેદરકારીને કારણે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. આમ્રપાલી બ્રિજ નજીક પૂરપાટ ઝડપે દોડતી વર્ના કાર સ્પીડબ્રેકર પર હવામાં ઉછળ્યા બાદ મોપેડ પર જઈ રહેલા વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
અકસ્માત (Accident) માં ઘાયલ થયેલા રેલવે કર્મચારી રમેશકુમારને ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારમાં કુલ પાંચ સગીરો સવાર હતા. અકસ્માત (Accident) બાદ કારચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભાગતી વખતે વધુ બે વાહનોને ટક્કર મારી હતી. અંતે આશરે 200 મીટર દૂર કાર સોસાયટીના બોર્ડ સાથે અથડાતા તેની એરબેગ ખુલી ગઈ હતી અને કાર અટકી ગઈ હતી.
CCTV Footageમાં સ્પષ્ટ જોવા મળે છે કે અંડરબ્રિજમાંથી નીકળેલી કાર અત્યંત ઝડપે આવી રહી હતી. સ્પીડબ્રેકર પર પહોંચતા કાર અંદાજે 4થી 5 ફૂટ હવામાં ઉછળી હતી. ત્યારબાદ ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા મોપેડ સવાર વૃદ્ધને હડફેટે લીધા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારમાં બેઠેલા તમામ યુવકો સગીર વયના જણાતા હતા. ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર કબજે લઈને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સગીરોના વાલીઓને બોલાવી નિવેદનો લેવામાં આવ્યા છે.
સગીરના ભાઈએ જણાવ્યું કે યોગ દિવસ નિમિત્તે પાંચ મિત્રો સવારે યોગ કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા અને પરત ફરતી વખતે અચાનક બમ્પર આવતા બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હતો. તેમણે પરિવાર તરફથી ભૂલ સ્વીકારી હતી અને વાલીઓને લાયસન્સ વગર બાળકોને વાહન ન આપવા અપીલ કરી હતી.
આ ઘટના ફરી એકવાર સગીરોને વાહન ચલાવવા દેવાની ગંભીર સમસ્યાને ઉજાગર કરે છે. નિષ્ણાતો અને સ્થાનિકોનું માનવું છે કે વાલીઓની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. તેથી સગીરોને વાહન ન આપવાની કડક તકેદારી રાખવી જરૂરી બની છે.
