Jamnagar News : જામનગર (Jamnagar)ની એમ.પી. શાહ મેડિકલ કોલેજ (MP Shah Medical College) ખાતે પૂર્વ કર્મચારી કમલેશ રણછોડભાઈ પરમારે ડીન કચેરી સામે ધરણા (Protest)કરી પોતાની પુનઃ નિમણૂકની માંગ ઉઠાવી છે. તેમનો દાવો છે કે મજૂર અદાલતે તેમને ફરીથી નોકરીમાં લેવાનો આદેશ આપ્યો હોવા છતાં હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી.
માહિતી અનુસાર, કમલેશ પરમારને નોકરીમાંથી મુક્ત કરવામાં આવ્યા બાદ તેમણે મજૂર અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો. કેસની સુનાવણી બાદ અદાલતે તેમને ફરીથી ફરજ પર લેવાનો આદેશ આપ્યો હતો. આ આદેશની નકલ તેમણે મેડિકલ કોલેજના ડીન કચેરીમાં પણ સોંપી છે.
ડીન કચેરી તરફથી જણાવાયું છે કે અદાલતના આદેશની નકલ ગાંધીનગર સ્થિત ઉચ્ચ કચેરીને મોકલવામાં આવી છે. ત્યાંથી માર્ગદર્શન અને જવાબ મળ્યા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કમલેશ પરમાર (Kamlesh Parmar) સરકારના કાયમી કર્મચારી ન હતા પરંતુ કોન્ટ્રાક્ટ એજન્સી મારફતે વર્ગ-4 કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. અમુક કારણોસર તેમને સેવામાંથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે મજૂર અદાલતે સંબંધિત એજન્સીને તેમને ફરીથી નોકરી પર લેવા માટે આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.
હાલમાં પૂર્વ કર્મચારી દ્વારા આદેશના તાત્કાલિક અમલની માંગ સાથે ધરણા (Protest) શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે વહીવટી તંત્ર તરફથી ઉચ્ચ સ્તરના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે.
