Ahmedabad News: મહાદેવનગર વિભાગ-1 અને વિભાગ-2 વિસ્તારમાં ડિમોલિશન (Mahadevnagar Demolition) કાર્યવાહી બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેલવે લાઈનને સમાંતર માર્ગ ખુલ્લો કરવા માટે શરૂ કરાયેલી કાર્યવાહી સામે લોકો હવે ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યા છે. આજે સવારથી મોટી સંખ્યામાં સ્થાનિકો ધરણાં પર બેસી ગયા હતા અને યોગ્ય પુનર્વસન મળ્યા વગર સ્થળ ખાલી નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે.
રોડ વિકાસ માટે શરૂ થઈ ડિમોલિશન કાર્યવાહી
મહાદેવનગર વિસ્તાર નજીકથી પસાર થતી રેલવે લાઈનની સમાંતર રોડ સુવિધા વિકસાવવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બે દિવસ અગાઉ પણ તંત્રની કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક પરિવારો વર્ષોથી અહીં વસવાટ કરે છે અને અચાનક કરવામાં આવેલી કાર્યવાહીથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.
Mahadevnagar Demolition: વૈકલ્પિક આવાસ વગર કાર્યવાહીનો આક્ષેપ
રહીશોએ આક્ષેપ કર્યો છે કે મકાનો તોડતા પહેલા તેમને કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી. લોકોનું કહેવું છે કે ઘર ગુમાવનાર પરિવારો માટે રહેવાની કોઈ સ્પષ્ટ વ્યવસ્થા ન હોવાને કારણે અનેક પરિવારો અનિશ્ચિતતામાં ધકેલાયા છે.સ્થાનિકોએ માંગ કરી છે કે જે સ્થળેથી તેમને હટાવવામાં આવી રહ્યા છે, તેના બદલામાં નજીકમાં અથવા સમકક્ષ વિસ્તારમાં આવાસ આપવામાં આવે.

‘ઘરની સામે ઘર’ની માંગ
ધરણાં પર બેઠેલા લોકોનું કહેવું છે કે માત્ર વચનો નહીં પરંતુ લેખિત ખાતરી સાથે પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવે. સ્થાનિક રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે “ઘરની સામે ઘર” આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે.
વિસ્તારમાં તંગદિલીનો માહોલ
ડિમોલિશન (Mahadevnagar Demolition) અને વિરોધને કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં પોલીસ અને તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
તંત્ર અને રહીશો વચ્ચે સમાધાનની રાહ
હાલમાં સ્થાનિકો પોતાની માંગ પર અડગ છે, જ્યારે તંત્ર દ્વારા વિકાસકાર્યને જરૂરી ગણાવવામાં આવી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાનનો રસ્તો નીકળે છે કે નહીં તેના પર સૌની નજર છે.આગામી દિવસોમાં આ મુદ્દે તંત્ર શું નિર્ણય લે છે અને રહીશોને કેવી રાહત મળે છે તે મહત્વનું રહેશે.
આ પણ વાંચો:અમદાવાદના શાસ્ત્રીનગર સરકારી વસાહતમાં ચાલી રહેલા ડિમોલિશન કામથી 1500થી વધુ લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
આ પણ વાંચો:અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીમાં 25 બંગલાઓ પર AMCનું ડિમોલિશન
