Rajkot Jungleshwar Demolition High Court Stay: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે હાથ ધરવામાં આવનાર મેગા ડિમોલિશન પર ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપી રોક લગાવી દીધી છે. કલેક્ટર તંત્ર દ્વારા ૧૩૫૮ પરિવારોને ઘર ખાલી કરવાની જે અંતિમ નોટિસ આપવામાં આવી હતી, તેના પર કોર્ટે હાલ પૂરતી રોક લગાવી રહેવાસીઓને મોટી રાહત આપી છે.
હાઇકોર્ટનો મહત્વનો આદેશ
અરજદારોની રજૂઆત બાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લેતા સ્પષ્ટ કર્યું છે કે, હવે અસરગ્રસ્તોએ આ મામલે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ (GRT) માં અપીલ કરવાની રહેશે. કોર્ટે રેવન્યુ ટ્રિબ્યુનલને આગામી ૩ મહિનામાં આ અપીલ પર આખરી નિર્ણય લેવા આદેશ કર્યો છે અને ત્યાં સુધી ડિમોલિશનની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. આ સાથે જ, તંત્ર દ્વારા અપાયેલી કલમ ૨૦૨ ની નોટિસની અમલવારી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે, જે રહેવાસીઓ માટે રાહતના સમાચાર છે. ઉપરાંત, કોર્ટે તંત્રને વર્ષ 2010 ના પુનર્વસન (Rehabilitation) સરક્યુલરને પણ ધ્યાને લેવા કડક તાકીદ કરી છે.

Jungleshwar : શું હતો સમગ્ર વિવાદ?
રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર અને આસપાસની ૭ સોસાયટીઓમાં થયેલા દબાણો દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. અંદાજે 400 કરોડની કિંમતની 1.05 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવાની હિલચાલથી ૧૩૫૮ પરિવારો બેઘર થવાની અણી પર હતા. આ મુદ્દે સ્થાનિકોએ કલેક્ટર કચેરીએ જઈ ભારે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
હવે આગળ શું?
અરજદારોએ હવે 15 દિવસની અંદર રેવન્યુ ટ્રિબ્યુનલમાં સત્તાવાર અપીલ કરવાની રહેશે. ત્યારબાદ 3 મહિના સુધી ટ્રિબ્યુનલમાં આ કેસ ચાલશે. આ દરમિયાન અસરગ્રસ્ત પરિવારો વૈકલ્પિક આવાસ (વૈકલ્પિક વ્યવસ્થા) માટે પણ સરકાર સમક્ષ રજૂઆત કરશે. હાલમાં તો જંગલેશ્વરમાં જે ડિમોલિશન થવાનું હતું તે અટકી ગયું છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો: રાજકોટમાં ‘વિકાસ’ કે ‘વિનાશ’? જંગલેશ્વરમાં 1358 પરિવારો પર ડિમોલિશનની તલવાર
આ પણ વાંચો:ચંડોળા તળાવ ડિમોલેશન મામલામાં લલ્લા બિહારીના પુત્ર ફતેહના 5 દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:ચંડોળા તળાવ મેગા ડિમોલીશન : તળાવને ઉંડુ કરવા 100 ટ્રકો દ્વારા કાટમાળ હટાવાવાનું કામ શરૂ
