Rajkot Jungleshwar Demolition News: રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં અત્યારે જંગલેશ્વર અને તેની આસપાસની સોસાયટીઓમાં માતમ જેવો માહોલ છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સાકાર કરવા માટે તંત્ર દ્વારા અંદાજે 400 કરોડની સરકારી જમીન ખાલી કરાવવા 1358 પરિવારોને ફાઈનલ નોટિસ ફટકારવામાં આવી છે. વર્ષોથી અહીં રહેતા પરિવારો હવે ક્યાં જશે? તે સવાલ સાથે લોકો રડી પડ્યા છે.

‘અમને મારી નાખો, પછી વિકાસ કરો’
જંગલેશ્વરની રાધાકૃષ્ણ સોસાયટીમાં જ્યારે લોકો એકઠા થયા ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એક વૃદ્ધાએ રડતા રડતા કહ્યું કે, “અમને બધાને મારી નાખો અને પછી મકાનો પાડીને જે વિકાસ કરવો હોય તે કરો.” અનેક ઘરોમાં નોટિસ મળ્યા બાદ ચૂલા પણ સળગ્યા નથી. લોકોની વર્ષોની મહેનતથી બનેલા આશિયાના છીનવાઈ જવાની ભીતિમાં આખું જંગલેશ્વર ચિંતાતુર છે.
મંદિરને પણ નોટિસ: મહંતે ઠાલવ્યો આક્રોશ
જંગલેશ્વરના વેલનાથજી મંદિરના મહંતે પણ આક્રોશ સાથે જણાવ્યું કે, જે મંદિર હજારો ગરીબ લોકોને આશરો આપે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, તંત્રએ તેને પણ નથી છોડ્યું. મંદિરને પણ તોડી પાડવા માટેની નોટિસ આપવામાં આવી છે.

Jungleshwar : શું છે તંત્રનો પક્ષ?
રાજકોટ કલેક્ટર તંત્ર અને મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, ટીપી સ્કીમ નં. 6 માં આવેલી અંદાજે 400 કરોડની કિંમતની 1.05 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વર્ષ 2011થી અટકેલા આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને હવે વેગ આપવામાં આવી રહ્યો છે, જેમાં દૂધસાગર બ્રિજથી ઇન્દિરા બ્રિજ સુધીનો ભાગ ડેવલપ કરી ત્યાં ગાર્ડન, ફૂડ કોર્ટ અને વોક-વે બનાવવાની યોજના છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભલે રહીશો મિલકત વેરો ભરતા હોય, પરંતુ નિયમ મુજબ વેરો એ માલિકીનો કાયદેસર આધાર ગણાતો નથી.
હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે: 2 ફેબ્રુઆરી સુધી રાહત
જંગલેશ્વરના અસરગ્રસ્તોએ પોતાના ઘર બચાવવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઇકોર્ટે હાલમાં 2 ફેબ્રુઆરી સુધી ‘યથાવત્ સ્થિતિ’ (Status Quo) જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. એટલે કે, 2 ફેબ્રુઆરી સુધી તંત્ર ડિમોલિશન કરી શકશે નહીં. આગામી સુનાવણી બાદ જ નક્કી થશે કે 1300થી વધુ પરિવારોના ઘર બચશે કે નહીં.
સ્થળાંતર અને ઘર્ષણના એંધાણ
નોટિસ મળતા જ કેટલાક ભાડાથી રહેતા લોકોએ સામાન ફેરવવાનું શરૂ કરી દીધું છે. જોકે, કાયમી રહીશો લડી લેવાના મૂડમાં છે. જો આગામી દિવસોમાં તંત્ર જબરદસ્તીથી ડિમોલિશન કરશે તો સ્થાનિકો અને પોલીસ વચ્ચે મોટા ઘર્ષણ થવાની શક્યતા પણ સેવાઈ રહી છે.
આ પણ વાંચો:ચંડોળા તળાવ ડિમોલેશન મામલામાં લલ્લા બિહારીના પુત્ર ફતેહના 5 દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:ચંડોળા તળાવ મેગા ડિમોલીશન : તળાવને ઉંડુ કરવા 100 ટ્રકો દ્વારા કાટમાળ હટાવાવાનું કામ શરૂ
