Surat News/ સુરતમાં BRTS બસ અકસ્માતમાં 14 વર્ષની ખતીજા ગંભીર, 24 કલાકથી બેભાન

આ અકસ્માત (Accident) બાદ શહેરમાં BRTS અને સિટી બસોની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે

Top Stories Gujarat Surat
સુરતના ઉધના વિસ્તારમાં BRTS બસની બેદરકારીભરી ડ્રાઈવિંગને કારણે સર્જાયેલા ગંભીર અકસ્માત (Accident)માં ઘાયલ થયેલી 14 વર્ષની ખતીજા બાનો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે

Surat News : સુરતના ઉધના વિસ્તારમાં BRTS બસની બેદરકારીભરી ડ્રાઈવિંગને કારણે સર્જાયેલા ગંભીર અકસ્માત (Accident)માં ઘાયલ થયેલી 14 વર્ષની ખતીજા બાનો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. બાળકીની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.

માહિતી મુજબ, બુધવારે બપોરે ઉધના મેઈન રોડ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાય સત્યનગર BRTS સ્ટેશન નજીક ખતીજા બસમાંથી ઉતરીને રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે પાછળથી આવતી BRTS બસે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત (Accident)એટલો ભયાનક હતો કે બાળકીના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે ઘટનાસ્થળે જ બેભાન થઈ ગઈ હતી.

સ્થાનિક લોકોએ બચાવી જિંદગી

અકસ્માત બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, આસપાસના લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવી બાળકીના આઈ-કાર્ડ પરથી પરિવારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ડ્રાઈવર નશામાં હોવાનો પરિવારનો આક્ષેપ

ખતીજાના પરિવારજનોનો આક્ષેપ છે કે બસ ચાલક નશાની હાલતમાં હતો અને બસમાં ઊંચા અવાજે ગીતો વાગી રહ્યા હતા. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ

હાલ ખતીજા સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોએ સીટી સ્કેન સહિતની જરૂરી તપાસો કરી છે અને સતત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર, બાળકી હોશમાં આવે ત્યારબાદ જ તેની સ્થિતિ અંગે વધુ સ્પષ્ટ માહિતી આપી શકાશે.

આર્થિક મજબૂરી વચ્ચે પરિવારની વેદના

ખતીજાના પિતા પ્લમ્બિંગનું મજૂરી કામ કરે છે. પરિવારનું કહેવું છે કે જો આર્થિક સ્થિતિ સારી હોત તો તેઓ બાળકીની સારવાર માટે ખાનગી હોસ્પિટલનો સહારો લેતા, પરંતુ હાલ સરકારી હોસ્પિટલ જ તેમની આશાનો એકમાત્ર આધાર છે.

પોલીસ તપાસ શરૂ

બાળકીના પિતાની ફરિયાદના આધારે ઉધના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે બસ અને તેના ચાલકની ઓળખ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાહેર સુરક્ષા અંગે ફરી ઉઠ્યા સવાલ

આ અકસ્માત (Accident) બાદ શહેરમાં BRTS અને સિટી બસોની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક લોકો અને પરિવારજનો દ્વારા જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.


આ પણ વાંચો : કોટમબી સ્ટેડિયમ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 6નાં મોત, 26 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો : વડોદરાના વાઘોડિયા તાલુકાના દાખેડા ગામ પાસે ભયાનક અકસ્માતમાં દંપતીનું મોત

આ પણ વાંચો : રાજકોટ-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત, ટેન્કર અને કાર વચ્ચે ટક્કરમાં 4ના મોત