Gandhinagar News : કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા (Minor Girl)પર દુષ્કર્મ (Rape)અને અપહરણના ગંભીર ગુનામાં આરોપી સામે કડક વલણ અપનાવી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ભરત ઠાકોરને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ આરોપી પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ભોગ બનનાર સગીરાને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બરોધન ગામનો રહેવાસી અને હાલ કલોલ તાલુકાના નારદીપુર ગામમાં વસવાટ કરતો ભરત ઠાકોર (Bharat Thakor) વર્ષ 2025 દરમિયાન એક સગીરા (Minor Girl)ને લગ્નની લાલચ આપી પોતાના સાથે લઈ ગયો હતો. આરોપીએ પ્રાથમિક કન્યા શાળા નજીકથી સગીરાને ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી દૂર લઈ જઈ અપહરણ કર્યું હતું.
સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ (Rape) આચર્યું હતું
આ ઘટનાની ફરિયાદ નોંધાતા કલોલ તાલુકા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ટૂંકા સમયમાં સગીરા (Minor Girl)અને આરોપીને શોધી કાઢ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે વારંવાર શારીરિક શોષણ કર્યું હતું.
પોલીસે તમામ પુરાવાઓ એકત્રિત કરીને સમયમર્યાદામાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી પક્ષે રજૂ કરેલા પુરાવા અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.
કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ઉપરાંત એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ ભોગ બનનાર સગીરાને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો બાળ સુરક્ષા અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
