Bhavnagar News : શહેરના ભરતનગર વિસ્તારમાં પુત્રવધુને પિયરેથી લાવવા સમાધાન કરવા ગયેલા સસરા પર પિયર પક્ષના ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વેવાઈ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે ભરતનગર પોલીસે મથકેથી મળતી માહિતી મુજબ ફરિયાદી બેચરભાઈ રામાભાઈ પરમાર ઉં.વ.50, રહે. ભાવનગરએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના નાના દીકરાના લગ્ન ડાયા ખેતાભાઈ સોલંકીની દીકરી સાથે થયા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી તેમની પુત્રવધૂ પિયરમાં રિસામણે રહે છે. ગઈ સાંજે બેચરભાઈ તેમના પત્ની તુલસીબેન, દીકરા હરેશ અને જ્ઞાતિના આગેવાનો આનંદ રામાભાઈ ભાટી તથા જગદીશ સોલંકી સાથે વેવાઈ ડાયા ખેતાભાઈ સોલંકીના ઘરે સમાધાન કરવા ગયા હતા.
આ દરમિયાન વાતચીત ચાલુ હતી ત્યારે ડાયા ખેતાભાઈ સોલંકી, ગોવિંદ ડાયાભાઈ સોલંકી અને ગોપાલ ડાયાભાઈ સોલંકી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતા ડાયાએ ઘરમાંથી છરી લાવી બેચરભાઈને ડાબી આંખ નીચે અને માથાના પાછળના ભાગે જમણી બાજુ ઘા માર્યા હતા, આ સમયે ગોવિંદ અને ગોપાલ બંનેએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ગોવિંદે હાથમાં પહેરેલા સ્ટીલના કડા વડે માથાના ભાગે મારતા બેચરભાઈને મુંઢ ઇજા પણ થઈ હતી. જ્ઞાતિના આગેવાનોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા.
હુમલા બાદ બેચરભાઈને ઓટો રિક્ષામાં સર ટી. હોસ્પિટલ લઈ જવાતા જુના બિલ્ડીંગમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ગાલ પર બે અને માથાના પાછળના ભાગે ત્રણ ટાંકા આવ્યા છે. હુમલાખોરોએ તેમને “હવે પછી જાનથી મારી નાખવા પડશે” તેવી ધમકી પણ આપી હતી. બેચરભાઈએ ડાયા ખેતાભાઈ સોલંકી, ગોવિંદ ડાયાભાઈ સોલંકી તથા ગોપાલ ડાયાભાઈ સોલંકીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો:જૂનાગઢના ખેડૂતોને નુકસાન ભરપાઈ કરી આપોઃ સાંસદની માંગ
આ પણ વાંચો:જૂનાગઢ શહેરમાં રક્તરંજીત બની દિવાળી, યુવાનની કરાઈ હત્યા
આ પણ વાંચો:જૂનાગઢમાં ગેરકાયદે જમીનો પર તંત્રનું બુલડોઝર ફર્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન
