Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં હિન્દુ મેરેજ એક્ટ હેઠળ થયેલા લગ્નોને વિદેશી અદાલતો ત્યાંના કાયદા મુજબ રદ્દ કરી શકતી નથી. ઓસ્ટ્રેલિયન કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના હુકમને હાઈકોર્ટે રદ્દ કરતાં જણાવ્યું કે, આ પ્રકારના લગ્નનો અંત લાવવાનો અધિકારક્ષેત્ર ફક્ત ભારતીય કોર્ટ પાસે જ છે.
હાઈકોર્ટે પત્નીની અરજી મંજૂર કરીને ઓસ્ટ્રેલિયન કોર્ટ અને અમદાવાદ ફેમિલી કોર્ટના આદેશોને રદ કર્યા છે અને સાથે જ ફેમિલી કોર્ટને આદેશ કર્યો છે કે, લગ્નના હક પુન:સ્થાપિત કરવાના અને પતિ દ્વારા ઓસ્ટ્રેલિયન કોર્ટમાંથી મેળવેલા છૂટાછેડાના હુકમનો નિર્ણય ગુણદોષના આધારે કરવામાં આવે. કોર્ટે ભારપૂર્વક એમ પણ કહ્યું હતું કે, હિન્દુ લગ્ન કાયદા હેઠળના અધિકારો અને ઉપાયો નાગરિકતા અથવા નિવાસસ્થાનમાં ફેરફારથી પ્રભાવિત થઇ શકે નહીં.
હાઇકોર્ટની ડબલ જજની બેન્ચે ઉક્ત ચુકાદો આપતાં એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્રકારના લગ્નો પરનો અધિકારક્ષેત્ર ફક્ત ભારતીય કોર્ટનો છે. કોર્ટે નોંધ્યું હતું કે, ફેમિલી કોર્ટનો તર્ક મૂળભૂત રીતે ખોટો છે કારણ કે, પત્નીએ ઓસ્ટ્રેલિયન કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરવાનો તેનો કોઈ અધિકારક્ષેત્ર નથી. જોકે, ઓસ્ટ્રેલિયન કોર્ટે આ વાંધો ફગાવી દીધો હતો અને છૂટાછેડા મંજૂર કર્યા હતા.
પત્ની માટે ચોક્કસપણે એ દલીલ કરવાનો માર્ગ ખુલ્લો રહે છે કે, ઓસ્ટ્રેલિયન કોર્ટ પાસે કોઈ અધિકારક્ષેત્ર નથી કારણ કે, તેમણે હિન્દુ મેરેજ એક્ટની જોગવાઈઓ હેઠળ લગ્ન કર્યા હતા. તેથી તેમના લગ્ન તથા તે લગ્નસંબંધનો અંત લાવવા સહિતની પ્રક્રિયાના નિર્ણય હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લેવા પડે, વિદેશી કાયદા હેઠળ નહીં. હાઇકોર્ટે આ કેસમાં બંને આદેશોને રદ કર્યા અને પત્નીની અપીલોને મંજૂરી આપી અને ફેમિલી કોર્ટને મેરિટના આધારે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો:પાટડીમાં ખારાઘોડા પંચાયતની ગ્રામસભામાં મહિલા તલાટીની હાજરીમાં સરપંચે અપશબ્દો ઉચ્ચાર્યા
આ પણ વાંચો:અમદાવાદ, સુરત, કચ્છ ભૂગર્ભજળના નિષ્કર્ષણને કારણે ધીમે ધીમે ડૂબી રહ્યા છે
આ પણ વાંચો:GSTમાં ફેરફારને લઈ પાટીલનું નિવેદન, GSTમાં રાહતને આવકારી
