ગુજરાતમાં લગભગ દરેક દાયકામાં કોઈને કોઈ આંદોલન થયું જ છે, કોઈ એવો દાયકો ગયો નથી કે ગુજરાતમાં આંદોલન થયું ન હોય. ગુજરાતની સ્થાપના પણ મહાગુજરાત આંદોલનથી થઈ હતી, પછી ગુજરાતમાં આંદોલન ન થાય તો જ આશ્ચર્ય થાય એક દાયકો માંડ વીતે ત્યાં ગુજરાતના આંગણે આંદોલન ટકોરા દેવા લાગે છે.
તેના પાછળ વિવિધ કારણો હોય છે. લોકોનો વર્તમાન શાસન સામે આક્રોશ હોય છે, જનસુખાકારીને લગતા કેટલાય સવાલોનો ઉકેલ ન આવતા લોકો અકળાય છે, શહેરોમાં રહેતાં હોવા છતાં પણ પૂરતી માળખાકીય સગવડો પણ મળતી નથી. વિકાસના કામો થાય છે તો તેમા પણ ભ્રષ્ટાચાર હોય છે, તેના કારણે તેમાં ગુણવત્તા જળવાતી નથી, ફક્ત એટલું જ નહીં તેના કારણે લોકોને ભારે હાલાકી પડે છે. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો બ્રિજ બનતા તેને ઉતારવો પડ્યો.
અંબાલાલની હવામાન અંગેની આગાહી મહદ અંશે સચોટ નીવડી છે. ઘણી વખત તો તેમણે હવામાન વિભાગને પણ ખોટા પાડી દીધા છે. તેના કારણે તેમની બોલબાલા છે. તાજેતરમાં જ તેમણે દિવાળીમાં વરસાદ પડશે અને નવેમ્બરના બીજા સપ્તાહ સુધી માવઠું નડશે તે આગાહી કરી હતી તે પણ સાચી પડી હતી.
હવે આ અંબાલાલ જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન રાજ્યમાં થશે તેવી વાત કરે તો સ્વાભાવિક રીતે તેના કારણે તંત્રને ફડક પેસવાની જ. તેમા પણ તેમણે આ આંદોલનની આગેવાની યુવાનો કરશે તેમ જણાવ્યું હતુ. આ યુવાનો ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગયા છે. તેમને મળતી તકોના અભાવના કારણે નિરાશ છે. તેઓને હતાશાની લાગણી ઘેરી વળી છે. તેમને લાગી રહ્યુ છે કે તેમને પૂરતા પ્રમાણમાં તકો મળી રહી નથી, નોકરી મળી રહી નથી.
તેમણે જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતો સંકટમાં છે. કમોસમી વરસાદે તેમની સ્થિતિ બગાડી છે. સરકાર ખેડૂતોની અપેક્ષા સંતોષાય તેવા પગલાં ન લે તો ખેડૂત આંદોલન આગામી દિવસોમાં મોટું સ્વરૂપ પકડી શકે છે. આજે એક નીચલામાં નીચલા સ્તરો નોકરિયાત દર મહિને 15 હજાર રૂપિયા લઈને ઘરે જાય છે, તેની સામે ખેડૂતને તો તેટલું પણ મળતું નથી. તેમા પણ કુદરતનો પ્રહાર તેને સાવ પાયમાલ કરી દે છે. આ સંજોગોમાં તે પોતાના ઘરનું પૂરું કઈ રીતે કરે તે મોટો સવાલ છે. હવે આ સંજોગોમાં સરકારનું તંત્ર તેના વહારે ન આવે તો કોણ આવશે, તેના વહારે કોઈ ન આવે તો પછી તેના માટે આંદોલન કર્યા સિવાય કોઈ માર્ગ રહેતો જ નથી.
આટલું ઓછું હોય તેમ ભ્રષ્ટાચાર ખેડૂતોની સાથે-સાથે સામાન્ય પ્રજાજનોને પણ નડી રહ્યો છે. સરકારે આટલી બધી સેવાઓ ઓનલાઇન કરી હોવા છતાં અને ટેન્ડર પ્રક્રિયા સહિતની સરકારી ભરતીની પ્રક્રિયા ઓનલાઇન હોવા છતાં ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર કરવાની બીજી રીત શોધી જ કાઢે છે. સરકાર ભ્રષ્ટાચારની એક પદ્ધતિ માંડ બંધ કરે છે ત્યાં બીજા પાંચ પદ્ધતિ ભ્રષ્ટાચારીઓએ શોધી કાઢી હોય છે. આગામી દિવસોમાં આ ભ્રષ્ટાચારથી યુવાનો વધુ નિરાશ થશે. યુવાનોની આ નિરાશા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને જન્મ આપી શકે છે.
આ પહેલા ગુજરાતના સીએમ પદેથી પીએમ મોદીએ વિદાય લીધી ત્યારે કલ્પના પણ ન હતી કે તેમના ગયાના બે જ વર્ષની અંદર તેમના જ પક્ષ સામે વિશાળ જનઆંદોલન સર્જાશે, પરંતુ આ હકીકત છે અને તે બની પણ ખરી. તે સમયે હાર્દિક પટેલ, જિગર પટેલ, જિગિષા પટેલ જેવા આગેવાનોના નેજા હેઠળની ટીમે જબરજસ્ત અનામત આંદોલન કર્યુ હતુ. તેના કારણે એક સમયે તો સરકાર ઝૂકી ગઈ હોય તેમ લાગતું હતું. આ આંદોલનની અસર તેના પછી યોજાયેલી ચૂંટણીમાં પડી હતી. પીએમ મોદીએ પોતે હાથમાં કમાન લીધી ત્યારે શાસક પક્ષ પાસે સત્તા જળવાઈ હતી. આજે તે બનાવને આઠ વર્ષ થઈ ગયા છે, પણ ગુજરાત ધીમે-ધીમે તે જ સ્થિતિમાં જઈ રહ્યું હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.
વહીવટીતંત્ર જાણે લોકોનો કડદો કરવામાં જ વ્યસ્ત છે તેવી છાપ ઊભી થઈ રહી છે. 100 ભ્રષ્ટાચારી પકડાચ છે ત્યારે માંડ એકાદને સજા થાય છે. આના કારણે તંત્રમાં મોટાપાયા પર ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. કોર્પોરેટરોથી લઈને ધારાસભ્યો બૂમો પાડે છે કે પ્રજાના કામે થતાં નથી, અમારે લોકો વચ્ચે મોં લઈને જવું તો કઈ રીતે જવું. સીએમએ પોતે સરકારી અધિકારીઓને પ્રજાલક્ષી અભિગમ અપનાવવા માટે સતત ટકોર કરતાં રહેવું પડે છે.
આ આખો ઘટનાક્રમ દર્શાવે છે કે ગુજરાતમાં રાજકીય આંદોલન માટેની જમીન તૈયાર થઈ ગઈ છે. હવે બસ ચિનગારી પેટાવવાની જ જાણે વાર છે. આ પ્રકારની સ્થિતિમાં કોઈપણ પ્રકારની ચિનગારી ભડકો કરવા માટે પૂરતી છે. સરકાર ભડકો થાય તે પહેલાં જ ફાયરબ્રિગેડનું કેટલું કામ કરી શકે છે તેટલું જોવાનું રહે છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!
આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!
