MANTAVYA Vishesh/ મોરબીમાં જમીન કૌભાંડમાં વિજિલન્સ તપાસનો ધમધમાટ

કહેવત છે ખુદા કે ઘર દેર હૈ, અંધેર નહી. પોતાની જમીનની વારસાઈમાં દાખલ થયેલા ખોટા નામો માટે લડત ચલાવનારા વૃદ્ધ ખેડૂત ભીમજીભાઈ નકુમના કિસ્સામાં આ વાત સાચી પડી છે. ભીમજીભાઈ નકુમની પોતાની જમીન પચાવી પાડવાના ખોટા કારસા સામેની મહેનત રંગ લાવી છે.

Mantavya Vishesh

કહેવત છે ખુદા કે ઘર દેર હૈ, અંધેર નહી. પોતાની જમીનની વારસાઈમાં દાખલ થયેલા ખોટા નામો માટે લડત ચલાવનારા વૃદ્ધ ખેડૂત ભીમજીભાઈ નકુમના કિસ્સામાં આ વાત સાચી પડી છે. ભીમજીભાઈ નકુમની પોતાની જમીન પચાવી પાડવાના ખોટા કારસા સામેની મહેનત રંગ લાવી છે. તેમણે ચલાવેલી લડતના પગલે આગામી દિવસોમાં આ જમીન પચાવી પાડવાનો કારસો રચનારા કૌભાંડીઓને જમીન તો ન મળી, પણ તેની સાથે તેમના પગ તળેથી જમીન ચોક્કસ ખસી જશે તે હકીકત છે.

જમીનની આ જમીન વગર કરી દેવાની રમતમાં પ્રાંત અધિકારી સુધીના લોકો પણ તપાસના સાણસામાં ફસાતા કેટલાય સરકારી અધિકારીઓના જીવ તાળવે ચોંટ્યા છે. કલેક્ટરે વૃદ્ધ ખેડૂતની તરફેણમાં કરેલા હુકમ પછી પણ આ કૌભાંડ થયું કેવી રીતે તે જોવા માટે વિજિલન્સની ટીમે હવે મોરબીમાં ધામા નાખ્યા છે. તેના કારણે મોરબીમાં સર્વે નંબર 602વાળી જમીનના કૌભાંડીઓને સાપ સૂંઘી ગયો હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. તેઓને જાણે હવે ભાગવા માટે જમીન ઓછી પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

રેવન્યુ વિજિલન્સની ટીમે મોરબી જમીન કૌભાંડની તપાસનો દોર હાથમાં લેતા મોરબીમાં ધામા નાખ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ વિજિલન્સની ટીમ કૌભાંડની અથથી ઇતિ સુધી જાણવા કલેક્ટર કચેરીની મુલાકાત લઈ ચૂકી છે.

વિજિલન્સની ટીમ આવવાના કારણે અધિકારીઓમાં એટલો બધો ફફડાટ છે કે તેઓએ તેમના મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યા છે. અમુક અધિકારી તો પોતાની ઓફિસ છોડીને જતાં રહ્યા છે. તેઓના ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યા છે. મોરબી જમીન કૌભાંડ પર નજર નાખતાં તો તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે સરકારી અધિકારીઓએ તેમાં ક્યાંકને ક્યાંક તો મીઠી નજર રાખી જ છે. તેના વગર કૌભાંડીઓની હિંમત ખુલે નહીં અને તે આટલું મોટું કૌભાંડ પણ કરી શકે નહીં. આમ આ કૌભાંડ મોરબીની મહેસૂલી કચેરીના અધિકારીઓની મિલીભગત સાથે થયું હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. આ કૌભાંડની વાત છેક વિજિલન્સ સુધી પહોંચી તે બાબત જ પુરાવો છે કે તંત્ર આ કૌભાંડને લઈને કેટલું ગંભીર છે.

આ તપાસના પગલે કેટલાક અધિકારીઓએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા હતા અને અમુક અધિકારી પોતાની ઓફિસ છોડીને જતા રહ્યા હતા જોકે જે 602 નું કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં જુદા જુદા સમયે પ્રાંત અધિકારીથી લઈને કલેક્ટર સુધી કરેલા હુકમની તારીખ અને વચ્ચે પડેલી મુદતો ઉપર નજર કરવામાં આવે તો સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ મીઠી નજર આ જમીન કૌભાંડમાં હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

આ કિસ્સામાં મૂળ જમીન માલિક ભીમજીભાઈની અરજી સામે પ્રાંત અધિકારીએ કૌભાંડીઓ શાંતાબેનની તરફેણમાં આદેશ આપ્યો હતો. તેના પછી કલેક્ટરે ઉપલબ્ધ પુરાવાના આધારે મૂળ માલિકની તરફેણમાં આદેશ આપ્યો હતો. આમ એકબાજુએ પ્રાંત અધિકારીનો આદેશ અને બીજી બાજુએ કલેક્ટરનો આદેશ મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ કિસ્સામાં જમીનના મૂળ માલિક ભીમજીભાઈએ કલેક્ટરમાં કરેલી અપીલને અવગણીને બોગસ આધાર પુરાવાના આધારે મહિલાને જમીનમાં ખોટી રીતે વારસાઈ દાખલ કરાવી આપવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. શાંતાબેન પરમાર દ્વારા સાગર ફૂલતરીયાના નામનો જમીન વેચાણનો દસ્તાવેજ કરી આપવામાઁ આવ્યો હતો. આ કૌભાંડમાં સરપંચ પણ સામેલ છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે એકબાજુએ કલેક્ટરમાં મૂળ માલિકની અરજી પડી છે તો પણ તેને અવગણીને આ રીતે કૌભાંડીઓનું નામ વારસાઈમાં ચડાવી દેવાયું છે. તેથી કૌભાંડીઓને મદદ કરવામાં મહેસૂલ ખાતાની અધિકારીની ક્યાંયને ક્યાંય ભૂમિકા હોવાની પૂરેપૂરી સંભાવના છે. આમ પણ સરકારમાં મહેસૂલ વિભાગને સૌથી ભ્રષ્ટ ખાતુ માનવામાં આવે છે.

છેવટે ભીમજીભાઈએ 14 જાન્યુઆરીના રોજ જમીન કૌભાંડ અંગે મોરબી જિલ્લા પોલીસ વડાને અરજી આપવામાં આવતા આ મામલાએ વેગ પકડ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન થયા હતા. તપાસના ચક્રો ગતિમાન થતાં જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ કલેક્ટરના હુકમને સ્ટે કરવા માટે 21 જાન્યુઆરી 2025ના રોજ આદેશ આપવામાં આવ્યા હતા. છેવટે 15 માર્ચના રોજ નાયબ કલેક્ટરે પ્રમાણિત કરેલી નોંધને રદ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન કૌભાંડનો વ્યાપ વધારે પ્રમાણમાં જણાતા તેની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી છે. હવે વિજિલન્સે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિજિલન્સની ટીમે કલેક્ટર કચેરીમાં બંધ બારણે મોટા હોદ્દેદારોની પૂછપરછ કરી તેમના નિવેદનો નોંધ્યા હોવાનું માનવામાં આવે છે.

આમ વિજિલન્સે તપાસ તો ચાલુ કરી છે, પણ આ તપાસના અંતે આગામી દિવસોમાં કેટલા કૌભાંડીઓના નામ જાહેર થાય છે, કેટલાની સામે કાર્યવાહી કરવામાં આવશે અને કેટલાને સજા થશે તેના પર ફક્ત મોરબી જ નહીં પણ આખા રાજ્યની નજર મંડાયેલી છે. કદાચ આ જમીન કૌભાંડ મોરબીમાં જ ચાલતા આવા બીજા બોગસ ખેડૂત કૌભાંડનો ફણગો પણ ફોડી શકે છે. કૌભાંડીઓ માટે હવે આ કૌભાંડમાં બચવા માટે રીતસરના હવાતિયા મારી રહ્યા છે. તેમણે આ માટે ગાંધીનગર સુધી દોડાદોડ કરી મૂકી હોવાનું કહેવાય છે. તેથી આગામી દિવસોમાં કૌભાંડીઓ મહેસૂલ વિભાગના સાણસામાં સપડાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. કૌભાંડીઓને હવે તેમના આકા કેટલી હદ સુધી છાવરી શકે તે જોવાનું રહ્યુ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી