Uttar Pradesh News: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Shastri) ભગવાન શ્રીકૃષ્ણ અંગેની ટિપ્પણીને લઈને ફરી વિવાદમાં આવ્યા છે. શાસ્ત્રીએ હાથ જોડીને માફી માગી હોવા છતાં મામલો શમ્યો નથી. આગ્રાની કોર્ટમાં તેમની સામે ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ થઈ છે, જેની સુનાવણી 14 ડિસેમ્બરે છે.
શિવપુરીની કથામાં શું કહેવાયું હતું
29 ઓક્ટોબરે શિવપુરીમાં રામકથા દરમિયાન શાસ્ત્રીએ કહ્યું હતું કે “અમારા રામ સીધા છે, તમારા કૃષ્ણ વાંકા.” વીડિયો વાયરલ થતાં મથુરા-વૃંદાવનના સંતો અને કૃષ્ણભક્તોએ નારાજગી વ્યક્ત કરી. ફરિયાદમાં નોંધાયેલા નિવેદન મુજબ, તેમણે ભક્તો પાસે હાથ ઉઠાવડાવીને કહ્યું હતું કે
“તમારા વાળા તો બહુ વાંકા છે.” ભગવાન કૃષ્ણ પરની ટિપ્પણી(Lord Krishna Remark)માં નામ અંગે કહેવાયું કે ‘ક’ નીચેનો ‘ર’ માછલી પકડવાના કાંટા જેવો છે, જેમાં ફસાઈને કોઈ નીકળતું નથી. મુદ્રા અંગે કહેવાયું કે “ઊભા રહે તોય ત્રણ જગ્યાએથી વાંકા.” તેમણે અયોધ્યા અને વૃંદાવનના નામની પણ તુલના કરી હતી.
Dhirendra Shastriએ શું સ્પષ્ટતા કરી
વિવાદ વધતાં શાસ્ત્રી બે વખત માફી માગી ચૂક્યા છે. તેમણે કહ્યું કે રામ અને કૃષ્ણ એક જ છે અને બંનેમાં ભેદ પાડવાનો ઇરાદો નહોતો. તેઓ ભાગવત કથા પણ કરે છે અને કૃષ્ણમાં પૂરી આસ્થા છે, એમ પણ તેમણે કહ્યું.
ભાવમાં બોલાઈ ગયું હોવાનું જણાવી તેમણે હાથ જોડીને ક્ષમા માગી. તેમના મતે તેઓ વ્રજની ભક્તિ અને પ્રેમની વાત કરતા હતા અને વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો.
ત્રિભંગ મુદ્રાનો સંદર્ભ

“ત્રણ જગ્યાએથી વાંકા” શબ્દોનો ધાર્મિક સંદર્ભ ત્રિભંગ મુદ્રા (Tribhanga Mudra)છે. વાંસળી વગાડતા કૃષ્ણની મૂર્તિઓ અને ચિત્રોમાં ગરદન, કમર અને ઘૂંટણમાંથી શરીર વળેલું દેખાય છે. ભારતીય શિલ્પ, ચિત્ર અને નૃત્યકળામાં તેને ત્રિભંગ મુદ્રા કહેવાય છે.
આગ્રા કોર્ટમાં ફરિયાદ
4 નવેમ્બરે આગ્રાના સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ની કોર્ટમાં આગ્રા કોર્ટમાં ફરિયાદ(Agra Court Complaint) દાખલ થઈ. કોર્ટે ફરિયાદ નોંધી 14 ડિસેમ્બરની તારીખ આપી છે. ફરિયાદ કરનાર વકીલ અજય પ્રતાપ સિંહ(Ajay Pratap Singh) પોતાને માતાના પક્ષે શ્રીકૃષ્ણના વંશજ ગણાવે છે. તેમનો દાવો છે કે તેમનાં માતા જાદૌન વંશનાં છે અને જાદૌનોને કૃષ્ણના વંશજ માનવામાં આવે છે.
ફરિયાદમાં મથુરા ગેઝેટિયર અને અલેક્ઝાન્ડર કનિંગહામના અહેવાલનો હવાલો અપાયો છે. જોકે ગેઝેટિયર પોતે આ વંશાવળીને “દાવો” ગણાવે છે, સ્થાપિત હકીકત નહીં. અજય પ્રતાપ સિંહે કહ્યું, “વંશજ તરીકે આ નિવેદન મારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. પહેલાં બોલી દેવું અને પછી માફી માગી લેવી, એમ નહીં ચાલે.”
માનહાનિ અને કલમો અંગે કાયદો શું કહે છે
ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 356 માનહાનિ સંબંધિત છે. ભોપાલના ક્રિમિનલ લૉયર શુભાંક દીક્ષિતના મતે, માનહાનિ ત્યારે બને જ્યારે કોઈની વ્યક્તિગત પ્રતિષ્ઠા સમાજની નજરમાં ઘટે. ભગવાન પરની ટિપ્પણીનો મામલો ધાર્મિક ભાવના દુભાવવાનો બને છે, વ્યક્તિગત માનહાનિનો નહીં, એમ તેઓ કહે છે. ફોજદારી માનહાનિના કેસ(Criminal Defamation Case)માં ફરિયાદીએ ચાર બાબતો સાબિત કરવી પડશે.

તેણે એ સાબિત કરવું પડશે કે તે ખરેખર શ્રીકૃષ્ણનો વંશજ છે અને નિવેદનનું નિશાન તે પોતે અથવા ઓળખી શકાય તેવો સમૂહ હતો. સમાજમાં તેની પોતાની પ્રતિષ્ઠા ઘટી અને બોલનારનો ઇરાદો નુકસાન પહોંચાડવાનો હતો, એ પણ સાબિત કરવું પડશે. દીક્ષિતના કહેવા મુજબ, માત્ર સોગંદનામામાં લખી દેવું પૂરતું નહીં હોય. પુસ્તકને પુરાવો ગણવો કે માત્ર અભિપ્રાય, તે કોર્ટના વિવેક પર રહેશે.
ધાર્મિક ભાવના દુભાવવાની કલમ 299 કેમ ન લાગી
ધાર્મિક ભાવના દુભાવવા માટે BNSની કલમ 299 છે, જેમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને તે બિનજામીનપાત્ર ગુનો છે. આ કલમમાં FIR કોઈ પણ કરાવી શકે, પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકારની પૂર્વમંજૂરી વિના કોર્ટ સુનાવણી શરૂ કરી શકતી નથી (BNSS કલમ 217). ફરિયાદીનું કહેવું છે કે આ કારણે તેમણે માનહાનિનો માર્ગ પસંદ કર્યો.
માફી પછી પણ કેસ કેમ
માફી માગવી અને કેસ કાયદેસર રીતે પૂરો થવો, એ બે અલગ બાબતો છે. ફોજદારી માનહાનિ સમાધાનપાત્ર ગુનો છે, એટલે ફરિયાદી ઇચ્છે તો સમાધાન કરી શકે અથવા ફરિયાદ પાછી ખેંચી શકે. શુભાંક દીક્ષિતના મતે બિનશરતી માફી આરોપીના પક્ષે જઈ શકે છે. અજય પ્રતાપ સિંહનું કહેવું છે કે શાસ્ત્રીએ કોર્ટમાં આવીને પોતાનો જવાબ રજૂ કરવો જોઈએ.
હવે આગળ શું
કોર્ટ ફરિયાદી અને સાક્ષીઓનાં નિવેદન શપથ પર નોંધશે. BNSS કલમ 223 મુજબ સંજ્ઞાન લેતાં પહેલાં આરોપીને સાંભળવો ફરજિયાત છે. કોર્ટને મામલો બનતો લાગે તો સંજ્ઞાન લઈ સમન્સ જારી કરશે, ત્યારે જ અસલ મુકદ્દમો શરૂ થશે. શાસ્ત્રી ફરિયાદી કાયદાની નજરે “પીડિત વ્યક્તિ” છે કે નહીં તે પ્રશ્ન ઉઠાવી શકે છે અને હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી પણ કરી શકે છે.
દોષ સાબિત થાય તો કલમ 356(2) હેઠળ બે વર્ષ સુધીની સાદી કેદ, દંડ, બંને અથવા સામુદાયિક સેવાની સજા થઈ શકે છે. આ જામીનપાત્ર ગુનો છે.
આ પણ વાંચો:શ્રીકૃષ્ણના સ્વરૂપ પર ટિપ્પણી બદલ ધીરેન્દ્ર શાસ્ત્રીને કાનૂની નોટિસ, 15 દિવસમાં બિનશરતી માફીની માંગ
આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામ સામે હત્યાના પ્રયાસની FIR, ખેડૂતને ગોળી માર્યાનો આરોપ
આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ધૂણવાના મુદ્દે વિવાદ, કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરના સવાલો
