Rajkot News: રાજકોટમાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. કેવલમ સોસાયટી સામેના આવાસ યોજનાના ક્વાર્ટરમાંથી ભારતીય બનાવટનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 15,50,820નો મુદ્દામાલ કબજે કર્યો છે.
RMC ક્વાર્ટરમાં પોલીસનો દરોડો
ગાંધીગ્રામ-2 પોલીસ(Gandhigram Police)ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કેવલમ સોસાયટી સામે આવેલા RMC આવાસ યોજના(RMC Awas Yojana)ના ક્વાર્ટરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ
પોલીસે ઝડપેલા આરોપીઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં જોકિયા કુવા પાસે રહેતો આફતાબ હમીદખાન પઠાણ (ઉં.વ. 25) અને મોરબીના વાવડી રોડ પર કે.જી.એમ. પાર્કમાં રહેતો આદિન ઇકબાલભાઇ મકરાણી (ઉં.વ. 32) છે. રાજકોટના રામનાથપરા શેરી નં. 14માં શિવ સ્કૂલની બાજુમાં રહેતો મુસ્તુફા ઇમ્તિયાજભાઇ મીરજા (ઉં.વ. 21) પણ ઝડપાયો છે. ચોથા આરોપી રોહનભાઇ રમેશભાઇ ટમટા (ઉં.વ. 22) રાજકોટમાં કે.કે.વી. હોલ પાસે જી.ટી. શેઠ સ્કૂલની સામે આવેલા પલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં રહે છે.
મુદ્દામાલમાં શું શું કબજે કરાયું
પોલીસે વિદેશી દારૂનો જથ્થો(Foreign Liquor Seized) ઉપરાંત એક સ્વિફ્ટ કાર(Swift Car Seized) અને ત્રણ ટુ-વ્હીલર કબજે કર્યાં છે. સ્થળ પરથી કાળા રંગના રેડમી, સિલ્વર રંગના રિયલમી, બ્લુ રંગના વનપ્લસ, લાલ રંગના મોટોરોલા, બ્લુ રંગના વીવો અને કાળા રંગના રિયલમી મળી કુલ છ મોબાઇલ ફોન પણ કબજે લેવાયા. આમ, કુલ રૂ. 15,50,820ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદના SG હાઈવે પર દારૂની 1,800 બોટલ ઝડપાઈ! કારમાં ₹10.57 લાખનો મુદ્દામાલ
આ પણ વાંચો:રાજકોટ દારૂ પાર્ટી બાદ ધ્રુવિક પટેલનું નિવેદન :21મી સદીમાં દારૂ પીવો ગુનો ન હોવો જોઈએ
આ પણ વાંચો:રાજકોટની સરાઝા હોટેલમાં બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ, 38 સામે ગુનો
