Rajkot News: રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં 31 ઓક્ટોબરની મધરાતે યોજાયેલી પાર્ટી પર LCB ઝોન-2ની ટીમે દરોડો (Liquor Party Raid) પાડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ અરવિંદ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં 43 પુરુષ અને 33 મહિલા સહિત કુલ 76 લોકો હાજર હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો કબજે કરી 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
Liquor Party Raid: વીડિયો સામે આવતાં પોલીસનો દરોડો
મળતી માહિતી અનુસાર, ચિરાગ પટેલનો જન્મદિવસ 12 નવેમ્બરે છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અગાઉથી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. સરાઝા હોટેલ (Saraza Hotel Rajkot)માં પાર્ટી ચાલી રહી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ સક્રિય થઈ હતી. ત્યારબાદ રાત્રે આશરે 1 વાગ્યે LCB ઝોન-2ની ટીમે હોટેલમાં ઓચિંતો દરોડો (LCB Zone 2 Raid) પાડ્યો હતો.
પોલીસની કાર્યવાહી શરૂ થતાં પાર્ટીમાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોટેલના પાર્કિંગમાં લક્ઝરી કાર પણ જોવા મળી હતી. પાર્ટીમાં રાજકોટ અને મોરબીના વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ હાજર હોવાની ચર્ચા છે, જોકે આ અંગેની વિગતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
મહિલાઓને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાઈ
પોલીસની કાર્યવાહી દરમિયાન હોટેલની લાઇટો બંધ કરી દેવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત, કાર્યવાહી દરમિયાન રાજકીય નેતાઓના ફોન આવ્યા હોવાની ચર્ચા છે. જોકે, આ દાવાઓ અંગે સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
પાર્ટીમાં હાજર 33 મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન કેટલીક મહિલાઓએ કેમેરામાં ઓળખ છતી ન થાય તે માટે ટેબલ અને ખુરશીનાં કવરથી પોતાનાં મોઢાં ઢાંક્યાં હોવાની વિગતો સામે આવી છે.
સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો મળી
પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, હોટેલમાં તપાસ દરમિયાન ટેબલ પર દારૂ ભરેલા ગ્લાસ જોવા મળ્યા હતા. સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની 750 મિલીલીટરની આશરે 11 ખાલી અને ભરેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, દારૂ સિવાય અન્ય કોઈ નશાકારક પદાર્થ મળી આવ્યો નહોતો.
આ કેસમાં કુલ 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ (Gujarat Prohibition Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાં પાર્ટીમાં સામેલ 35 વ્યક્તિઓ અને હોટેલ મેનેજર સહિત ત્રણ સર્વિસ સ્ટાફનો સમાવેશ થાય છે.
92થી વધુ લોકોનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં
આ કેસમાં 92થી વધુ વ્યક્તિઓનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કેટલા લોકોએ દારૂનું સેવન કર્યું હતું તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
પોલીસે હોટેલનાં CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી છે. દારૂની વ્યવસ્થા કોણે કરી હતી, હોટેલ મેનેજમેન્ટની ભૂમિકા શું હતી અને પાર્ટીના આયોજન પાછળ કોણ હતું તે સહિતના મુદ્દાઓની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં કાફે પર SMCનો દરોડો, ચેરીસ કાફેમાંથી 10 હુક્કા કબજે
આ પણ વાંચો: સુરતના ફ્લેટમાં ચાલતા ક્રિકેટ સટ્ટા પર પોલીસનો દરોડો, ધર્મેશ શાહની ધરપકડ
આ પણ વાંચો: ડભોઈના બોરીયાદ ગામે SMCનો દરોડો, ₹28.62 લાખનો દારૂ સહિત મુદ્દામાલ જપ્ત
