આજના સમયમાં હવે વિવિધ રાઇડ હેન્ડલિંગ એપ ઓલા, ઉબર અને રેપિડોએ ગ્રાહકોની સગવડોમાં વધારો કર્યો છે. તેના કારણે ખાસ કરીને શહેરોમાં વસતા લોકોને રાઉન્ડ ધ ક્લોક રાઇડ સર્વિસ મળતી થઈ છે. આજે રાત્રે કોઈને પણ વાહન જોઈતું હોય તે સ્વાભાવિક રીતે તે રાઇડ હેન્ડલિંગ એપમાંથી જ બૂક કરાવશે. આજે બીજી બધી રાઇડની તુલનાએ તેને પ્રમાણમાં સલામત માનવામાં આવે છે. સરકારી પરિવહન સેવાઓ આમ પણ રાતના 10થી સવારના છ વાગ્યા સુધી ચાલતી જ નથી બંધ હોય છે. તેથી આટલા સમયગાળા માટે દરેક શહેરના લોકો હવે રાઇડ હેન્ડલિંગના ભરોસે જ હોય છે, તેના સિવાય તેમનો કોઈ આરો પણ નથી.
પણ કહેવત છે કે પોષતું તે મારતુ, હવે આ જ બાબત રાઇડ હેન્ડલિંગ સર્વિસના કિસ્સામાં સાચી પણ પડી રહી છે. આ સર્વિસની ઉપયોગિતા અને મહત્વ વધ્યું છે તો બીજી બાજુએ હવે આ એપ પણ ગ્રાહકોના ખિસ્સા ખંખેરવામાં લાગી ગઈ હોવાનું ગ્રાહકો જણાવી જ રહ્યા છે. ગ્રાહકોને પણ તેમના વિવિધ પ્રકારના હિડન ચાર્જના અનુભવ થવા લાગ્યા છે. ઘણા કિસ્સામાં તો એપના ડ્રાઇવર જાણે દાદાગીરી કરતાં હોય તેવું પણ દેખાઈ આવ્યું છે. જ્યારે કોઈ નો વ્યાપ જબરદસ્ત વધે તો તેની સાથે-સાથે તેની ખામીઓ પણ નજરે આવવા લાગી છે.
આ ટેક્સી એગ્રીગેટર એપ જાત-જાતના ચાર્જિસ વસૂલવા લાગી છે. આ પ્રકારની એપનો વ્યાપ વધવાના પગલે લોકોની ફરિયાદ પણ વધવા લાગી છે. આમ રાઇડ હેન્ડલિંગ એપની સગવડોની સાથે અગવડો પણ વધી છે. તેમા ઉબર, ઓલા અને રેપિડો જેવામાં તો રાઇડર ગ્રાહક પાસેથી જબરદસ્તીથી કેન્સલ કરાવતા હોવાની સૌથી વધુ ફરિયાદો જોવા મળી છે. હવે રાત્રે માંડ-માંડ વાહન મળતું હોય અને તેમા પણ જો રાઇડર આ રીતે ગ્રાહકને જબરજસ્તીથી રદ કરવાની ફરજ પાડે તો તે ક્યાં જાય. ઘણી વખત તો રાઇડરો તેમને અનુકૂળ ટ્રિપ ન હોય તો ગ્રાહકની રિક્વેસ્ટનો જવાબ જ આપતા નથી, તેના કારણે યુઝર્સને વધારે પરેશાની થાય છે. આ ઉપરાંત ઘણી વખત એપના ડ્રાઇવરો નિયત થયેલા રાઇડની સામે વધારાની ટિપ સામે ચાલીને માંગે છે. રેસ્ટોરામાં વેઇટરને ટિપ આપો છો તો પછી એપ રાઇડરને કેમ વધારાની ટિપ આપતા નથી તેવી તેમની દલીલ હોય છે. આ પ્રકારની ટિપને લઈને તે ઘણી વખત ગ્રાહકો સાથે માથાકૂટ કરતાં પણ જોવા મળ્યા છે.
એપ રાઇડરોનો વ્યવહાર પણ બહુ મોટો પ્રશ્ન બની ગયો છે. તેમને તાલીમ આપવામાં આવી ન હોવાના કારણે ગ્રાહકો સાથે તેમની વર્તણૂક અત્યંત નિમ્નસ્તરની હોય છે. ખાસ કરીને મહિલા યુઝર્સની એપ રાઇડરોની વર્તણૂકને લઈને વારંવાર ફરિયાદો જોવા મળી છે. આ સિવાય 60 ટકા જેટલા લોકોએ જણાવ્યું હતું કે તેઓ ડ્રિપ પ્રાઇસિંગની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ડ્રિપ પ્રાઇસિંગ એટલે કે રાઇડ ખતમ થયા પછી બિલમાં એવો ચાર્જ જોડી દેવામાં આવે છે જેના અંગે અગાઉ ગ્રાહકને જાણ કરવામાં આવી જ હોતી નથી. આમ ગ્રાહકે બૂકિંગ કરી હોય ત્યારે જે ચાર્જ બતાવે છે તેની તુલનાએ રાઇડ પૂરો થયા પછી જુદો ચાર્જ બતાવવામાં આવે છે. આમ બૂકિંગના ચાર્જ જુદાં તો રાઇડ પૂરી થયા પછીના ચાર્જ જુદાં હોય છે. આવું કોઈ એકાદ ગ્રાહક સાથે થયું નથી, કેટલાય લોકો સાથે આવું થયુ છે.
આ એપ્સ સામે હિડન ચાર્જને લઈને પણ યુઝર્સ એટલે કે ગ્રાહકોની ખાસ્સી બુમરાણ હોય છે. આ પ્રકારના ચાર્જ અંગે ઘણા લોકોને જણાવવામાં પણ આવતું નથી. ઉદાહરણ તરીકે ઘણી રાઇડિંગ એપ રાઇડની સાથે-સાથે ક્યારે વીમાને જોડી દે છે તેની ખબર પણ પડતી નથી. ગ્રાહક પેમેન્ટ કરવા જાય ત્યારે તેને તેની ખબર પડે છે અને તે દલીલ કરે છે તો ઘણા રાઇડર તેમ કહે છે તે આ તો રાઇડની સાથે ફરજિયાત જ વીમો હોય છે. આમ તેઓ પ્રવાસીઓને ધરાર ગેરમાર્ગે દોરે છે અને તેમની પાસેથી તેમની મરજી વિરુદ્ધ જઈને ખોટી માહિતી આપીને વધારાના રૂપિયા વસૂલે છે.
આ સિવાય 65 ટકા જેટલા લોકોએ જણાવ્યું હતું કે તેઓ રાઇડ હેન્ડલિંગ એપમાં બેટ એન્ડ સ્વિચનો ભોગ બનેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો આ એવા પ્રકારનું વેચાણ છે જેમા ગ્રાહકોને લોભામણી જાહેરાતો કરીને તેમના એપ સુધી ખેંચી લેવાય છે, પરંતુ તેના અંગેની વાસ્તવિકતા તો જુદી જ હોય છે. ગ્રાહકો આ લોભામણી જાહેરાતોને સમજે તે પહેલાં તો તેઓ તેનો ભોગ બની ચૂક્યા છે. તેમા જાતજાતના ડિસ્કાઉન્ટો કે વિવિધ બીજા ઓફરોની વાત કરવામાં આવી હોય છે, જેથી ગ્રાહક રાઇડ હેઇલિંગ એપના સકંજામાં આવી જાય. ગ્રાહક તેના આધારે એપ બૂકિંગ કરાવે અને પછી તે ઓફરોનો લાભ લેવા જાય ત્યારે તેને ખબર પડે છે કે તે છેતરાઈ ગયો છે.
આ જ રીતે કેટલાય રાઇડરો યુઝર્સને જબરદસ્તીથી રાઇડ બૂક કરાવવાની ફરજ પાડે છે. આવી ટકાવારી વધી ગઈ છે. તેઓ રાઇડ તો બૂક કરી લે છે, પરંતુ તેમને લાગે છે કે આ રાઇડમાંથી ખાસ મળે તેમ નથી તો તેઓ યુઝર્સને ફોન કરીને દબાણ કરે છે કે તે રાઇડ રદ કરે, કારણ કે તેઓ પોતે આમ કરી શકતા નથી. આના કારણે યુઝર્સે પણ રાહ જોવી ન હોય એટલે તે રાઇડ રદ કરી દે છે. આ રીતે ખોટા મેસેજિસ વડે પણ રાઇડરો યુઝર્સને હેરાન કરે છે. આના પગલે કેન્દ્ર સરકારનું ધ્યાન તેના તરફ ગયું છે, પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી. જો કે યુઝર્સ માંગ કરી રહ્યા છે કે દરેક સેક્ટરની જેમ હવે આ સેક્ટરમાં પણ નિયમનકાર લાવવામાં આવે, જેથી રાઇડિંગ એપની મનમાનીને અંકુશમાં લાવી શકાય. લોકોને મળતી આ રાઇડિંગ એપની સગવડ અગવડનું મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તેને નિયંત્રિત કરવી જરૂરી છે. આના માટે રાઇડિંગ રેપ રેગ્યુલેટર લાવવો આવશ્યક છે, જેની કામગીરી એપ પર જ નહીં વાસ્તવિક ધોરણે પણ જોવા મળવી જોઈએ.
આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા

