MANTAVYA Vishesh/ વિપક્ષને નિરાશાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બરમાં કે જાન્યુઆરીમાં યોજાય તેવી સંભાવના હતી. તે સમયે વિપક્ષને લાગતું હતું કે શાસન સામેનો આકરો અસંતોષ જોતા તેમના માટે આકડે સત્તારૂપી મધ લટકી રહ્યુ છે.

Mantavya Vishesh

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બરમાં કે જાન્યુઆરીમાં યોજાય તેવી સંભાવના હતી. તે સમયે વિપક્ષને લાગતું હતું કે શાસન સામેનો આકરો અસંતોષ જોતા તેમના માટે આકડે સત્તારૂપી મધ લટકી રહ્યુ છે. હવે ચૂંટણીપંચે મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ જાહેર કરતાં આખી ચૂંટણી છેક ફેબ્રુઆરી સુધી પરત ઠેલાઈ હતી. ચૂંટણીપંચ છેક સાતમી ફેબ્રુઆરીના રોજ સુધારેલી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાનું છે તેના પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે તેમ માનવામાં આવતું હતું, પણ વિપક્ષ માટે હવે દ્રાક્ષ ખાટી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

વર્તમાન સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરીના અંતે કે માર્ચના પ્રારંભમાં નહીં પરંતુ એપ્રિલના અંત કે મેના પ્રારંભમાં યોજાય તેવી પૂરેપૂરી સંભાવના છે. તેની પાછળનું કારણ એ છે કે ફેબ્રુઆરીમાં મતદાર યાદી સુધારણાનું કામ પૂરું થયા પછી સીબીએસઇ અને પછી બોર્ડની તથા વાર્ષિક પરીક્ષાઓ યોજાવવાની છે. આના કારણે શિક્ષકોને ચૂંટણી માટે ફાળવવા અઘરા હશે. તેઓ પણ મતદારયાદી સુધારણામાંથી માંડ-માંડ નવરા પડ્યા હશે. તેમણે પણ શિક્ષણ કાર્ય માટેનો સમય ખૂટ્યો હશે તે પૂરો કરવામાં સમય લાગશે. તેથી હવે તેના કારણે તેમણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પૂરો કરવા પાછળ પણ ધ્યાન આપવું પડશે. તેના કારણે મતદારયાદી સુધારણમાંથી નવરા પડેલા શિક્ષકોને તરતને તરત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કામમાં ચૂંટણીપંચ જોતરી શકે તેમ નથી.

આ ઉપરાંત વાર્ષિક પરીક્ષાઓ પણ માર્ચ-એપ્રિલમાં જ યોજાવવાની છે. તેનું કામ પૂરુ થયા પછી જ શિક્ષકો ફાજલ પડે. આ સિવાય વિધાનસભાનું સત્ર પણ છે અને તે 31 માર્ચના અંતે પૂરું થશે. આમ ચૂંટણીપંચે મતદારયાદી સુધારણા પછી ફેબ્રુઆરીમાં જ ચૂંટણી યોજવી હોય તો પણ તેના માટે પૂરતો સ્ટાફ હોય તેવી સંભાવના ઘણી ઓછી છે. આ સંજોગોમાં રાજ્યની કેટલીય નગરપાલિકાઓ જેની મુદત ડિસેમ્બરથી લઈને જાન્યુઆરીમાં પૂરી થાય છે ત્યાં થોડા સમય માટે વહીવટદારનું શાસન આવી શકે છે.

આ પ્રકારના સંજોગો ચોક્કસપણે વિપક્ષને ગમતી વાત નથી, પરંતુ જે પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે તેને જોતાં વિપક્ષ પાસે પણ કોઈ આરો નથી. આવું થયું તો વિપક્ષ આ માટે ચૂંટણીપંચની ચોક્કસ આકરી ટીકા કરશે, કારણ કે તેને ચોક્કસપણે લાગશે કે તેની આખી બાજી ચૂંટણીપંચે બગાડી છે. તેઓને તો સરકાર સામેની બરોબરની નારાજગી ઉઠાવવાની તક હાથમાંથી સરી જતી હોય તેમ લાગી રહ્યુ છે. ચૂંટણી જેમ-જેમ પાછી ઠેલાતી જશે તેમ-તેમ વિપક્ષ માટે પણ સરકાર સામેના આક્રોશને મતમાં પરિવર્તીત કરવો સરળ નહીં હોય.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો બધો પાક નકામો ગયો હતો અને તેની સામે સરકારે રાહત પેકેજ જાહેર કર્યુ હતુ. કેટલાય લોકોએ રાહત પેકેજને લોલીપોપ ગણાવી હતી. તેની સામે આક્રોશ પણ હતો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકાર સામેના આ આક્રોશને હવે આપવા બરોબરના મચી પણ પડ્યા છે. કોંગ્રેસે તો ખેડૂત આક્રોશ યાત્રા પણ કાઢી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ બોટાદ કાંડ કર્યો હતો અને તેના આગેવાન કેજરીવાલથી લઈને ઇશુદાન ગઢવી તથા ગોપાલ ઇટાલિયા તથા ચૈતર વસાવા જેવા ધારાસભ્યો લોકો ખેડૂતોની સરકાર સામેની નારાજગીને આક્રોશરૂપી હવા આપવામાં લાગેલા છે, જેથી તેમના મતોનો પાક લણી શકાય.

જો કે આ બધુ તેમનું આયોજન ડિસેમ્બરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હતુ, પરંતુ ચૂંટણીપંચે તેના પાણી ફેરવ્યુ અને હવે તો ચૂંટણી જ છેક એપ્રિલ-મેમાં યોજાવવાની વાત છે આ સંજોગોમાં સળંગ પાંચ મહિના સુધી સરકાર સામેના આક્રોશને જીવંત કેવી રીતે રાખવો તે વિપક્ષ માટે મોટો સવાલ છે. આના કારણે હવે વિપક્ષે પણ સરકાર વિરોધી કાર્યક્રમોમાં થોડો પોરો ખાવો પડે તેવી સ્થિતિનું નિર્માણ છે.

વિપક્ષ સમજી ગયું છે કે હવે ચૂંટણી પરત ઠેલાય તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે હાલમાં તેઓ સરકાર સામે જે રણનીતિથી કામ કરી રહ્યા છે તે નહીં ચાલે. લાંબા સમય એટલે કે છેક એપ્રિલ સુધી ચાલે તેવા કાર્યક્રમો આપવા પડશે. બીજા શબ્દોમાં કહીએ કે ટી-20 કે વન-ડે જેવી ધુઆંધાર બેટિંગ કરવાનો નહીં પણ ટેસ્ટની જેમ પીચ પર ટકીને નબળો બોલ આવે ત્યારે તેને ફટકારવો તે રીતે બેટિંગ કરવી પડશે.

આ સંભાવનાને ધ્યાનમા રાખતા વિપક્ષ પણ આગામી દિવસોમાં સરકાર વિરોધી સૂર હળવો કરે તો આશ્ચર્ય નહીં થાય. તેના સરકાર વિરોધી કાર્યક્રમોની પણ તીવ્રતા ઘટી શકે છે. સરકારનું ખેડૂત સહાય પેકેજ અપૂરતુ છે, પરંતુ તેની સાથે-સાથે સરકારે ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી પણ શરૂ કરી દેતા તેની સામેનો આક્રોશ સમી તો નહીં જાય, પરંતુ હળવો તો ચોક્કસ થઈ જશે. ખેડૂત પણ સમજી ગયો છે કે કશું જ પૂરેપૂરું મળવાનું નથી, તેથી જેટલું મળે તેટલું વળતર લઈને અને ખેતપેદાશોના વાજબી ભાવ મળે છે તે લઈ લેવા. વિપક્ષે બતાવેલા આભાઆંબલીમાં પડવા જતાં ક્યાંક મળે છે તેટલું પણ ખોવાનો વારો ન આવે તેટલી સમજ તો ખેડૂતોને વિપક્ષની સભામાં જઈને આવી જ ગઈ છે. તેથી ખેડૂત પણ હાલમાં સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે તેમા તેની જણસોનું વેચાણ કરીને આગામી સીઝન માટે બેઠા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. આમ હાલમાં શાસક પક્ષ, સરકારથી નારાજ ખેડૂત અને વિપક્ષ બધા પોતાની ગાડી પાટા પર ચઢાવવામાં લાગેલા છે. તેથી બીજા ચારથી પાંચ મહિના સુધી ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાંથી પ્રજાને પણ રાહત મળશે તથા શાસક પક્ષ પણ પોતાના નિયમિત કાર્યો નિયમિત રીતે કરી શકશે. આમ વિપક્ષે ચૂંટણીની મોસમની રાહ જોવી પડશે, કેમકે તેને પણ ઠંડી લાગતા ઠંડી પડી ગઈ છે. કદાચ ઉનાળામાં જ તેમા ગરમાવો આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા

આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા