કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના જીવનની મોસમ બગાડી છે અને તેમા સરકાર જાહેર કરેલું પેકેજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાહત આપે તેમ નથી. આ સંજોગોમાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોની વહારે જયેશ રાદડિયા આવ્યા છે. તેમણે બંને જિલ્લાના લગભગ સવા બે લાખ જેટલા ખેડૂત માટે પ્રતિ હેક્ટર 12 હજાર રૂપિયા લેખે પાંચ હેક્ટર સુધી શૂન્ય વ્યાજદરે લોન આપવાની જાહેરાત કરી છે. આના કારણે પાંચ હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને રાહત થઈ જશે. તેમને સીધી 60 હજાર રૂપિયાની તાત્કાલિક મદદ મળશે. આ સીધુ 1,300 કરોડનું પેકેજ છે. તેથી કમસેકમ તેણે ખેતી છોડવાના તો દહાડા નહીં આવે.
આના કારણે કુદરતનો પ્રહાર વેઠતા બંને જિલ્લાના ખેડૂતોના જીવનમાં આશાનો સંચાર પણ થયો છે. હવે વિચાર કરો એક જ સહકારી આગેવાન જો આ રીતે જિલ્લાના ખેડૂતોને મદદ કરી શકે તો પછી સરકાર ખેડૂતો આ રીતે કેમ મદદ કરી ન શકે. આ સહાય કરવાના કારણે રાજકોટ જિલ્લા કો-ઓપરેટિવ બેન્કે સંભવતઃ 100 કરોડ રૂપિયાની વ્યાજખાધ સહન કરવાનો વારો આવશે જે તેના જેવી બેન્ક માટે બહુ મોટી રકમ ન કહેવાય.
સહકારી બેન્કો આમ આડા અવળા કૌભાંડ કરતી હોય છે તો સરકાર શું આ સહકારી કે કો-ઓપરેટિવ બેન્કોનો ખરા સમય કાન આમળીને એટલું નહીં કહી શકે કે ભાઈ કપરો સમય છે, ખેડૂતોને મદદ કરો. કમસેકમ જયેશ રાદડિયાએ સ્થાપેલા ઉદાહરણ પછી તો સરકાર જાગી શકેને. સરકારે અહીં કશું કરવાનું નથી. તેણે ગુજકોમાસોલના દિલીપ સંઘાણી અને અમરેલીના જાણીતા સહકારી આગેવાન કિરીટ પટેલને સૂચના જ આપવાની છે, ભાઈ તમારા જિલ્લામાં આટલી તકલીફ છે તો તમે તો પોતે કંઇક કરો. તંત્રએ આડાંઅવળા તાયફા કરવાના બદલે ફક્ત ફોનનું એક ડાયલ જ ઘુમાવવાની જરૂર છે, ફક્ત એક જ હાકલ થશે અને ખેડૂતોને મદદની સરવાણી વહેવા લાગશે.
સતત નબળી પરિસ્થિતિથી થાકીને ખેડૂત ખેતી છોડી ન દે તે જોવાનું સરકારનું કર્તવ્ય છે. એક જ જિલ્લા કોઓપરેટિવ બેન્ક જો બે જિલ્લાના ખેડૂતો માટે આ રીતે 1,300 કરોડનું પેકેજ જાહેર કરીને મદદની સરવાણી વહાવી શકતી હોય તો પછી બીજા જિલ્લાની સહકારી બેન્કો શું ખેડૂતોની તકલીફો વચ્ચે તેની જ બેન્કમાં પડેલી થાપણો પર ખજાના પર સાપ ચઢીને બેઠો હોય તેમ બેસેલી રહેશે અને કોઈને પણ રાહત નહીં આપે. રાજ્ય સરકાર તો દૂરની વાત છે પરંતુ જો જોડે વસતો જ આગેવાન મદદ માટે ન આવે તો પછી બાકીના તંત્રની તો વાત જ ક્યાં કરવી. ખેડૂતો શું આ દિવસો જોવા માટે તેમને આગેવાન બનાવે છે. શું આગેવાનોને હૈયે જરા પણ ખેડૂતોનું હિત નથી. ખેડૂતોની વાત તેમને સ્પર્શતી નથી. ખેડૂતોના કમનસીબી અને તેમના આંસુથી તેમના હૃદય પર કોઈ અસર પડતી નથી. તેમના હૃદયમાંથી સંવેદના ખતમ થઈ ગઈ છે.
દર વખતે ખેડૂતને કંઈક થાય તો સરકાર પાસે મદદની ગુહાર કરતાં સહકારી ક્ષેત્રના આગેવાનો પોતાના જિલ્લાના અને પોતાના વતનના ખેડૂતો માટે કંઇક તો કરી બતાવે. તેમા પણ જયેશ રાદડિયા જેવા નેતાઓ ખેડૂતોને મદદ કરવાનો રસ્તો બતાય તેના પછી તો તેમની આંખ ખૂલવી જોઈએને. મોટા-મોટા હોદ્દાથી કશું થતું નથી, ખેડૂતો માટે કંઇક કરો તો તમારું નામ થાય છે, હોદ્દાથી નહીં કામથી નામ થાય છે. કેટલાય હોદ્દેદારો આવ્યા અને ગયા, કોઈને નામ પણ યાદ નથી પણ એવા ઘણા લોકો છે જેમણે કોઈ હોદ્દો ભોગવ્યો નથી પરંતુ તે એવા કામ કરી ગયા છે જે લોકો આજે પણ યાદ કરે છે.
આ ઉપરાંત ખેડૂતો પર 1.46 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને સરકારનું પોતાનું ત્રણ લાખ કરોડનું બજેટ હોવાથી કંઈ તે દેવું માફ ન કરી શકે તે હકીકત સમજી શકાય છે, પરંતુ કમસેકમ તેમનું વ્યાજ તો બેથી ત્રણ વર્ષ માટે ચૂકવી દે તો પણ ખેડૂતોને રાહત રહે. ખેડૂત પાછો બેઠો થઈ જાય. આ માટે સરકાર રાજ્યની વિવિધ બેન્કોની પણ મદદ લઈ શકે છે અને થોડું પોતે પણ ભોગવી શકે છે. કમસેકમ જયેશ રાદડિયામાંથી પ્રેરણા લઈને તો સરકાર આ રીતે મદદ કરી શકે છે.
સરકારથી કદાચ આ પણ શક્ય ન હોય તો ત્રણેક લાખનું ધિરાણ લેનારા ખેડૂતના સરકાર 50-50 હજાર રૂપિયાના વર્ષના એક એવા છ હપ્તા કરી દે તો પણ ખેડૂતોને ખાસ્સી રાહત મળી જણાશે. ખેડૂતને ખરા સમયે સાચી સહાય મળી ગણાશે. સરકાર આવું કોઈ પગલું ભરીને પણ ખેડૂતોને કુદરતે પ્રહાર કર્યો છે ત્યારે મદદ કરી શકે છે. રાજ્યમાં દરેક જિલ્લામાં સહકારી બેન્કો છે, રાજકોટ સહકારી બેન્કના ચીલે ચાતરતા બીજી બેન્કોને કોઈ રોકી શકે તેમ નથી બસ ખાલી સરકારની હાકલ કરવાની દેર છે. હવે આ હાકલ સરકારે કરવાની છે.
આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા
