એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર-787 ફ્લાઇટ એઆઇ-171 12મી જુનના રોજ ગુરુવારે બપોરે ક્રેશ થયું, તેના પછી ફરી પાછા બોઇંગ પ્લેનની સલામતીને લઈને સવાલો ઊભા થવા લાગ્યા. આશ્ચર્યની વાત એ છે કે આજે જે બોઇંગ પ્લેનની સલામતીને લઈને ફક્ત ભારત જ નહીં વિશ્વસ્તરે સવાલ ઊભા થવા લાગ્યા છે તે જ બોઇંગ પ્લેન ત્રણ દાયકામાં હવાઈ મુસાફરી માટે સૌથી સલામત વિમાન માનવામાં આવતું હતું. હવે વિચારવા લાયક સ્થિતિ એ છે ત્રણ દાયકામાં એવું તે શું થયું કે સલામત વિમાની મુસાફરીના પર્યાય તરીકે જાણીતું બોઇંગ તેની સાથે સંલગ્ન દુર્ઘટનાઓના પગલે ઠેર-ઠેર વગોવાઈ રહ્યું છે. તેના પ્લેનમાં કોઈને કોઈ ખામી આવી જ જાય છે.
વાસ્તવમાં બોઇંગની નામનાની પડતીનો પ્રારંભ 1997માં તેણે મેકડોનાલ ડગ્લાસને હસ્તગત કર્યા પછી થયો. આ ખરીદી પછી બોઇંગે તેની પ્રતિષ્ઠા, સન્માન અને ગુણવત્તાના બદલે નફાકારકતા પર ધ્યાન આપવાનો પ્રારંભ કર્યો. બસ અહીંથી જ બોઇંગની પડતીનો પ્રારંભ થયો. આટલું ઓછું હોય તેમ યુરોપની એરબસ તેની હરીફ તરીકે ઉભરી આવતા બોઇંગ પર સ્પર્ધાત્મક બજારમાં ટકવા માટે સમયસર વિમાન ડિલિવરીનું દબાણ વધ્યું. આના કારણે અહીં સલામતીના પાસા સાથે સમાધાન કરવામાં આવ્યું.
આ દરમિયાન બોઇંગના જ ભૂતપૂર્વ એન્જિનિયરે આપેલા વિવાદાસ્પદ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કંપની ઘણી વખત તેના ડિલિવરીના શેડ્યુલને પહોંચી વળતી નથી. આથી કેટલીય વખત વિમાનમાં ઓરિજિનલના બદલે ડુપ્લિકેટ્સ પાર્ટ નાખી દેવામાં આવીને કામ ચલાવી દેવાય છે. આ બતાવે છે કે બોઇંગે તેની નફાકારકતાને લઈને ગુણવત્તા સાથે કેટલી હદ સુધી સમાધાન કર્યુ છે.
ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન અનુસાર છેલ્લા દસ વર્ષમાં 56 જીવલેણ પ્લેન ક્રેશ થયા છે અને તેમાથી 19 ક્રેશ તો બોઇંગના જ હતા. પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મુસાફરોનો આંકડો જોઈએ તો તેમા બોઇંગનો હિસ્સો અડધો એટલે કે 50 ટકા થાય છે. છેલ્લા એક દાયકામાં પ્લેન ક્રેશમાં લગભગ ત્રણ હજાર મોત થયા છે અને તેમાથી અડધોઅડધ મોતમાં બોઇંગ જોડાયેલું છે. તેની સામે એરબસની કુલ 10 વિમાન દુર્ઘટનાઓમાં ક્રૂ મેમ્બરો સહિત કુલ 708 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે.
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ કંટ્રોલ આઇએટીએ મુજબ 2024માં કુલ સાત પ્લેન ક્રેશ થયા હતા અને તેમાથી ત્રણ તો બોઇંગના જ હતા. ભારતમાં જોઈએ તો છેલ્લા બે દાયકામાં બે મોટા પ્લેન ક્રેશ થયા હતા અને બંને પ્લેન બોઇંગના હતા. અમદાવાદ પહેલા ઓગસ્ટ 2020માં એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ 737-8એચજી દુબઈથી ઉડીને કોઝિકોડ આવ્યું હતું. લેન્ડિંગ વખતે વિમાન રનવે પરથી ઉતરી ગયું હતું. તેમા કુલ 190 લોકોમાંથી 21ના જ મોત થયા હતા. બોઇંગના ડ્રીમલાઇનરને સૌથી સલામત માનવામાં આવે છે. અમદાવાદમાં થયેલી દુર્ઘટના બોઇંગનાં ડ્રીમલાઇનરને લઈને થયેલી પ્રથમ દુર્ઘટના છે. આના પગલે બોઇંગના આખા કાફલાની તપાસ કરવામાં આવી છે. હાલમાં એર ઇન્ડિયામાં બોઇંગના બધા પ્લેન ભૂમિગત કરી દેવામાં આવ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદ ક્રેશ પહેલા પણ ડ્રીમ લાઇનર વિવિધ પ્રકારની તકલીફોને લઈને બદનામ હતું. અગાઉ 2013માં જાપાનમાં બેટરી ગરમ થવાના લીધે બોઇંગના પ્લેનમાં આગ લાગવામાં આવતા તેને ત્રણ મહિના માટે ભૂમિગત કરી દેવાયું હતું. જ્યારે લંડનમાં આ જ વર્ષે આ જ પ્લેનમાં શોર્ટસર્કિટના લીધે આગ લાગી હતી.
તેના પછી 2021માં ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં સમસ્યાઓના કારણે 100થી પણ વધારે ડ્રીમલાઇનર્સ ભૂમિગત કરવામાં આવ્યા હતા. તેના લીધે કેટલાય વિમાનોની ડિલિવરી મોડી થઈ હતી. 2024માં સિડનીથી ઓકલેન્ડ જતી ફ્લાઇટ ટેકનિકલ ખામીના લીધે હવામાં ડોલવા લાગી હતી અને તેના કારણે 50થી વધુ લોકોને ઇજા થઈ હતી. આ જ વર્ષે સાનફ્રાન્સિસ્કો જતી વર્જિન એટલાન્ટિકની ફ્લાઇટનો વિન્ડસ્ક્રીન 40 હજાર ફૂટની ઊંચાઈએ ક્રેક થયો હતો. 2015થી 2024ની વચ્ચે એર ઇન્ડિયાએ પોતે પણ ડ્રીમ એરલાઇનરમાં 32 જેટલી ટેકનિકલ સમસ્યાઓ નોંધી હતી.
બોઇંગની સમસ્યાઓમાં એન્જિન બંધ થવું, કેબિનમાંથી ધુમાડો નીકળવો, સંદેશાવ્યવહારની નિષ્ફળતા, ગીયરની તકલીફ, દબાણની તકલીફો, વિન્ડસ્ક્રીન તૂટવી, લીકેજ, ટાયર ફાટવુ અને ટર્બ્યુલન્સ જેવી તકલીફોનો સમાવેશ થાય છે. આમ છેલ્લા દાયકા દરમિયાન બોઇંગના કોઈને કોઈ પ્લેનમાં સતત ખામી આવતી જોવા મળી છે. બોઇંગનું ડ્રીમ લાઇનર સૌથી સલામત માનવામાં આવતું હતું, પણ હવે તો અમદાવાદ દુર્ઘટના પછી તેને પણ સલામત ગણી શકાય તેમ નથી.
ભારતમાં જોઈએ તો એર ઇન્ડિયા પાસે 132 બોઇંગ અને 173 એરબસ વિમાન છે. ઇન્ડિગો પાસે ફક્ત સાત બોઇંગ અને 356 એરબસ વિમાનો છે. અકાસા પાસે 30 બોઇંગ છે. સ્પાઇસજેટ પાસે 29 બોઇંગ છે.
આ બધુ બતાવે છે કે બોઇંગ એરબસ સાથેની હરીફાઈમાં ગુણવત્તાને લઈને સમાધાન કરી રહ્યું છે. 2024માં બોઇંગે 348 પ્લેન પૂરા પાડ્યા હતા તો એરબસે 548 પ્લેન પૂરા પાડ્યા હતા. આમ વિમાનનું વૈશ્વિક બજાર કબ્જે કરવાની અમેરિકાની કંપની બોઇંગ અને યુરોપીયન કંપની એરબસ વચ્ચે ચાલેલી સ્પર્ધાનો ભોગ પેસેન્જરો બની રહ્યા છે.
બોઇંગને આ વર્ષે કુલ 500થી પણ વધુ અને એરબસને લગભગ 250 પ્લેનના ઓર્ડર મળ્યા છે. પણ અમદાવાદમાં થયેલા પ્લેન અકસ્માત પછી હવે બોઇંગને મળતાં ઓર્ડરમાં ઘટાડો થાય તેમ માનવામાં આવે છે. હાલના સમયમાં તો લોકો પણ હવે બોઇંગની તુલનાએ એરબસને વધુ સલામત ગણવા લાગ્યા છે. અમદાવાદમાં થયેલું પ્લેન ક્રેશ બોઇંગ માટે ગુણવત્તા પર અંકુશ મેળવવાની છેલ્લી તક છે, જો બોઇંગ હજી પણ નહીં જાગે તો તેણે વધુ નુકસાન વેઠવું પડી શકે છે.
આ દુર્ઘટનાના પગલે બોઇંગના સીઇઓ કેલી ઓર્ટબર્ગે પેરિસ એર શોમાં ન જવાનો નિર્ણય લીધો છે. તે ગયા હોત તો તેમને વધુ ઓર્ડર મળવાની અપેક્ષા હતી, પણ દુર્ઘટનાના પગલે સવાલોનો સામનો કરવો પડે તે કારણસર તેમણે ત્યાં જવાનું ટાળ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશના પગલે બોઇંગના શેરમાં પ્રીમાર્કેટ સેશનમાં જ 8 ટકાનો કડાકો
આ પણ વાંચો: પાયલોટ દ્વારા મોકલાતો સંદેશો MayDay કોલ એટલે શું?
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે વાતચીત
