કહેવત છે કે લોઢું લોઢાને કાપે, આ જ રીતે હવે રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા જંગનો ઇલાજ પણ હવે જંગ માનવામાં આવે છે.રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી ચાલતા યુદ્ધમાં બંને પક્ષ કોઈપણ રીતે મચક આપતા ન હોવાથી યુદ્ધ પૂરુ થયું નથી. યુક્રેનને પશ્ચિમી દેશો અને તેમા પણ ખાસ કરીને યુરોપ અને અમેરિકાનું સમર્થન છે. તેઓ યુક્રેનને શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડી રહ્યા છે. જ્યારે રશિયાએ શસ્ત્રોના પુરવઠા પાછળ તેની પૂરેપૂરી તાકાત લગાવી દીધી હોવા છતાં પણ તેણે ઇરાન પાસેથી શાહીદ ડ્રોન મેળવવાની ફરજ પડી હતી. યુક્રેન પર તેનાથી જ તે હુમલો કરે છે.
રશિયા-યુક્રેન વચ્ચે શાંતિમંત્રણાઓ પણ યોજાઈ ગઈ, પરંતુ તેનાથી આ યુદ્ધ તો બંધ ન થયુ. આ સંજોગોમાં કોઈને પણ થાય કે એવી કઈ બાબત છે જે આ યુદ્ધને બંધ કરાવી શકે. કોઈ માને કે ન માને એક અનિવાર્ય હકીકત એવી છે કે એક યુદ્ધ જ એવું છે જે બીજા યુદ્ધને બંધ કરાવી શકે તેમ છે. આમ લોઢાને લોઢું કાપે તે કહેવત અહીં સાર્થક થાય છે. હાલમાં ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. આ યુદ્ધના લીધે ઇરાન દ્વારા રશિયાને પૂરા પાડવામાં આવતાં શસ્ત્રોનો પુરવઠો અટકાવવો પડે તેમ છે, કારણ કે તેણે હવે ઇઝરાયેલ સામે લડવાનું છે.
બીજી બાજુએ યુક્રેનને અમેરિકા દ્વારા શસ્ત્રોનો પુરવઠો મળે તેમાં બ્રેક પડે તેમ છે, કારણ કે ઇઝરાયેલ જંગમાં ઉતર્યુ હોવાથી અમેરિકા હવે તેની બધી જ શસ્ત્રસહાય ઇઝરાયેલને જ કરશે. આરબ દેશો સાથે સારા સંબંધ છતાં પણ યહૂદી રાષ્ટ્ર ઇઝરાયેલ મધ્યપૂર્વમાં અમેરિકાનો સૌથી મહત્વનો જામેલો પગદંડો છે. તેને થનારું કોઈપણ નુકસાન અમેરિકા સાંખી ન શકે. આથી અમેરિકા ઇઝરાયેલને મદદ કરવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દે તે વાતમાં કોઈ મીનમેખ નથી. આ સંજોગોમાં યુક્રેનને મળતાં શસ્ત્રોના પુરવઠાને પણ બ્રેક વાગી શકે તેમ છે. અમેરિકા માટે યુક્રેન કરતાં ઇઝરાયેલ વધારે મહત્વનું છે. તેથી ઇરાન સાથેના યુદ્ધમાં તે ઇઝરાયેલના કોઈપણ શસ્ત્રોની કમી નહી પડવા દે. આ યુદ્ધનો વ્યાપ વધ્યો તો અમેરિકા તેના માટે જરૂર પડતાં તેનું લશ્કર પણ મોકલી શકે છે. આ માટે તે યુરોપમાંથી તેનું લશ્કર હટાવી શકે છે. યુક્રેન માટે આ સ્થિતિ ઘણી ખરાબ હશે. અમેરિકાની શસ્ત્ર સહાય ન મળતાં તેને મળતો શસ્ત્રોનો પુરવઠો લગભગ અડધો થઈ જશે. યુક્રેનને યુરોપીયન દેશો શસ્ત્રો પૂરા પાડે છે, પરંતુ તે અમેરિકન સિસ્ટમ સાથે વધારે અનુકૂલનતા અનુભવે છે, કારણ કે યુરોપના દરેક દેશોના શસ્ત્રો અને તેને ચલાવતા શીખવું વધારે મહત્વનું છે. જ્યારે અમેરિકાના શસ્ત્રો ચલાવતા શીખ્યા તો પછી શસ્ત્રોના અડધા પુરવઠાનો શાંતિથી ઉપયોગ કરી શકાય.
આમ યુક્રેન અને રશિયા બંનેને મળતા શસ્ત્રોના પુરવઠાને ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની વણસતી સ્થિતિ બ્રેક મારી શકે છે. બંને દેશ કમસેકમ હાલમાં યુદ્ધ ન અટકાવે તો પણ તેમના હુમલાની તીવ્રતામાં ઘટાડો કરવાની ફરજ તેમને પડી શકે છે.
અત્યાર સુધી યુક્રેન સાથેના યુદ્ધના મુદ્દે અકડાઈ દાખવનારા પુતિન ઇરાન પરના હુમલાના પગલે તરત જ ટ્રમ્પ સાથે વાત કરવા દોડ્યા હતા અને લગભગ કલાક વાત કરી હતી અને તેઓ ઇરાનને કોઈપણ ભોગે યુદ્ધમાં સંડોવવા માંગતા નથી. પોતાના સમર્થક દેશને તે કોઈપણ રીતે નુકસાન થાય તે જોવા માંગતા નથી. તેથી તેઓ આ યુદ્ધને અટકાવવા માંગે છે, પણ જો તે ઇરાન ઇઝરાયેલ યુદ્ધ અટકાવવા માંગતા હોય તો તેની કિંમત પણ તેમણે ચૂકવવી પડશે. આ કિંમત તેમની પાસેથી યુક્રેન સાથેના યુદ્ધમાં યુદ્ધવિરામ કે શાંતિના સ્વરૂપમાં વસૂલ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ સંજોગોમાં ટ્રમ્પ તેમનો યુદ્ધવિરામ પ્લાન સ્વીકારવાની પુતિનને ફરજ પાડી શકે છે. આ સંજોગોમાં રશિયા યુક્રેનની સાથે યુદ્ધવિરામ તૈયાર કરવા આશ્ચર્ય થાય તો આશ્ચર્ય નહીં થાય.
પુતિન પણ જાણે છે કે યુક્રેન સામેના યુદ્ધમાં તેમને કોઈએ મદદ કરી ન હતી ત્યારે ઇરાને તેમને શાહેદ ડ્રોન પૂરા પાડીને મદદ કરી હતી. આજે આ ડ્રોન એટલા અસરકારક નીવડ્યા છે કે રશિયા તેના કારણે તેની સૈન્ય ખુવારીમાં ઘટાડો કરી શક્યું છે અને હુમલાઓની અસરકારકતા વધારી શક્યું છે. ઇરાનના ડ્રોન રશિયા માટે ઘણા અસરકારક નીવડ્યા છે.
રશિયા ઇચ્છતું નથી કે ઇરાનને કંઇપણ નુકસાન થાય. ઇરાન કોઈપણ પ્રકારના યુદ્ધમાં રોકાય. જો તેમ થાય તો તેને મળતાં સસ્તા ડ્રોનના પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. તેથી પુતિન ઇરાનને થતાં નુકસાનને પોતાના નુકસાન તરીકે જુએ છે. ઇરાનને જો ઇઝરાયેલ અમેરિકાના સમર્થનથી હરાવી દે તો એશિયામાં રશિયાનું પ્રભુત્વ પણ નામશેષ થઈ જાય અને તે રશિયા થવા ન દે. હવે રશિયા હાલમાં કંઈ ઇરાનને શસ્ત્રોથી મદદ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. આ સંજોગોમાં તે કમસેકમ ડિપ્લોમસીની મદદથી ઇરાનને ઇઝરાયેલના આક્રમણનું ભોગ બનતા અટકાવી શકે છે. રશિયા પાસે આ યુદ્ધ અટકાવવા માટે અમેરિકાની મદદ લીધા વગર છૂટકો નથી.
રશિયા જાણે છે કે ઇઝરાયેલની કમાન અમેરિકાના હાથમાં છે. તેથી જો ઇઝરાયેલના શાંત કરવું હોય તો તેની સાથે નહીં પણ અમેરિકા સાથે વાત કરવી પડશે. જો અમેરિકા ઇઝરાયેલને શાંત કરે તો જ તે ઇરાન પર હુમલો નહીં કરે. હવે પુતિન તે વાત પણ સારી રીતે સમજી ગયા છે કે પોતે જો યુક્રેન સામેના યુદ્ધમાં અમેરિકાની શાંતિ દરખાસ્ત માટે તૈયાર ન થયા તો પછી અમેરિકા ઇરાન સાથે ઇઝરાયેલના યુદ્ધમાં તેમની શાંતિ દરખાસ્ત માટે શા માટે તૈયાર થાય. આમ આ બાબત એક રીતે આખી કોયડા જેવી થઈ ગઈ છે. આ સંજોગોમાં ઇરાન પર ઇઝરાયેલના હુમલા અટકાવવા પુતિને યુક્રેન સામેના યુદ્ધમાં શાંતિ માટેની અમેરિકન દરખાસ્તો માનવી પડે જ તેમ છે, અમેરિકા હંમેશા તેની કિંમત વસૂલે છે, પણ કદાચ પહેલી વખત અમેરિકા શાંતિ માટેની કિંમત બીજા યુદ્ધના સ્વરૂપમાં વસૂલશે. આમ ઘી સીધી આંગળીએ ન નીકળે તો આંગળી દોઢી કરીને કાઢો, પણ કાઢવાનું ખરા. આમ શાંતિ સીધી રીતે ન સ્થપાય તો યુદ્ધથી સ્થાપો, પણ સ્થાપવાની તો ખરી જ.
આ પણ વાંચો:ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓ આર્મેનિયા થઈને આજે પરત ફરશે
આ પણ વાંચો:યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા પુતિન, ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં શાંતિ નિર્માતા બનશે!
