કહેવત છે જર,જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. આજે પણ આ કહેવત પહેલા જેટલી જ સાચી છે…. જમીન હોય ત્યાં વિવાદ આવે જ છે… પછી તે બે દેશો વચ્ચે હોય, બે રાજ્યો વચ્ચે હોય, કોર્પોરેશન અને જિલ્લા વચ્ચે હોય, બે પડોશીઓ વચ્ચે હોય કે બે ભાઈઓ વચ્ચે હોય. આ ઉપરાંત બીજાની જમીન પચાવી નાખનારો પણ એક મોટો વર્ગ નીકળ્યો છે… તેને ગુજરાતમાં ભૂમાફિયાનું નામ મળ્યું છે….
સામાન્ય રીતે જમીન પચાવી પાડવાનો કારસો પુરુષો જ ઘડતાં હોય તેમ માનવામાં આવે છે…. પણ મોરબીમાં જમીન પચાવી પાડવાના આગવા કેસમાં મહિલાએ આગળ પડતો ભાગ ભજવતા સરકારી તંત્રથી લઈ પોલીસ તંત્ર સુધી બધા ચોંકી ઉઠ્યા છે…. મોરબીના ચકચારભર્યા જમીન કૌભાંડના કેસમાં બીજાની કરોડો રૂપિયાની જમીન બારોબાર પોતાના નામે ચઢાવી દેવાના અને વારસાઈમાં પણ નામ કરી દેવાનો ખેલ મહિલાએ જે સીફતતાપૂર્વક અન્ય સરકારી અધિકારી સાથે મિલીભગત કરીને રચ્યો તેણે જિલ્લા કલેક્ટરથી માંડીને પોલીસ તંત્રના અધિકારીઓને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે….
દીવાની કમ ફોજદારી બનેલા મોરબીના આ ચકચારભર્યા જમીન કૌભાંડનો કેસ પહેલા ફક્ત દીવાની હતો અને હવે તે કૌભાંડના કારણે ફોજદારી પણ બની ગયો છે…. શાંતાબેન પરમાર નામની મહિલાએ ગામના સરપંચથી લઈને સરકારી અધિકારીની મિલીભગત વડે કરેલા કૌભાંડે જિલ્લા કલેક્ટરથી લઈને પોલીસને પરસેવો પડાવી દીધો છે….
આના પગલે જમીનના મૂળ માલિક મોરબીમાં શિયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમે પોતાની જમીન પરત લેવા માટે કાયદાકીય લડત આપવી પડી છે…. તેમણે આ પ્રકારનું કૌભાંડ કરનારા શાંતાબેન પરમાર અને તરઘડી ગામના સરપંચ સાગર ફુલતરીયા સામે ફરિયાદ નોંધાવી હતી…. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેમની સર્વે નંબર 602ની જમીન વડીલોપાર્જિત છે…. આજે પણ આ જમીન અને તેનો કબ્જો તેમના કુટુંબીજનો પાસે જ છે…. આ જમીન પચાવી પાડવા માટે શાંતાબેન નામની મહિલાએ ખોટા દસ્તાવેજો ખોટા પુરાવા ઊભા કરીને કૌભાંડ આચર્યુ છે…. બાકી આ જમીન અને તેમનો કબ્જો આજે પણ તેમની પાસે છે….
આશ્ચર્યની વાત તો એ છે કે અમારી જ જમીન અને અમારો જ કબ્જો હોવા છતાં શાંતાબેન નામની મહિલાને સરપંચે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો…. હવે સરપંચ પાસે વળી એવો તે કયો અધિકાર આવી ગયો કે તે બીજાના નામની જમીનનો આ રીતે વેચાણ દસ્તાવેજ કરવા દે…. શું સરપંચને ખબર નથી કે આ જમીન કોની છે, તે નિયમ મુજબ કમસેકમ વાંધા અરજી તો મંગાવી જ શક્યા હોત….
આ શાંતાબેન મનજીભાઈ પરમાર નામની મહિલાએ અજબનો ખેલ ખેલ્યો હતો…. તેણે વારસાઈ ઊભી કરીને શાંતાબેન બેચરભાઈ ડાભી તરીકે તેનું નામ વારસાઈમાં દાખલ કરાવી દીધુ હતુ…. જ્યારે વાસ્તવમાં તેનો અમારા કુટુંબ સાથે સાત પેઢીનો સ્નાનસૂતકનો પણ સંબંધ નથી…. તેના પછી શાંતાબેન પરમારે ખોટી વારસાઇનું સોગંદનામુ કરવા માટે આખી વારસાઇ પેઢીનો ખોટેખોટો આંબો બનાવીને રજૂ કર્યો હતો…. આ રીતે તેણે દસ્તાવેજો દ્વારા બેચરભાઈની દીકરી હોવાનો ભ્રમ ઊભો કર્યો હતો….. આના આધારે આ કરોડોની જમીનની વારસાઈમાં તેમના નામની એન્ટ્રી કરાવવા મોરબી ખાતે 16 જુલાઈના રોજ હક્કપત્રની નોંધ દાખલ કરવા અરજી કરી હતી…. આ બધામાં શાંતાબેને રીતસરના ખોટા પુરાવા રજૂ કર્યા હતા…. તેમા ખોટું સોગંદનામુ, માબાપના મરણના ખોટા દાખલા, ખોટો વારસાઈ પેઢી આંબો દર્શાવીને જમીનમાં વારસાઈ મેળવી હતી…. આના માટે તેમણે સ્થાનિક સરકારી અધિકારી સાથે સાંઠગાંઠ પણ કરી હતી….
આશ્ચર્યની વાત તો એ છે કે મોરબીના પ્રાંત અધિકારી સુશીલ પરમારની કોર્ટમાં મૂળ માલિક ભીમજીભાઈ નકુમભાઈના પુરાવા ધ્યાનમાં ન લઈને બધા જ ખોટા પુરાવા રજૂ કરનારા શાંતાબેન પરમારની અરજીને ધ્યાન પર લઈને તેની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો…. આ અધિકારીએ તે વાત ધ્યાન પર જ લીધી ન હતી કે આ શાંતાબેન પરમાર કોઈપણ રીતે બહેન નથી…. તેના કુટુંબ સાથે અમારે સ્નાનસૂતકનો કે સાત પેઢીએ પણ સંબંધ નથી….પછી વારસાઈ દાખલ કરવાની વાત જ ક્યાં આવે….આ બતાવે છે કે કોર્ટમાં સામાન્ય રીતે પુરુષ ગુનેગાર અને મહિલા પીડિત હોય તે પ્રકારની માનસિકતાથી જ કેસ ચાલે છે….
આ અન્યાયના પગલે ભીમજીભાઈ બેચરભાઈ નકુમે આ અંગે મોરબીના કલેક્ટર કેબી ઝવેરી અપીલ કરી હતી, કલેક્ટર પોતે પણ આ કેસની હકીકતોથી ચોંકી ઉઠ્યા હતા…. તેમણે આની તપાસ ડીઆરડીએને સોંપી હતી. ડીઆરડીએએ તેની તપાસના અંતે કલેક્ટરને આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભીમજીભાઈ બેચરભાઈ નકુમ જ સાચા વારસદાર છે અને શાંતાબેન પરમાર ફ્રોડ છે….
આ રિપોર્ટના આધારે મોરબીના કલેક્ટર કે બી ઝવેરીએ 29મી જાન્યુઆરી 2025ના રોજ વિવાદિત જમીનના રેવન્યુ રેકોર્ડને યથાવત્ સ્થિતિમાં રાખવા માટે મનાઈહુકમ આપ્યો હતો…. આમ પ્રાંત અધિકારી સુશીલ પરમારે વિવાદિત જમીનનું વેચાણ કર્યુ તેની હક્કપત્રક પર નવ જાન્યુઆરી 2025ના રોજ નોંધ નંબર 24071 કરવામાં આવી હતી તેની સામે કલેક્ટરે સ્ટે આપ્યો હતો…. આના પગલે વેચાણ દસ્તાવેજ અંગે રેવન્યુ રેકોર્ડમાં કરવામાં આવેલ નોંધને પ્રાંત અધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવી હતી….
હવે બોગસ પુરાવાના આધારે આખી વારસાઈ એન્ટ્રીને પ્રાંત અધિકારીએ પ્રમાણિત કઈ રીતે કરી તે પણ કલેક્ટર માટે તપાસનો વિષય બની ગયો છે….લાંચિયા પ્રાંત અધિકારીએ કરેલા આ કૌભાંડના કારણે ભીમજીભાઈ નકુમે કારણ વગરની કાયદાકીય લડત આપવી પડી હતી. હાલમાં તો તેને લગતી બધી જ એન્ટ્રી નામંજૂર થઈ ગઈ છે, પણ આ બાબત તેનો પુરાવો છે કે સરકારી અધિકારી લાંચ લઈને કૌભાંડ કરીને કેવી રીતે કોઈનો હક્ક મારી શકે છે…. કૌભાંડી જલસા કરે અને હક્ક માંગનારે રસ્તા પર ન્યાયની ભીખ માંગવી પડે તેવું તરકટ આ સુશીલ પરમાર નામના કૌભાંડી અધિકારી રચ્યું હતું…. હવે આ કૌભાંડી અધિકારી સાથે હજી સુધી કોઈપણ પ્રકારના ખાતાકીય પગલાં લેવાયા કેમ નથી તે મોટો સવાલ છે…. શું તેને છાવરવા માટે તંત્ર કામે લાગી ગયું છે કે સુશીલ પરમારે પોતે તપાસથી બચવા માટે રૂપિયા વેરવા માંડ્યા છે? આ કૌભાંડી અધિકારીની સંપત્તિની તપાસ કરવી પણ જરૂરી થઈ પડે છે….
આશ્ચર્યની વાત તો એ છે કે આ કૌભાંડીઓ સામે ફરિયાદીએ રીતસરની પોલીસ ફરિયાદ કરી છે અને તેઓએ કૌભાંડ કર્યાનું સાબિત થયું હોવા છતાં પણ તેમની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી…. ફરિયાદીએ આ કૌભાંડમાં કૌભાંડી શાંતાબેન પરમારથી લઈ સરપંચ અને લાંચિયા પ્રાંત અધિકારી સુશીલ પરમાર સહિતના વિવિધ શખ્સોએ શું-શું ભૂમિકા ભજવી તે સ્પષ્ટ જણાવાયું હોવા છતાં તેમની ધરપકડ કરવામાં તંત્ર હજી કોની રાહ જોઈ રહ્યું છે તે મોટો સવાલ છે…. પોલીસમાં પણ ઘડીકમાં એકની પાસેથી તપાસ લઈને બીજાને તપાસ સોંપી દેવાના ખેલ ચાલે છે, પણ ધરપકડ થઈ નથી…. આના લીધે ભવિષ્યમાં આવા કૌભાંડીઓને છૂટો દોર મળી જાય તો આશ્ચર્ય નહીં થાય. કદાચ ભવિષ્યમાં જમીન માલિક બનવું જાણે ગુનો બની જશે…..
આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર
આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ
આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’