MANTAVYA Vishesh/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની નવી ફોર્મ્યુલાઃ જૂના આગેવાનોને મેદાનમાં ઉતારાયા

ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનમાં નવા ઉપપ્રમુખો જાહેર કરવામાં આવ્યા તેમા ભરત પંડ્યા જેવા સિનિયર નેતા અને ભૂતપૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારનો પણ સમાવેશ કરાયો છે. આ નિમણૂકો પાછી જાતિગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમા પણ ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે આ નિમણૂકો પક્ષ માટે મહત્વની નીવડી શકે તેમ કહેવાય છે.

Mantavya Vishesh

ગુજરાત ભાજપ માટે જેમ હિંદુત્વની પ્રયોગશાળા છે. આ જ રીતે ભાજપ માટે ગુજરાતનું સંગઠન પણ નેતૃત્વની જુદી-જુદી શૈલીથી લઈને જુદાં-જુદા સંયોજનોને અજમાવતી પ્રયોગશાળા છે. અહીં કયારે કયો પ્રયોગ શરૂ થઈ જાય અને કયો પ્રયોગ પૂરો થઈ જાય તે ખબર પડતી નથી. ભૂતપૂર્વ પ્રમુખ સી આર પાટિલની જ વાત લઈ લો, તેમના કાર્યકાળમાં પક્ષમાં કામ કરતાં વર્ષો જૂના લોકો હાંસિયે ધકેલાઈ ગયા હતા અને નવા લોકોને જ મહત્વ મળતું હતું અને તેમની આ કાર્યશૈલી સફળ પણ રહી હતી.

હવે નવું નેતૃત્વ જ આવતા પાછી પક્ષમાં કાર્યશૈલી બદલાઈ છે. જૂના પ્રદેશ પ્રમુખના નેતૃત્વ હેઠળ પક્ષની અંદર એવી છાપ પડી રહી હતી કે જૂના જોગીઓને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું નથી તેના કારણે પક્ષના જૂના જોગીઓ નિષ્ક્રિય થઈ થઈ ગયા હતા, પણ હવે ભાજપમાં ફરી પાછું જૂના જોગીઓને મહત્વ આપવામાં આવી રહ્યુ છે. તેના કારણે જૂના આગેવાનો પણ સક્રિય થવા લાગ્યા છે. પક્ષની નવી રચાયેલી ટીમમાં જૂના જોગીઓને જે રીતે સક્રિય કરવામાં આવ્યા તેનાથી તેઓને પણ સુખદ આંચકો લાગ્યો છે. તેઓને આશ્ચર્ય પણ થયું છે કે છેવટે પક્ષને તેમના જૂના અને વિશ્વાસુ લોકો અને તેમની વિચારધારાને વરેલા લોકો યાદ આવ્યા ખરા.

ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનમાં નવા ઉપપ્રમુખો જાહેર કરવામાં આવ્યા તેમા ભરત પંડ્યા જેવા સિનિયર નેતા અને ભૂતપૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારનો પણ સમાવેશ કરાયો છે. આ નિમણૂકો પાછી જાતિગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમા પણ ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે આ નિમણૂકો પક્ષ માટે મહત્વની નીવડી શકે તેમ કહેવાય છે. પક્ષને લાગી રહ્યુ છે કે આ રીતે જૂના જોગીઓને સંગઠનમાં મહત્વની ભૂમિકા આપવાથી અને તેમની સાથે નવા લોકોને જોડવાથી સંગઠનને વધુને વધુ ચેતનવંતુ બનાવી શકાય છે.

તેની સાથે આમ આદમી સાથે સોશિયલ મીડિયા જંગમાં ભાજપ પાછળ પડી રહ્યુ છે ત્યારે અહીં દમ દેખાડવા માટે અનુભવી આગેવાન તથા સિનિયર પ્રવક્તા અનિલ પટેલ અને પ્રશાંતવાળાને ફરીથી મીડિયાની જવાબદારી સોંપવામાં આવી છે. અનુભવી હોવાના કારણે અને વિવિધ મુદ્દાઓ પર સારી પક્કડ હોવાના લીધે તેઓ વિપક્ષના પ્રહારોનો સારી રીતે જવાબ આપી શકે છે તેમ માનવામાં આવે છે.

રાજકીય સમીક્ષકો પક્ષના આ પગલાંને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષે કમર કસી લીધી હોય તે પ્રકારે જુએ છે. પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પક્ષની અંદર જ જાણીતા આગેવાનો નિષ્ક્રિય રહે કે નારાજ રહે તેવું કોઈપણ રીતે ચલાવી લેવા માંગતો નથી. તેથી જ સંગઠનમાં થયેલી નિમણૂકોમાં જૂના આગેવાનોને યોગ્ય સ્થાન આપીને પક્ષની અંદર જ તે સંકેત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે પક્ષ કંઈ જૂના આગેવાનોને ભૂલી ગયો નથી કે તેમને કોરાણે પાડી દીધા નથી. પક્ષ માટે આ આગેવાનો હજી આઉટ ઓફ ડેટ થયા નથી. પક્ષને હજી પણ તેમના અનુભવની જરૂર છે.

આ નિમણૂકો અને જૂના આગેવાનોને આપવામાં આવેલું મહત્વ તે છાપ ભૂંસવાનો પ્રયત્ન છે કે ગુજરાત ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાને વધુ મહત્વ આપવામાં આવે છે. થોડા વર્ષો પહેલાં તો એવી કિવદંતી થઈ ગઈ હતી કે ભાજપમાં સંગઠનમાં કે સરકારમાં મહત્વનો હોદો જોઈતો હોવ તો કોંગ્રેસમાંથી જાવ, કોંગ્રેસમાં હોવ તો ભાજપમાં ઝડપથી એન્ટ્રી અને પદ પણ મળી જશે. હવે પક્ષ આ પ્રકારની માન્યતાથી પોતાને દૂર કરવાનો પ્રયત્નશીલ છે.

આ ઉપરાંત લાંબા સમયથી નિમણૂકો થઈ ન હોવાના લીધે સંગઠનની અંદર કાર્યકરોમાં પણ અસંતોષ છે. કાર્યકરોને લાગી રહ્યુ છે કે તેમની રજૂઆતો ધ્યાન પર લેવાઈ નથી, તેમની વાતો સાંભળવામાં આવી રહી નથી. તેમના જ આગેવાનોને જાણે ગણવામાં આવી રહ્યા નથી, તેમને હાંસિયે ધકેલાઈ દેવાયા છે. આ સંજોગોમાં અમારું રણીધણી કોઈ નથી. અમને દિશા આપનારું કોઈ નથી. આ બધી વાતની સુધ નવા પક્ષપ્રમુખે તેમની નિમણૂક પછી રાજ્યના જુદાં-જુદાં શહેરોના ખેડેલા પ્રવાસ દરમિયાન મેળવી હતી.

તેમણે પક્ષના કાર્યકરો સાથે તળિયાની સુધ મેળવી હતી અને રાજ્યના પ્રવાસ પછી પક્ષની સ્થિતિની માહિતી મેળવીને તેમણે સીએમ ભુપેન્દ્ર પટેલને વર્તમાન સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. તેના પછી આગામી ચૂંટણી માટે પક્ષે હવે જૂના જોગીઓને લઈને નવા પ્રયોગ સાથે કામ કરવાનો પ્રારંભ કર્યો છે. અહીં સંગઠન અને સરકાર વચ્ચે સારામાં સારો તાલમેળ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

જો કે આ અંગે ભાજપના જ આગેવાનોને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પક્ષમાં કશું નવુ જૂનું હોતું જ નથી. પક્ષમાં સમયાંતરે ફેરફારો થતાં રહે જ છે. પક્ષના કાર્યકર અને નેતાની ભૂમિકા મુજબ તેમને જવાબદારી સોંપવામાં આવે છે, કયો આગેવાન પક્ષની કઈ ભૂમિકામાં ફિટ થાય છે તે પક્ષ નક્કી કરે છે, કોઈ આગેવાન નક્કી કરતો નથી. તમે ભાજપને જોતાં આવ્યા હશો તો જોઈ શકશો કે અહીં નેતૃત્વ સતત પરિવર્તનશીલ હોય છે અને આ જ એકમાત્ર પક્ષ છે જ્યાં કાર્યકર નેતા બની શકે છે અને સંગઠનમાં તેની કુનેહના આધારે તે પીએમના પદ સુધી પણ પહોંચી શકે છે.

જ્યારે રાજકીય સમીક્ષકોનું માનવું છે કે આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પાર્ટીની આક્રમકતાને ખાળવાનો અને પક્ષમાં નવેસરથી પ્રાણ ફૂંકવાનો આ પ્રયાસ છે. તેથી આગામી સ્થાનિક સ્વરાજ્યની જ નહીં પણ આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને પણ આ જ વ્યૂહરચનાથી લડી શકાય. જૂના જોગીઓ અને નવા આગેવાનો વચ્ચે સમન્વય સાધીને ચૂંટણી જંગ જીતવો તે જ પક્ષનું ધ્યેય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો