MANTAVYA Vishesh/ રાજકોટ ભાજપમાં જૂથવાદઃ સાંસદ રામ મોકરિયા જ આમંત્રણ પત્રિકામાંથી કપાયા

રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.  આનું ઉદાહરણ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આમંત્રણપત્રિકામાંથી  સ્થાનિક સાંસદ રામ મોકરિયાનું નામ જ ગાયબ થઈ ગયું છે.

Mantavya Vishesh

રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.  આનું ઉદાહરણ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આમંત્રણપત્રિકામાંથી  સ્થાનિક સાંસદ રામ મોકરિયાનું નામ જ ગાયબ થઈ ગયું છે. આ વાત જાહેરમાં આવવાના પગલે તરત રાજકોટના સ્થાનિક રાજકારણ અને ભાજપમાં ઉપરથી નીચે સુધી હલચલ મચી ગઈ છે. એકાદ કોર્પોરેટરનું નામ આગળપાછળ થાય તોય મોટી બબાલ થઈ જતી હોય છે ત્યાં તો અહીં રાજકોટના સાંસદનું નામ જ ન હોવાથી શાસક પક્ષની અંદર જ જાતજાતના સવાલ થવા લાગ્યા છે. સામાન્ય રીતે આ પ્રકારની ઘટના બહાર આવે તો પહેલું અર્થઘટન એવું કરવામાં આવે છે કે શું આ સાંસદ હાઈકમાન્ડની ગૂડ બૂકમાંથી બહાર ફેંકાઈ ગયા છે.

સામાન્ય રીતે આ પ્રકારે નામ કપાવવાનો શિરસ્તો જ્યારે કોઈ પદાધિકારી હાઈકમાન્ડની ગૂડ બૂકમાંથી બહાર નીકળે ત્યારે જ જોવા મળતો હોય છે. સાંસદ જેવા હોદ્દા પર બેઠેલી વ્યક્તિનું સ્થાનિક સ્તરના કાર્યક્રમમાંથી કપાય ત્યારે વાત ઘણી મોટી થઈ જાય છે. હાલમાં તો સંસદની કાર્યવાહીના કારણે રામ મોકરિયા દિલ્હી ગયા હોવાથી તેમનો પક્ષ જાણી શકાયો નથી, પરંતુ પક્ષનું પ્રચારતંત્ર બધુ રાબેતા મુજબનું હોવાનો ઢોલ પીટવામાં લાગી ગયું છે. આ ઘટનાએ એક તો સ્પષ્ટ બતાવી દીધું છે કે રાજકોટ ભાજપમાં બધુ સમુસૂતરું નથી, કંઇકને કંઇક સખળડખળ ચાલી રહ્યું છે, જેનો પુરાવો રામ મોકરિયાનું કપાયેલું નામ છે.

રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ ભાજપના સાંસદ રામ મોકરિયાને સ્થાનિક રાજકારણમાં કોરાણે મૂકવામાં આવી રહ્યા હોવાના આક્ષેપને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે મોકરિયા અમારા વડીલ છે. તેઓ અમારા આગેવાન છે. તેઓ હાલમાં દિલ્હીમાં હોવાથી સ્થાનિક કાર્યક્રમમાં હાજર જ રહી શકે તેમ નથી. આના કારણે તેમનું નામ આમંત્રણ પત્રિકામાં નથી. બાકી તેમનું નામ કાઢવાની કોઈ સૂચના નથી.

શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ પણ જણાવ્યું હતું કે પક્ષમાં બધુ સમુસૂતરુ જ છે. રામ મોકરિયા જેવા સાંસદનું નામ કોઈ કમી થોડી કરે. આ તો તે હાલમાં સંસદની કાર્યવાહીમાં વ્યસ્ત હોવાના કારણે અહીં હાજર રહી શકે તેમ ન હોવાથી તેમનું નામ રાખવામાં આવ્યું નથી. તેમનું નામ ન રાખવાને લઈને કોઈ સૂચના નથી.

આ વાત તો થઈ શાસક પક્ષની, પરંતુ પક્ષની આંતરિક સ્થિતિ તો કંઇક જુદુ જ કહે છે. પક્ષના આંતરિક વર્તુળોનો દાવો છે કે રામ મોકરિયા તેમના આકરા સ્વભાવના કારણે પક્ષના વર્તુળોમાં અળખામણા થઈ ગયા છે. તેમની વર્તણૂક જાહેરમાં પણ શોભે નહીં તેવી હોય છે. અહીં પક્ષના પદાધિકારીઓને સાનમાં સમજાવવાનો શિરસ્તો છે, પરંતુ મોકરિયા કોઈને કોઈ પદાધિકારીને જાહેરમાં ખખડાવી નાખતા અચકાતા નથી. ભાજપ જ્યારે વિપક્ષમાં હતુ ત્યારે તેમની આ જ આવડતના કારણે ભાજપને મોજ પડી ગઈ હતી, તે સમયે મોકરિયાએ કેટલાય સત્તાધીશોને અને મોટા અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા. તેના થકી તે આજે પક્ષમાં આ સ્તરે પહોંચ્યા છે.

પણ કહેવાય છે કે વ્યક્તિની ભૂમિકા બદલાય તો તેની સાથે સ્વભાવ પણ બદલવો જરૂરી છે. હવે રામ મોકરિયા વિપક્ષના નેતાઓને જેમ તતડાવતા હતા હવે તે જ રીતે પક્ષના બીજા હોદ્દેદારોને તતડાવવા લાગ્યા છે. તેના કારણે સ્થાનિક સ્તરે પક્ષમાં અસંતોષ ફેલાયો છે. આના કારણે પરિસ્થિતિ એવી આવી રહી છે કે પક્ષનો કોઈ કાર્યક્રમ હોય કે સ્થાનિક સ્તરે તંત્રનો કોઈ કાર્યક્રમ હોય, પણ જો મોકરિયા તેમા હોય તો વિવાદ થયા વગર રહેતો જ ન હતો. મોકરિયા હોય તે કાર્યક્રમમાં વિવાદ થાયને થાય જ.

તેમણે થોડા સમય પહેલાં જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં હોદ્દેદારો અને પદાધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા. આ ઉપરાંત પ્રભારી મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં યોજાયેલી પક્ષની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મૌલિક દવેને અપમાનિત કર્યા હતા. આવું જાહેર અપમાન જોઈ રાઘવજી પટેલ પણ સડક થઈ ગયા હતા. આ પહેલા જ તેમણે ઓડિટરિયમમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરીમાં પક્ષના હોદ્દેદારોને ખખડાવતા સીએમ પણ આશ્ચર્ય પામ્યા હતા. હવે સીએમ પોતે પક્ષના આગેવાનો અને હોદ્દેદારો સાથે સંયત અવાજમાં વાત કરતાં હોય અને સમજાવટની ભાષામાં વાત કરતાં હોય ત્યારે રામ મોકરિયાની લોકોને ખખડાવવાની અને તતડાવવાની ભાષા ભાજપના કાર્યકરોની વર્તમાન પેઢીથી સહન થાય તેમ નથી. પછી ભલેને ગમે તે સાંસદ કેમ ન હોય. આના કારણે વાત છેક ફક્ત રાજકોટ કે ગાંધીનગર સુધી જ મર્યાદિત ન રહેતા દિલ્હી સુધી પહોંચી હતી.

હાઈકમાન્ડે પણ તેની નોંધ લીધી હતી. તેથી આગામી દિવસોમાં સરકારી કાર્યક્રમોમાં તેમને બહાર રાખવાની સૂચના છેક દિલ્હીથી છૂટી હોવાનું માનવામાં આવે છે. રામ મોકરિયાનો આખાબોલો સ્વભાવ હવે તેમને પોતાને જ ભારે પડી રહ્યો છે. આજે તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામથી તેમનું નામ બાકાત રાખવાનો પ્રારંભ થયો છે, સામાન્ય રીતે આવું બનતું હોતું નથી પરંતુ પોતાના હોદ્દાનો સામાન્ય કાર્યકર પર રૂઆબ છાંટતા પક્ષના મોટા હોદ્દેદારોને એક સીમામાં રાખવા માટે હાઈકમાન્ડે આ પગલું લીધું હોવાનું મનાય છે. આમ એક રીતે હાઈકમાન્ડે તેમના જ પક્ષના મોટા આગેવાનોને આ પગલાંથી તેમની સીમા સમજાવી દીધી છે, ફક્ત મોકરિયા જ નહીં બીજા સાંસદો પણ આ પ્રકારનું વર્તન કરતાં હશે તો તેમની પાંખ પણ આ પ્રકારે કાપી નાખવામાં આવશે તેવો સંદેશો મોકરિયા સામે પગલાં લઈને આપી દીધો હોવાનું પક્ષના આંતરિક સૂત્રો કહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો