ગુજરાતના જાણીતા લેખક સ્વ. ચંદ્રકાંત બક્ષીએ રાજ્યમાં દારૂબંધીના અમલ પર કટાક્ષમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીનો અર્થ એવો કરી શકાય કે અહીં દારૂ બોટલમાં નહીં પણ પીપમાં મળે છે. તેમણે વર્ષો પહેલા કહેલી વાત આજે પણ તેટલી જ સાચી છે. વર્ષોથી દારૂને લઈને પોલીસ અને બૂટલેગર વચ્ચે રમાતો એકનો એક ખેલ, પણ દારૂની રેલમછેલ અટકી નથી. પીનેવાલે કો પીને કા બહાના ચાહિયે તેમ ગુજરાતમાં આજે પણ દારૂ બેફામ અને કેટલાય સ્થળોએ તો સરેઆમ વેચાય છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં તો જાણે દારૂની હાટડીઓ હોય તેમ તે ગૃહઉદ્યોગ જેવી સ્થિતિ છે. આવું વાતાવરણ હોય તો પછી લઠ્ઠાકાંડ ન થાય તો શું થાય.
આજે ગુજરાતમાં દારૂનો ઉદ્યોગ ત્રણ હજાર કરોડનો છે. જ્યારે તંત્ર દર વર્ષે માંડ 300 કરોડનો દારૂ પકડીને સંતોષ માણી લે છે. આ રકમને કદાચ પાશેરામાં પૂણી પણ ન કહી શકાય. દરેકનો દાયકો હોય છે તે વાત ગુજરાતના દારૂ ઉદ્યોગને પણ લાગુ પડે છે. ગુજરાતમાં દારૂ ઉદ્યોગમાં લગભગ દરેક બૂટલેગરોનો દાયકો હોય છે, પછી પોલીસતંત્ર આ બૂટલેગરનો વીંટો વાળી દે છે, પણ ત્યાં સુધીમાં બીજો બૂટલેગર તૈયાર થઈ જાય છે. આમ બૂટલેગર આવેને જાય, પરંતુ દારૂની રેલમછેલને ઊની આંચ આવતી નથી.
ગુજરાતમાં મુખ્યત્વે રાજસ્થાન, દીવદમણ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી દારૂ આવે છે. ક્યારેક-ક્યારેક તો છેક દિલ્હીથી પણ આગળ હરિયાણાથી વિદેશી દારૂ મોકલાવાય છે. આ બતાવે છે કે ગુજરાતમાં દારૂબંધીનું પાલન તંત્ર કઈ રીતે કરાવી રહ્યુ છે. વાસ્તવમાં દારૂબંધીને તંત્રએ તેની કાળી કમાણીનો સ્ત્રોત બનાવી દીધો છે. દરેક સંજોગોમાં દારૂના હપ્તા ચાલુ જ રહે છે. ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી મહાત્મા ગાંધીની કર્મભૂમિ તરીકે ગણાવીને દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સરકાર પોતે નશાબંધી વિભાગ ચલાવે છે. તે કેટલાય અભિયાન હાથ ધરે છે. દારૂની કુટેવમાંથી મુક્ત કરવા વ્યસનમુક્તિ કેન્દ્રો ચલાવાય છે. આમ છતાં દારૂ જ નહીં પણ તેમાથી થતી કમાણીનો નશો એવો છે જે તંત્રને તેનો કેડો મૂકવા દેતો નથી. હવે તો જે દારૂ પહેલા મોટા શહેરો પૂરતો જ સીમિત હતો તેનો વ્યાપ હવે રાજ્યના નાના-નાના શહેરો સુધી વિસ્તર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં તેની વપરાશમાં વધારો થયો છે.
રોજેરોજ દારૂ પકડાયાના સમાચાર વાંચીએ છીએ, પરંતુ વાસ્તવમાં આ પકડાય છે તેના કરતાં વધુ જથ્થો તો રાજ્યમાં પહોંચી જાય છે. દારૂની હેરાફેરીમાં ક્યારેય તંત્રના કોઈ મોટા માથાનું નામ ક્યારેય બહાર આવ્યુ, ના જરા પણ નહીં. ભલભલા ચમરબંધીને પણ નહીં છોડવામાં આવે તેવા દાવા કરતુ તંત્ર મોટા નામ સામે નાનું પડી જાય છે.
આશ્ચર્યની વાત એ છે કે એકબાજુએ દારૂના દૈત્યને નાથવા માટે આટલા વિભાગ છે તો બીજી બાજુએ દારૂ પકડવાના બદલે ન પકડવાના હપ્તા લેવાય છે. આમ ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ ગુજરાતમાં છે. દરરોજ આ જ દારૂ પીને કેટલાય લોકો રસ્તા ચાલનારાઓને કે રસ્તે વાહન ચલાવનારાઓને ઉડાવી દે છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં સવારના ઓફિસ ટાઇમમાં દારૂ પીને વાહન ચલાવનારાએ બે જણને ઉડાવી દીધા હતા.
હવે જો દારૂબંધી હોય તો આ ભાઈ પાસે દારૂ આવ્યો ક્યાંથી. શું તેણે કોઈ લાઇસન્સ લીધુ હતુ. તેણે દારૂ ક્યાંથી મેળવ્યો અને ક્યાં પીધો. તે બધા સવાલોના જવાબ આવ્યા નથી. રાજ્યમાં આ જ રીતે દારૂ પીને કેટલાય સ્થળોએ કેટલાય વાહનોએ લોકોને ઉડાવી દીધા છે, પણ ભાગ્યે જ તંત્ર સામે કોઈ કાર્યવાહી થઈ હોય. આ ઘટના બતાવે છે કે દારૂ પીને ગાડીથી ઉડાવનારા સામે કાર્યવાહી કરવામાં આવી, પરંતુ તેને દારૂ પૂરો પાડનારા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
પોલીસ પાસે બૂટલેગરોની યાદી છે, તેના પર ઇનામો જાહેર કરવામાં આવેલા છે. પોલીસ તેને શોધી પણ રહી છે આમ છતાં હજી તે પક્કડમાં આવતા નથી. આશ્ચર્યની વાત એ છે કે જો સમાચાર માધ્યમો પાસે તેની બધી વિગતો આવતી હોય તો પોલીસ તેની પાસે બધુ જ હોવા છતાં પગલાં કેમ લેતી નથી. પોલીસ એવી તેવી કઈ અદ્રશ્ય દોરથી કે અદ્રશ્ય હાથથી બંધાયેલી છે કે હાલમાં દારૂના ધંધામાં સામેલ બૂટલેગરો હજી પણ જેલની બહાર છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
