MANTAVYA Vishesh/ આણંદની સ્કૂલના કાર્યક્રમમાં નાયબ દંડકે પુત્રને મોકલ્યો

ધકેલ પંચા દોઢસોની વાત બધાએ સાંભળી છે, પણ આણંદમાં તો રીતસર આવું જોવા મળ્યું. આણંદમાં કોઠિયાકાડ-નાની શેરડી શાળામાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં બિલકુલ આ જ કહેવતનું ઉદાહરણ જોવા મળ્યું હતું. આણંદમાં આ ઉદઘાટન માટે નાયબ દંડક રમણીકભાઈ સોલંકીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Mantavya Vishesh

ધકેલ પંચા દોઢસોની વાત બધાએ સાંભળી છે, પણ આણંદમાં તો રીતસર આવું જોવા મળ્યું. આણંદમાં કોઠિયાકાડ-નાની શેરડી શાળામાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં બિલકુલ આ જ કહેવતનું ઉદાહરણ જોવા મળ્યું હતું. આણંદમાં આ ઉદઘાટન માટે નાયબ દંડક રમણીકભાઈ સોલંકીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની સાથે સાંસદ મિતેશ પટેલને પણ તેમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

હવે સંજોગોવશાત રમણીકભાઈ સોલંકી આ ઉદઘાટનમાં હાજર રહી શક્યા ન હતા, તો ખાતમૂહુર્ત તેમના બદલે તેમના પુત્રએ કર્યુ હતું. હવે આ કંઈ ઘરનો પ્રસંગ તો થોડી હતો કે એક ના આવે એટલે બીજા સંબંધીથી ચલાવી લેવાય. તેમને કદાચ આ નાના કાર્યક્રમમાં હાજરી આપવામાં નાનમ લાગી હશે, તેથી તેમના બદલે તેઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી તે ન્યાયે તેમના પુત્ર સિદ્ધાર્થ સોલંકીને મોકલી દીધો હતો. જ્યારે સાંસદ મિતેશ પટેલ પણ હાજર રહ્યા ન હતા.

આમ ધારાસભ્યની ગેરહાજરીમાં તેમના પુત્રએ ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. એકબાજુએ પીએમ મોદીએ વંશવાદ સામે રીતસર જંગ છેડ્યો છે ત્યારે ભાજપના આ ધારાસભ્ય પોતાના વંશને જ આગળ કરી રહ્યા છે. શું તેઓ તેમના પુત્ર સિદ્ધાર્થ સોલંકીને તેમનો રાજકીય વારસ બનાવવા માંગે છે? આ રીતે તેમના આમંત્રણવાળા કાર્યક્રમોમાં મોકલીને તેઓ લોકોની અંદર અને પક્ષની અંદર પણ તે સંદેશ આપી રહ્યા છે કે મારો પુત્ર મારો રાજકીય વારસ છે. તેઓ જાણે ગુજરાતના રાજકારણમાં તેમના કુટુંબની બીજી પેઢીને તૈયાર કરી રહ્યા હોય તેમ તેમના પુત્રને આગળ ધરી રહ્યા હોવાનો જાણે સંકેત આપી રહ્યા છે.

કમસેકમ બોરસદના કોઠિયાખાડ ગામમાં નાની શેરડી આદર્શ શાળાના મૂહુર્તના કાર્યક્રમમાં રમણીક સોલંકીના પુત્ર સિદ્ધાર્થ સોલંકીની હાજરીએ આ જ પ્રકારનો સંદેશો જાણે પ્રસારિત કર્યો હોવાનું લાગે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી, બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ મિહિરભાઈ પટેલ, બોરસદ એપીએમસીના ચેરમેન અશોક મહીડા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર.આર. સોલંકી હાજર રહ્યા હતા. પણ મુખ્ય આમંત્રિતોમાં નાયબ દંડક રમણીક સોલંકી અને સાંસદ મિતેષ પટેલ તેમા ગેરહાજર હતા.

ભાજપ સામાન્ય રીતે શિસ્તબદ્ધ પક્ષ કહેવામાં આવે છે. તેમા પણ હવે આ પ્રકારનો વંશવાદનો કીડો ક્યાંથી ઘૂસ્યો. અહીં કાર્યકરો અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા મહત્વની હોય છે. જો ધારાસભ્ય પોતે હાજર રહી શકે તેમ ન હોય તો તેમના જ પ્રતિનિધિ તરીકે તેમની સાથે કામ કરનારા બીજા આગેવાનને મોકલી શક્યા હોત,પરંતુ આ રીતે પોતાના પુત્રને મોકલીને તેમણે જાણે તેમના પુત્રને જનપ્રતિનિધિ બનાવવાની દિશામાં ડગલાં માંડી દીધા છે તેમનું જોઈને પક્ષના બીજા નેતાઓ પણ આ ચીલે જ ચાલે તેવી સંભાવના નકારી શકાતી નથી.

જો કે ભાજપમાં આ રીતે પિતાની કે કોકની આંગળી પકડીને આવેલા રાજકારણીઓ ખાસ ચાલ્યા નથી તે હકીકત છે. આ વાત પીએમ મોદીથી વધારે સારી રીતે કોણ જાણતું હોય, તેથી અહીં કાર્યકર જ ચાલે છે. પક્ષ પ્રત્યે નિષ્ઠાપૂર્વક કામ કરનારને અને પક્ષની સૂચનાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરનારા તથા પક્ષ માટે જાત ઘસી નાખવાની તૈયારી દાખવનારાઓની જ પક્ષને જરૂર હોય છે.

હવે જો વર્તમાન ધારાસભ્ય પોતે જ આ પ્રકારનો ચીલો પાડતા હોય તો પછી ભાજપની સંગઠનાત્મક શિસ્તનું શું થશે. આજે જે શિસ્તે ભાજપનો પાયો નાખ્યો, ભાજપનો વિકાસ જેના કારણે થયો તે જ શિસ્તની પક્ષના ધારાસભ્યો લીરેલીરાં ઉડાવશે તો શું થશે.

કોઈને પણ લાગે કે પિતાના બદલે પુત્ર જઈ આવ્યો તો શું થયું, તેમાં ખોટી વાત શું છે. આ વાત સામાજિક પ્રસંગોમાં ચાલે, પરંતુ શું રાજકીય કાર્યક્રમોમાં આ પ્રકારની બાબત સીધો પક્ષની શિસ્તનો જ ભંગ છે. જ્યારે ઉપલા સ્તરેથી પક્ષની શિસ્તનો આ રીતે ભંગ થવા લાગે છે તેના પછી પક્ષના કાર્યકરો પણ આ જ બાબતને અનુસરે છે. તેથી કહેવાય છે કે બુંદ સે જો બિગડી, વો હોજ સે નહીં સુધરતી. આમ એક વખત શિસ્તભંગની વાત સામાન્ય થવા લાગી તો પછી આગામી દિવસોમાં શિસ્તબદ્ધતા ફક્ત ઓન પેપર પર જ જોવા મળશે, જેમ કેટલાક કાયદાઓ ફક્ત કાગળ પર જોવા મળે છે અને વાસ્તવમાં તેનો અમલ થતો નથી તેવી તેની સ્થિતિ હશે.

હાલમાં ગુજરાતની પ્રજાએ ખોબલે ખોબલે ભરીને પ્રેમ આપ્યો છે તો તેની સાથે જવાબદારી પણ વધી જાય છે. જો શાસક એમ વિચારતા હોય કે તેમના પર ફક્ત વિપક્ષની જ નજર છે તો તે તેમની સૌથી મોટી ભૂલ હોય છે. તેમના દરેક કૃત્યો પર પ્રજાની ચાંપતી નજર હોય છે, પ્રજા દરેક વસ્તુને ધ્યાનમાં રાખે છે, તેના લેખાજોખા કરે છે અને સમય આવ્યે તેનો હિસાબ કરે છે. અગાઉના શાસકો પણ આ જ રીતે સત્તાના મદમાં બહેકી ગયા હતા ત્યારે આ જ પ્રજાએ તેનો વિકલ્પ તૈયાર કરી કાઢ્યો હતો, જે વર્તમાન શાસકો સારી રીતે જાણે છે. તેથી હવે જો વર્તમાન શાસકો પણ ભૂતકાળની ભૂલનું પુનરાવર્તન કરશે તો પ્રજાને પણ તેમનો વિકલ્પ શોધવાની ફરજ પડી શકે છે. લોકશાહીમાં પ્રજા એ જ રાજા છે. પીએમ મોદી પોતાને પ્રધાનસેવક કહેવડાવે છે અને તે મુજબ વર્તે છે કમસેકમ તેમાથી તો શીખ લેવી જોઈએ અને રાજા કે સામંતની જેમ વર્તવાની માનસિકતા છોડવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી