MANTAVYA Vishesh/ IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર

નારી તુ નારાયણી કહેવાય છે,  ગુજરાત સરકાર હવે આ સૂત્રને તેના વહીવટીતંત્રમાં પણ લાગુ કરવા જઈ રહી છે. IAS અધિકારીઓમાં મહિલાઓને સત્તાના સૂત્રો સોંપવાના મોરચે આગળ વધ્યા બાદ રાજ્ય સરકારે હવે IPS કેડરમાં પણ મહિલાઓને આગળ કરવાનું મન બનાવી લીધું છે

Mantavya Vishesh

નારી તુ નારાયણી કહેવાય છે,  ગુજરાત સરકાર હવે આ સૂત્રને તેના વહીવટીતંત્રમાં પણ લાગુ કરવા જઈ રહી છે. IAS અધિકારીઓમાં મહિલાઓને સત્તાના સૂત્રો સોંપવાના મોરચે આગળ વધ્યા બાદ રાજ્ય સરકારે હવે IPS કેડરમાં પણ મહિલાઓને આગળ કરવાનું મન બનાવી લીધું છે. અત્યાર સુધી તો અહીં મહિલાઓ મુખ્યત્વે વહીવટી સ્ટાફમાં જ નીમવામાં આવતી હતી, પરંતુ હવે રાજ્ય સરકાર મહિલા અધિકારીઓ દ્વારા બજાવવામાં આવેલી જ્વલંત કામગીરીને ધ્યાનમાં રાખીને IPS કેડરમાં પણ મહિલાઓને આગળ કરી રહી છે.

આના જ પરિપાક રૂપે તાજેતરમાં 116 IPS અધિકારીઓની બદલી થઈ તેમાં મહિલા અધિકારીઓને નોંધપાત્ર પ્રમાણમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. આના જ ભાગરૂપે સુરત શહેરની સુરક્ષાનો મહત્વનો હવાલો મહિલા અધિકારીઓના શિરે આવ્યો છે. તેથી કહી શકાય કે સુરત શહેરમાં મા જગદંબાનો પ્રતાપ જોવા મળશે અને મહિષાસુરોનો વધ થશે.

રાજ્યમાં 116 આઇપીએસની સાગમટે બદલી કરવામાં આવી તેમા સુરતના આઠ મહિલા આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આમ ગુજરાતના ઇતિહાસમાં અને કદાચ સુરતના ઇતિહાસમાં પણ પહેલી વખત 15 ડીસીપીમાંથી 9 પર મહિલા અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

સુરત શહેરમાં જ્યાં ગુનાખોરી વધારે છે ત્યાં પાંડેસરા અને અલથાણામાં ડીસીપી તરીકે મહિલાઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ફક્ત આટલું જ નહીં સુરતનો સાઇબર સેલ, ટ્રાફિક અને મરીન ટાસ્ક ફોર્સની જવાબદારી પણ સ્ત્રીશક્તિના શિરે મૂકવામાં આવી છે.

સુરત શહેરમાં ડો. નિધિ ઠાકુરને ડીસીપી ઝોન-4, ડો. કાનન દેસાઈને ડીસીપી ઝોન-2, શેફાલી બરવાલને ડીસીપી ઝોન-7, પન્ના મોમાયાને ડીસીપી ટ્રાફિક, વિશાખા જૈનને સાઇબર સેલના ડીસીપી, જુલી કોઠિયાને સ્પેશ્યલ બ્રાન્ચના ડીસીપી, ભક્તિ ડાભીને ડીસીપી હેડક્વાર્ટર, અનુપમ ટ્રાફિકના ડીસીપી જ્યારે શ્રેયા પરમાર મરીન ટાસ્ક ફોર્સના ડીસીપી બનાવાયા છે.

સુરતના ગુનાખોરી માટે જાણીતા પાંડેસર અને અલથાણામાં ડીસીપી ઝોન-4 નિધિ ઠાકુર કાયદો અને વ્યવસ્થા સંભાળશે. આ વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જાળવનારને તો નોબેલ પ્રાઇઝ આપવો જોઈએ તેવું સ્થાનિકો કહે છે. આ બતાવે છે કે આ વિસ્તાર કેટલો સંવેદનશીલ છે. આ પ્રકારના સંવેદનશીલ વિસ્તારની સુરક્ષા નિધિ ઠાકુર જેવા અધિકારીના હાથમાં મૂકીને સરકારે બતાવ્યું છે કે તેમને મહિલા શક્તિ પર કેટલો વિશ્વાસ છે. નિધિ ઠાકુર અગાઉ જેલના સુપ્રિટેન્ડન્ટ તરીકે સફળ કામગીરી કરી ચૂક્યા છે અને તે જે જેલના સુપરિટેન્ડન્ટ તરીકે જાય ત્યાંના ગુંડાઓને રાડ પડાવી ચૂક્યા છે. શિસ્ત પ્રત્યેના આગ્રહના કારણે જેલના ગુંડાઓ તો ઠીક પણ પોલીસ કર્મચારીઓ પણ સીધાદોર થઈ ગયા હોવાનું પોલીસ વર્તુળો કહે છે. હવે આ જ નિધિ ઠાકુર હવે સુરતના ગુંડાઓને સીધાદોર કરશે તેમ માનવામાં આવી રહ્યુ છે. સુરતનો વિકાસ વધવાની સાથે-સાથે ક્રાઇમ રેટ પણ વધી રહ્યો છે. આ ક્રાઇમ રેટને ડામવાની જવાબદારી હવે આ મહિલા અધિકારીઓના શિરે આવી છે.

આ ઉપરાંત ગુનાખોરીનું ઊંચુ પ્રમાણ ધરાવતા લિંબાયત, ગોડાદરા અને ડીંડોલી જેવા પોલીસ મથકોનો ધરાવતા ઝોન-ટુમાં કાનન દેસાઈ ગુનેગારો પર તવાઈ બોલાવશે. તેમની નિમણૂકના પગલે ગુનાખોરીમાં ઘટાડો થશે તેમ માનવામાં આવે છે. કાનન દેસાઈ અગાઉ પણ ઊંચો ગુનાખોરી દર ધરાવતા વિસ્તારોમાં કામ કરીને તેને અંકુશમાં લાવી ચૂક્યા છે. તેમની આ સફળતાથી પ્રેરાઈને જ સરકારે હવે તેમને સુરત જેવા મહાનગરના વિસ્તારોનો હવાલો સોંપ્યો છે.

આ ઉપરાંત સુરતમાં સાઇબર ફ્રોડના કેસોના પ્રમાણમાં થયેલા વધારાને જોતાં તેને નિયંત્રિત કરવા પહેલી જ વખત સુરતના સાઇબર સેલમાં ડીસીપીની પોસ્ટ રચવામાં આવી છે. સુરત શહેરના વિકાસની સાથે-સાથે અત્યાધુનિક રીતે કરવામાં આવતા સાઇબર ફ્રોડે પણ માઝા મૂકી છે. ડિજિટલ એરેસ્ટ તો જાણે આંતરે દહાડે બનતી ઘટના બની ગઈ છે. આ સાઇબર ફ્રોડને અટકાવવો જરૂરી છે, નહીં તો લોકોને ઓનલાઇન વ્યવહાર પરથી ભરોસો ઉઠી જાય. આના ભાગરૂપે સુરતના સાઇબર ક્રાઇમ સેલમાં ડીસીપીની નવી પોસ્ટ રચવામાં આવી છે અને તેની જવાબદારી વિશાખા જૈનને સોંપવામાં આવી છે. તેમની નિમણૂકથી સાઇબર ગુનાખોરી અંકુશમાં આવશે તેમ મનાય છે. તેઓ અગાઉ દાહોદમાં એસઆરપીએફમાં કામ બજાવી ચૂક્યા છે.

આ આખો ઘટનાક્રમ દર્શાવે છે કે આ મહિલા અધિકારીઓએ વિપરીત સ્થિતિઓ અને વાતાવરણ વચ્ચે પણ તેમની આગવી કુનેહથી નવો માર્ગ કંડાર્યો છે. અત્યાર સુધી સોંપાયેલી જવાબદારીઓ નીભાવવામાં મહદ અંશે સફળ રહેવાના કારણે રાજ્ય સરકારનો પણ મહિલા અધિકારીઓ પર વિશ્વાસ વધ્યો છે. તેના કારણે સરકારને પણ તેમને વધુ મોટી જવાબદારી સોંપવાનો વિશ્વાસ આવ્યો છે. આ બતાવે છે કે આગામી દિવસોમાં વર્તમાન મહિલા અધિકારીઓ હાલમાં છે તેના કરતાં પણ વધારે ઊંચા હોદ્દા પર જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય. જો કોઈ મહિલા ગુજરાતની મુખ્યપ્રધાન બની શકતી હોય તો IPS બનતા તેને કોણ રોકે છે. આ મહિલા અધિકારીઓની સફળતા આગામી દિવસોમાં વધુને વધુ મહિલા અધિકારીઓની ભરતીનો માર્ગ મોકળો કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો