MANTAVYA Vishesh/ વલ્લભીપુર ભાજપમાં ભડકો, આગેવાનોના ભ્રષ્ટાચાર-ચરિત્રના સામસામા આક્ષેપ

વલ્લભીપુર ભાજપમાં જૂના જોગી મુકેશ લંગોળિયાએ વર્તમાન અને સીટીંગ ધારાસભ્ય શુંભુપ્રસાદ ટુંડીયા સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને સનસનાટી મચાવી દીધી છે.

Mantavya Vishesh

કહેવાય છે કે કુટુંબ જેમ મોટું થતું જાય તેમ તેના વિવાદો પણ મોટા થતાં જાય છે. બસ આવું જ ભાજપની સાથે થઈ રહ્યું છે. તેનું કુટુંબ કે પથારો કહો એટલો મોટો થઈ ગયો છે કે તેને લઈને કરેક વિવાદને સૂક્ષ્મ રીતે જોવામાં આવે છે તેના લીધે તેની સાથે સંલગ્ન દરેક વિવાદ મોટો દેખાય છે. છેવટે શાસક પક્ષ પણ તે જ છે. ભાજપમાં એક વિવાદ પૂરો થતો નથી અને બીજો વિવાદ સપાટી પર આવીને ઊભો રહી જાય છે.

હવે વલ્લભીપુર ભાજપ જ જુઓ. વલ્લભીપુર ભાજપમાં જૂના જોગી મુકેશ લંગોળિયાએ વર્તમાન અને સીટીંગ ધારાસભ્ય શુંભુપ્રસાદ ટુંડીયા સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને સનસનાટી મચાવી દીધી છે, આના કારણે આખા વલ્લભીપુર ભાજપમાં જ નહીં છેક ગાંધીનગર સુધી હલચલ મચી ગઈ છે. શાસકમાં સીટિંગ ધારાસભ્ય સામેના આક્ષેપને ગંભીર મનાય છે, સામાન્ય રીતે આ પ્રકારના આક્ષેપ તો વિપક્ષ કરતું હોય છે. પણ અહીં તો વિપક્ષનું નામોનિશાન જ ન હોવાથી શાસક પક્ષના જ લોકો તેમના જ પક્ષના ધારાસભ્ય પર કૌભાંડોનો આક્ષેપ કરવા લાગ્યા છે.

આમ મનસુખ વસાવાએ ભાજપ અને કોંગ્રેસવાળા બધા રૂપિયા લે છે તેમ કહ્યા પછી ભાજપના જ મુકેશ લંગોળિયાના આક્ષેપોથી વલ્લભીપુરનું જિલ્લા ભાજપ તંત્ર હચમચી ઉઠ્યું છે. મુકેશ લંગાળિયા વલ્લભીપુર ભાજપના નાયબ તાલુકા પ્રમુખ, તાલુકા પ્રમુખ, નાયબ જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમનો દાવો હતો કે ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાની દુનિયા તેમની આજુબાજુના ચારથી પાંચ લોકોની આસપાસ ફરે છે અને ત્યાં જ પૂરી થઈ જાય છે. આ બધા જ લોકો ભ્રષ્ટાચાર કરે છે અને ધારાસભ્ય તેમને કવર પૂરુ પાડે છે.

તેની સાથે તેમણે વલ્લભીપુર તાલુકામાં ચાલતા વિકાસના કાર્યોમાં પણ વર્તમાન તંત્ર દ્વારા મોટાપાયા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. તેમણે ત્યાં સુધી જણાવ્યું હતું કે વલ્લભીપુર તાલુકામાં કોઝવે, મામલતદાર કચેરીના કામો, નેશનલ હાઇવેના નિર્માણ કાર્યોમાં કોન્ટ્રાક્ટરો પર દબાણ લાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. હવે ભાજપના જ જૂના જોગી અને વરિષ્ઠ આગેવાને આ પ્રકારના લગાવેલા આક્ષેપોના પગલે રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે અને વલ્લભીપુરનું રાજકીય વાતાવરણ પણ ગરમ થઈ ગયું છે.

તેમના આક્ષેપોના જવાબમાં ભાજપના જ આગેવાને દાવો કર્યો હતો કે લંગાળિયાને આ પ્રકારના આક્ષેપોની ટેવ છે અને આ ટેવ નવી નથી વર્ષો જૂની છે. તેઓ અગાઉ પણ જાતજાતના આક્ષેપ કરી ચૂક્યા છે, પરંતુ કશું જ સાબિત કરી શક્યા નથી. ધારાસભ્ય શંભુપ્રસાદ પોતે તેમના પરના આક્ષેપને લઈને સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને મળી ચૂક્યા છે, તેમણે તેમને બધી વાતથી માહિતગાર પણ કર્યા છે. ધારાસભ્યનો દાવો છે કે મારી સામેનો એકપણ આક્ષેપ સાબિત થાય તો હું રાજીનામુ સુદ્ધા આપવા પણ તૈયાર છું, પણ પાયાવિહોણી વાતોને લઈને રાજીનામું નહીં આપું.

વલ્લભીપુર તાલુકાના ભાજપના જ આગેવાન અને ભૂતપૂર્વ તાલુકા પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મુકેશ લાંગળિયાના મગજમાં એવી રાઈ ભરાઈ ગઈ છે કે હું હોઉં તો જ વલ્લભીપુર ભાજપ ચાલે, હું ના હોઉં તો વલ્લભીપુર ભાજપનો ઉદ્ધાર કરનાર કોઈ નથી, વલ્લભીપુર ભાજપમાં મારા સિવાય કોઈ નથી. વલ્લભીપુર ભાજપ મારા થકી જ છે. તેઓ વલ્લભીપુર ભાજપમાં વિવિધ હોદ્દા સંભાળી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે નબળા ચરિત્રના કારણે સર્જાયેલા વિવાદના કારણે તેમણે હોદ્દા અધવચ્ચેથી છોડવા પડ્યા છે, તેમની આ માટે પોલીસમાં કેસ સુદ્ધા નોંધાયો હોવાનું પણ પ્રદ્યુમ્નસિંહે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય પોતે મહંત હોવાથી એક ગાદિપતી સામે આ પ્રકારના આક્ષેપ થતાં મને યોગ્ય ન લાગ્યા નથી. હું પોતે છેક 30 જાન્યુઆરી 2025ના રોજથી ધારાસભ્યના પ્રતિનિધિ પદેથી છૂટો થઈ ગયો છું. જો કે હું હજી પક્ષમાં તો છું. પક્ષની દરેક સંકલન બેઠકમાં ભાગ લઉં છું.

હવે તેઓ ફક્ત આક્ષેપો રૂપી હવાતિયા મારીને તેમનું રાજકીય અસ્તિત્વ ટકાવવા મથામણ કરી રહ્યા છે. તેમણે ધારાસભ્ય સામે આક્ષેપ કર્યા તેના બદલે આ બાબત તે પક્ષના મોવડીમંડળની સમક્ષ લાવી શક્યા હોત, પણ તેના બદલે તેમણે આ વાત પબ્લિક પ્લેટફોર્મ પર કરી. જો તેમના આક્ષેપોમાં ખરેખર સત્ય હોત તો તેમણે મોવડીમંડળનું ધ્યાન દોર્યુ હોત અને ધારાસભ્ય સામે પગલાં પણ લેવાઈ ચૂક્યા હોત. પણ તેમના આક્ષેપમાં વજૂદ જ નથી. તેથી જ મોવડીમંડળે પણ તેમના આક્ષેપ બાદ પણ ધારાસભ્ય સામે પગલાં લીધા નથી. ધારાસભ્ય પોતે જમીનથી જોડાયેલા છે, પણ લાંગળિયા હંમેશા હવામાં ઉડતા રહ્યા છે. અમે તો પક્ષના વફાદાર સૈનિક છીએ. પક્ષ તરફથી મળતી સૂચનાનું પાલન કરવા બંધાયેલા છીએ.

જો લાંગળિયા પક્ષના વફાદાર સૈનિક હોત તો તેમણે આ રીતે પબ્લિક પ્લેટફોર્મ પર પક્ષની આબરૂને અસર પડે તેવો મુદ્દો ઉછાળ્યો જ ન હોત. ધારાસભ્ય સામે કાદવ ઉછાળવાથી કંઈ તમે મોટા થઈ જવાના નથી, પરંતુ તેનાથી પક્ષની આબરૂનું જ લીલામ થશે. પક્ષની આબરુ બચાવવા ધારાસભ્ય રાજીનામુ પણ આપી દેશે, પણ લાંગળિયાનું શું. આ પ્રકારના આક્ષેપો કરીને તેમને કંઈ રાજકીય જમીન નહીં બચાવી શકે. તેઓના રાજકીય અસ્તિત્વનો આધાર શું ફક્ત રાજકીય આક્ષેપો છે.

આ અંગે કેટલાક લોકોનું કહેવું છે કે ભાજપના આગેવાનો એકબીજા સામે રીતસરની આંતરિક હુંસાતુસી કરી રહ્યા છે અને એકબીજા સામે રીતસર રાજકીય સ્કોર સેટલ કરવામાં લાગેલા છે. આજે ભ્રષ્ટાચારની વાત બહાર આવવાનું કારણ તેમની આ આંતરિક હુંસાતુસી છે, ક્યાંક ભાગબટાઈમાં જબરદસ્ત વાંધો પડ્યો લાગે છે. આગામી દિવસોમાં આ પ્રકરણને લઈને અનેક નવા ફણગા ફૂટે તો આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘આજ નશે મેં સારા જહાં હૈ’, ‘જેન ઝી’નું સૂત્ર !

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો