MANTAVYA Vishesh/ રાજ્યસભામાં રાજકોટને મળશે તક કે ઓરમાયુ વર્તન જારી રહેશે

છેલ્લા 50 વર્ષમાં રાજકોટમાંથી કોઈ નેતાને મંત્રીમંડળ કે પક્ષમાં સ્થાન મળ્યું નથી. રાજકોટ પાસે નેતાઓ તો કંઈ ખૂટી પડ્યા નથી, પરંતુ મોવડીમંડળની પ્રાયોરિટીમાં રાજકોટ નથી તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

Mantavya Vishesh

એક સમયે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજકોટના રહેવાસી સીએમ વિજય રૂપાણી ગયા પછી રાજકોટ જાણે નોંધારું થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. તે સીએમ પદે હતા અને સીએમ પદેથી પણ વિદાય થયા બાદ પણ તેમના હૈયે રાજકોટનું હિત જારી હતું. તેમણે રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક કેન્દ્ર બનાવી દીધું હતું અને તેના કારણે આજે રાજકોટ ઓટોમોબાઇલ, શિક્ષણ અને વેપાર ઉદ્યોગના મોરચે આગળ ધપી રહ્યુ છે. પણ તેમના વિદાય પછી તો જાણે રાજકોટ રાજ્યના રાજકારણમાં કોરાણે મૂકાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આના કારણે આજે સ્થિતિ એવી છે કે છેલ્લા 50 વર્ષમાં રાજકોટમાંથી કોઈ નેતાને મંત્રીમંડળ કે પક્ષમાં સ્થાન મળ્યું નથી. રાજકોટ પાસે નેતાઓ તો કંઈ ખૂટી પડ્યા નથી, પરંતુ મોવડીમંડળની પ્રાયોરિટીમાં રાજકોટ નથી તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કેટલાક રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે આના માટે રાજકોટના નેતાઓની આંતરિક લડાઈ અને જૂથબંધી જવાબદાર છે. રાજકોટની અંદર શાસક પક્ષમાં એટલી બધી જૂથબંધી છે કે મોવડીમંડળ રાહ જોઈને બેઠું છે કે આ જૂથબંધી તેઓ ખતમ કરે પછી જ ત્યાંથી કોઈને આગળ લઈએ. મોવડીમંડળને પણ લાગી રહ્યું છે કે જો કોઈ એક આગેવાનને રાજકોટમાંથી લઈશું તો તરત જ બીજું જૂથ નારાજ થઈ જશે, આ સ્થિતિને ટાળવા મોવડીમંડળે રાજકોટ ભણી જોવાનું જ બંધ કરી દીધું છે.

આના કારણે આજે સ્થિતિ એવી આવી છે કે રાજકોટના ધારાસભ્યો અને નેતાઓએ તેમના પોતાના અને પ્રજાના કામો માટે બીજા નેતાઓની ભલામણ મેળવવા દોટ લગાવવી પડે છે. હવે ગુજરાતમાં જૂનમાં જ ખાલી થઈ રહેલી રાજ્યસભાની ચાર બેઠકનું ચિત્ર જુઓ. આમા ત્રણ બેઠક ભાજપની છે અને એક કોંગ્રેસની છે. તેમા ભાજપના રાજ્યસભાના ત્રણ સાંસદ નરહરિ અમીન, રામભાઈ મોકરિયા અને રમીલાબેન બારા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની ટર્મ 21 મી જૂન 2026ના રોજ પૂરી થાય છે. તેના પછી ગુજરાતમાંથી વાંકાનેરના રાજવી કેસરીસિંહ ઝાલા જ રહેશે. આ પૂર્વે રાજકોટના સિનિયર એડવોકેટ અભય ભારદ્વાજ રાજ્યસભાના સાંસદ બન્યા હતા, પરંતુ કમનસીબે તે કોરોનાના લીધે બીજી ડિસેમ્બરના રોજ અવસાન પામ્યા હતા. તેના પછી ઉદ્યોગપતિ રામ મોકરિયા રાજ્યસભામાં સાંસદ બન્યા હતા. આ સંજોગોમાં 1.5 કરોડથી પણ વધુ વસ્તી ધરાવતા સૌરાષ્ટ્રમાં રાજકોટમાંથી કોને પ્રતિનિધિત્વ મળે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

હાલમાં તો રાજકોટને નથી સરકારમાં પ્રતિનિધિત્વ કે નથી સંગઠનમાં પ્રતિનિધિત્વ. આ સંજોગોમાં રાજ્યસભાની બેઠકમાં પ્રતિનિધિત્વ મળે તેવી આશા રાજકોટ ભાજપના અગ્રણીઓ રાખીને બેઠા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે અને રાજ્યની રચના થયા પછી પહેલી જ વખત એવું બનશે કે કોંગ્રેસનો રાજ્યસભામાં એકપણ સાંસદ નહીં હોય. આમ રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસ જાણે નામશેષ થઈ ગઈ હોય છે તેવી સ્થિતિ જ સર્જાશે.

રાજકોટનું રાજકારણ કોઈનાથી અજાણ્યું નથી. તેની અંદર ચાલતા વિખવાદને લઈને બધા જાણે છે. રામ મોકરિયા સાંસદ હોવા છતાં તેમના આખાબોલા સ્વભાવના કારણે તેમને રાજકોટ શહેરના કાર્યક્રમોમાં આમંત્રણ નથી અપાતુ, તેના કાર્ડમાં તેમનું નામ છાપવાની પણ તસ્દી લેવાતી નથી. એક હોદ્દા પરના નેતાની આ પ્રકારની અવગણનાની નોંધ પણ રાજકોટ મોવડીમંડળે લીધી હોવાનું માનવામાં આવે છે. રાજકોટ ભાજપના આંતરિક રાજકારણનો ફટકો તેને હવે ફક્ત રાજકોટમાં જ નહીં રાજ્યસ્તરે પણ પડી રહ્યો હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે.

ગુજરાતને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીના સ્વરૂપમાં બે-બે મુખ્યપ્રધાન આપનારા રાજકોટનું રાજકીય મહત્વ હાલમાં તો જાણે ઇતિહાસ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં કોઈ કેન્દ્રીય નેતા કે રાજ્યના જ મોટા આગેવાન રાજકોટ આવ્યા હોય તેવો બનાવ પણ લોકોને યાદ આવતો નથી. વર્તમાન શાસનમાં રાજકોટ જાણે રાજકીય રીતે સાવ ત્યજાયેલું હોય તેવી સ્થિતિ છે.

આમ એક સમયે રાજ્યના રાજકારણનું કેન્દ્ર ગણાતું રાજકોટ આજે સૌરાષ્ટ્રના રાજકારણનું પણ કેન્દ્ર ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આનું એક વરવું ઉદાહરણ જોવું હોય તો રાજકોટ-અમદાવાદનો હાઇવે જુઓ. છ લેનનો આ હાઇવે 2018માં મંજૂર થયો હતો. આજે કેટલીય ડેડલાઇનો પછી પણ ડિસેમ્બર 2025 પૂરી થઈ ગઈ પણ હાઈવે પૂરો થયો નથી. હજી પણ તેના કામમાં ઠાગાઠૈયા થઈ રહ્યા છે. હવે હાઇવે પૂરો કરવાની ડેડલાઇન આવતા વર્ષે ઠેલાઈ છે. કેટલાય લોકો કહે છે કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા હાઇવે પૂરો થાય તેવા અણસાર નથી.

આમ રાજકારણથી લઈને વિકાસના કામ સુધી રાજકોટ સાથે ઓરમાયુ વર્તન થઈ રહ્યુ છે. આજે ભાવનગર અમદાવાદ એક્સપ્રેવ-વે પૂરો લગભગ પૂરો થઈ ગયો, પરંતુ રાજકોટ-અમદાવાદ હાઈવે પૂરો થવાનું નામ જ લેતો નથી. આજે રાજકોટમાંથી એક સમયે ગુજરાતની સત્તાનો માર્ગ નીકળતો હતો, ત્યાં રાજકોટની સ્થિતિ જાણે ધણીધોરી વગરના હોય તેવી થઈ ગઈ છે.

રાજકારણમાં પણ હાલમાં રાજકોટની સ્થિતિ બસ આ હાઇવેના કામકાજ જેવી જ છે. તેની રાજ્યના રાજકારણમાં શરૂ થયેલી અવગણના અટકવાનું નામ જ લેતી નથી. તેના પ્રતિનિધિત્વની વાત સતત પાછી ઠેલાયે જ જાય છે. દર વખતે એક જ જવાબ મળે છે, પછી જોઈશું, પછી જોઈશું. પણ આ પછીનો છેડો આવતો નથી. આ જોતાં રાજકોટનું પ્રતિનિધિત્વ ફક્ત પ્રતિનિધિત્વ ન રહેતાં જાણે એક ઠેલણગાડી સમાન બની ગયું છે. તેની વાત આવે તો તરત જ તેને ઠેલણગાડીની જેમ આગળ ઠેલી દેવામાં આવે છે. હવે કમસેકમ રાજ્યસભામાં પણ તેને ઠેલી ન દેવાય અને તેને પ્રતિનિધિત્વ આગામી વર્ષે મળી જાય તો રાજકોટવાસીઓને પણ લાગશે કે ચાલો અમે પાછા સેન્ટરમાં આવી ગયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો