દેશની દરેક દીકરીના કમરે રીવોલ્વર લટકતી રહે, આવું સ્ફોટક નિવેદન કર્યુ છે પાટીદાર અગ્રણી અને સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાએ. તેમણે જણાવ્યું હતું કે હવેનો સમય છે સ્ત્રીપુરુષે ખભેખભા મિલાવીને કામ કરવું જોઈએ.
ઇઝરાયેલના અનુભવની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ દેશમાં દરેક મહિલાઓ આત્મનિર્ભર છે. તે પોતાની સુરક્ષા માટે બીજા પર આધારિત નથી. તે જરૂર પડે તો લશ્કરમાં ઉતરીને સેવા પણ આપી શકે છે. તે મશીનગન પણ ચલાવી શકે છે. ઇઝરાયેલમાં શોપિંગ કોમ્પ્લેક્સમાં મહિલાને મશીનગન સાથે જુઓ કે બંદૂક સાથે જુઓ તો તે સામાન્ય બાબત છે, તેમા આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી.
તેમણે જણાવ્યું હતું કે દેશના દરેક નાગરિકે આત્મરક્ષાની અને લશ્કરી તાલીમ લેવી જોઈએ અને બહેનોએ પણ આ તાલીમ લેવી જોઈએ. આ પ્રકારની તાલીમ આપણી પાસે હશે તો આપણે આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ જડબાતોડ જવાબ આપી શકીશું. તેમણે જણાવ્યું હતું કે આજે દેશની દીકરીઓ દરેક મોરચે આગળ વધી રહી છે, યુપીએસસીની પરીક્ષા પાસ કરી રહી છે, લશ્કરમાં સ્થાન પામી રહી છે, ફાઇટર પ્લેન ઉડાવી રહી છે આ સંજોગોમાં આત્મરક્ષાની તાલીમ કંઈ અલગ નથી. આમ જે દેશની દીકરીઓ મજબૂત હશે તે દેશ સામે કોઈ આંખ ઉઠાવીને જોવાની હિંમત નહીં કરે. પાટીદાર દીકરીઓ અને આપણા દેશની દીકરીઓમાં કોઈકની આંખમાં આંખ મિલાવીને જવાબ આપવાની ક્ષમતા હોવી જોઈએ.
સરદાર ધામ ખાતેથી તાલીમ મેળવી UPSC/GPSC પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓના સન્માનસમારંભમાં તેમણે આ વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મારી આ વાત આગામી 25 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કહેવાઈ છે. ફક્ત આજે કહી દીધું અને કાલે જ અમલ કરી નાખવો તેવી વાત નથી. પણ તબક્કાવાર ધોરણે પોતે મજબૂત થવાની અને દેશને મજબૂત કરવાની વાત છે. આપણી દીકરીઓને કદાચ લશ્કરી તાલીમ શક્ય ન હોય તો કમસેકમ લાઠી અને તલવારબાજીની પરંપરાગત તાલીમ તો આપવી જ જોઈએ. તેમણે પાટીદાર મહિલાઓ અને યુવતીઓને યહૂદી યુવતીઓ જેવા થવા આહવાન કર્યુ હતું.
જો કે તેમના દીકરીઓએ રીવોલ્વર કમરે રાખવી જોઈએ તે નિવેદનના કારણે વિવાદ સર્જાયો છે. જેનીબેન ઠુમરે જણાવ્યું હતું કે તેમનું નિવેદન તે બતાવે છે કે તંત્ર મહિલા સુરક્ષાના મોરચે નિષ્ફળ ગયું છે. કાયદો અને વ્યવસ્થાનું તંત્ર ખાડે ગયું છે. સ્ત્રી સશક્તિકરણ ફક્ત સરકારી કાગળોમાં છે, વાસ્તવમાં ક્યાંય છે જ નહીં. ગુજરાતમાં તંત્રના દાવાથી વિપરીત મહિલાઓ દેખાય છે તેટલી સુરક્ષિત નથી. આથી તેમણે માંગ કરી હતી કે પાટીદાર આગેવાને કહ્યું છે તેમ મહિલાઓને સુરક્ષા માટે રીવોલ્વર આપવી જોઈએ અને તેની સાથે મહિલાઓ માટે આત્મ સુરક્ષાના વર્ગો પણ ચાલુ કરવા જોઈએ. આમ પાટીદાર આગેવાને સ્ત્રીની આત્મસુરક્ષાની વાતનો ઉપયોગ વિપક્ષ હવે સરકાર પર પ્રહારો કરવા માટે કરી રહ્યુ છે. વિપક્ષનું કહેવું છે કે રાજ્યમાં દુષ્કર્મની બનતી ઘટનાઓ આ વાતનો પ્રબળ પુરાવો છે.
વિપક્ષના પ્રહારના પરિણામે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગગજી સુતરિયાના વિધાનોનો ઉપયોગ વિપક્ષ જુદી રીતે કરે છે. ગગજી સામાજિક આગેવાન છે. તેઓ મહિલા સશક્તીકરણ માટે હંમેશા તત્પર રહે છે. તેમનું નામ આ ક્ષેત્ર જાણીતું છે. તેમણે પાટીદાર મહિલાઓ માટે ઘણું બધું કર્યું છે. તેમના કહેવાનો ધ્યેય ફક્ત એવો છે કે મહિલાઓ સશક્ત થાય, પોલીસ, જાહેર સેવા સહિત દરેક મોરચે ભાગીદાર બને તેવો થાય છે. તેઓ દરેક મોરચે મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માંગે છે. દેશની અને દરેક રાજ્યની વસ્તીનો અડધો હિસ્સો મહિલાઓનો છે અને તે પાછળ રહી જાય તે કેમ ચાલે એમ તેમનું કહેવું છે. મહિલાઓની પ્રગતિ વગર દેશની પ્રગતિ ન થાય.
તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દીકરીઓ પર અત્યાચાર ગુજારનારાઓને છોડવામાં આવતા નથી. ગુજરાત સરકારે દીકરીઓને ન્યાય અપાવવાને ત્વરિત પગલાં ભર્યા છે. તેના કારણે દીકરીઓની છેડતી કરનારા ગુનેગારોને નશ્યત કરવામાં આવે છે. તેમની સામે ત્વરિત કાયદાકીય કરવામાં આવે છે. અભયમ જેવી સેવા તેનું ઉત્તમ ઉદાહરણ છે. દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરનારા 11 જેટલા ગુનેગારોને છેલ્લા 100 દિવસમાં ફટકારવામાં આવેલી ફાંસી તેનું ઉત્તમ ઉદાહરણ છે. આજે ગુજરાતમાં કેટલીય નાઇટ જોબ્સ છે, જેમા યુવતીઓ કામ કરે છે. શું તે બધા પર રેપ થાય છે ના, કેમ તેનું કારણ ગુજરાત સરકારમાં તેમનો પ્રબળ વિશ્વાસ છે. તેમને ન્યાયતંત્ર પર પ્રબળ વિશ્વાસ છે. આજે ફક્ત નવરાત્રિ જ નહીં તે સિવાય પણ કેટલાય શહેરોમાં દીકરીઓ નોકરી કરે છે. ગુજરાતમાંથી 22 લાખ મહિલાઓએ આઇટી રિટર્ન ફાઇલ કર્યુ છે, આનાથી મોટો પુરાવો કયો જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે વિપક્ષે કોઈના વિધાનો તોડીમરોડીને રજૂ કરવાના બદલે અને તેનો જુદો અર્થ કાઢવાના બદલે વાસ્તવિક પ્રશ્નો ઉઠાવવા જોઈએ. તેઓ કદાચ ભલે રાજકારણ કરતાં હોય, પરંતુ અમારા હૈયે તો પ્રજાનું હિત વસેલું છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
