મંતવ્ય વિશેષ/ શું પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે?

રશિયા અને સાઉદી અરેબિયા 5 સપ્ટેમ્બરે આગામી ત્રણ મહિના સુધી તેલ ઉત્પાદનમાં કાપ ચાલુ રાખવા માટે સંમત થયા હતા. UAE, ઈરાક સહિત 23 OPEC+ દેશો પહેલેથી જ ઓછું તેલ ઉત્પાદન કરી રહ્યા છે. આને કારણે 2023માં પ્રથમ વખત ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $90 સુધી પહોંચી ગઈ હતી. જોઈએ અહેવાલ…

Mantavya Exclusive Mantavya Vishesh
  • રશિયાએ ભારતની સમસ્યાઓમાં વધારો કર્યો
  • તેલનું ઉત્પાદન ઘટાડ્યું
  • સાઉદીએ પહેલેથી જ કાપ કર્યો છે

ગુરુવારે લાઇવ મિન્ટે અહેવાલ આપ્યો હતો કે રશિયન કંપનીઓ પણ તેલ ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે, જેમાં ભારતીય કંપનીઓએ લગભગ 1.3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતને જરૂરી મોટા ભાગનું તેલ રશિયામાંથી આવે છે, તેથી સરકાર માટે ચિંતા થવી સ્વાભાવિક છે.

આગામી 3 મહિના સુધી સાઉદી અરેબિયા દરરોજ 10 લાખ બેરલ અને રશિયા દરરોજ 3 લાખ બેરલ તેલનું ઉત્પાદન ઘટાડશે. આ વિશ્વભરમાં દૈનિક તેલ પુરવઠાના લગભગ 1% છે. આ જ કારણ છે કે 2023માં પ્રથમ વખત ક્રૂડ ઓઈલની કિંમત 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી, જે ઓક્ટોબર 2022થી 75થી 85 ડોલરની વચ્ચે રહી છે.

જાન્યુઆરી 2020ની વાત છે. યુએસ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન 12.8 મિલિયન બેરલ પ્રતિ દિવસના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. એ જ સમયે કોરોના રોગચાળાને કારણે વિશ્વભરમાં તેલની માગમાં ઘટાડો થયો છે. તેલ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થયો નથી, જેના કારણે તેલના ભાવ જમીનને સ્પર્શવા લાગ્યા હતા.

નુકસાન ઘટાડવા માટે સાઉદી અરેબિયા, ઈરાક અને યુએસમાં ઘણા ઓઇલ ઓપરેટરોએ તેમના કૂવાઓ બંધ કરી દીધા. તેલના ઉત્પાદનમાં ઘટાડા બાદ સપ્લાયમાં ઘટાડો થયો અને તેલના ભાવમાં વધારો થયો.

હાલમાં તેલ ઉત્પાદન ઘટાડવાના નિર્ણય પાછળ 3 કારણ છે…

  1. ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $139 પર પહોંચી ગઈ હતી. 2008 પછી ક્રૂડ ઓઈલ ક્યારેય આ સ્તરે પહોંચ્યું ન હતું. આ પછી જ્યારે અમેરિકા અને રશિયા જેવા દેશોએ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું રિઝર્વ ઓઈલ વેચવાનું શરૂ કર્યું ત્યારે તેલના ભાવમાં ઘટાડો થયો. પરિણામ એ આવ્યું કે માર્ચ 2023માં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને બેરલદીઠ $75 થઈ ગઈ.
  2. એપ્રિલ 2023માં વિશ્વભરમાં ક્રૂડ ઓઇલનો વૈશ્વિક સંગ્રહ 18 મહિનામાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. વધુ સ્ટોરેજ અને ઓછી માગને કારણે તેલના ભાવમાં ઘટાડો થવા લાગ્યો. OPEC+ દેશોએ કિંમત વધારવા માટે તેલના ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 89 ડોલર સુધી પહોંચી ગઈ છે. હવે રશિયા અને સાઉદીએ આ નિર્ણય એ સુનિશ્ચિત કરવા લીધો છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત વધે અથવા સ્થિર રહે.
  3. 2008-2009માં નાણાકીય કટોકટીને કારણે ક્રૂડની કિંમત માત્ર 5 મહિનામાં $148થી ઘટીને $32 થઈ ગઈ. મે 2023માં અમેરિકામાં સિલિકોન વેલી, સિગ્નેચર અને ફર્સ્ટ રિપબ્લિક જેવી મોટી બેંકોના પતનના સમાચાર સામે આવ્યા હતા. આ સિવાય ઓગસ્ટ 2023માં મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે 10 અમેરિકન બેંકોના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કર્યો છે. આ બધાને કારણે ફરી એકવાર તેલની કિંમતમાં ઘટાડો થવાની સંભાવના છે.

રશિયા અને સાઉદી અરેબિયાએ એવા સમયે તેલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે જ્યારે OPEC+ દેશો પહેલેથી જ તેલ ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યા છે. આ કારણે વૈશ્વિક સ્તરે તેલની અછતને કારણે કિંમતો વધી શકે છે.

અમેરિકન રાજનેતા લેરી મેકડોનાલ્ડનું કહેવું છે કે ઓગસ્ટ 2023માં યુએસ તેલનો ભંડાર છેલ્લાં 40 વર્ષમાં સૌથી ઓછો હશે. આવા સમયે જો રશિયા-સાઉદી તેલનું ઉત્પાદન ઘટાડશે તો અમેરિકા માટે ફુગાવાને કાબૂમાં લેવા આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ તેલ પમ્પ કરવું મુશ્કેલ બનશે.

વિશ્વની ટોચની ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશે આગામી 12 મહિનામાં યુએસ અર્થતંત્રમાં મંદીની આગાહી કરી છે. ઑક્ટોબર 2022માં ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી IEAએ કહ્યું હતું કે જો OPEC + દેશો તેલ ઉત્પાદનમાં ઘટાડો કરે છે, તો વિશ્વ આર્થિક મંદી તરફ આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં સાઉદી દ્વારા તેલ ઉત્પાદનમાં સતત ઘટાડો ચોક્કસપણે વિશ્વની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર કરી શકે છે.

4 ભારતીય તેલ કંપનીઓએ રશિયામાં 16 અબજ ડોલર એટલે કે રૂ. 1.32 લાખ કરોડનું રોકાણ કર્યું છે. રશિયાના તેલ ઉત્પાદનમાં ઘટાડો આ કંપનીઓને પણ અસર કરશે. આનો અર્થ સ્પષ્ટ છે કે રશિયન ઓઈલ કંપનીઓમાં નાણાંનું રોકાણ કરતી ભારતીય કંપનીઓ દબાણ હેઠળ છે.

આ 4 ભારતીય કંપનીઓએ રશિયન ઓઈલ કંપનીઓમાં રોકાણ કર્યું છે…

ભારતીય તેલ કંપની ONGC વિદેશ લિમિટેડ (OVL) રશિયન તેલ કંપની સખાલિન-1માં 20% હિસ્સો ધરાવે છે.

ચાર ભારતીય કંપનીઓ OVL, ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL), ઈન્ડિયન ઓઈલ કોર્પ લિમિટેડ (IOCL) અને ભારત પેટ્રોસોર્સિસે મળીને રશિયન CSJC Vankorneft કંપનીમાં 49.9% હિસ્સો ખરીદ્યો છે.

OIL, IOCL અને ભારત પેટ્રોસોર્સિસે મળીને રશિયન LLC Taas-Yuryakh કંપનીમાં 29.9% હિસ્સો ખરીદ્યો છે.

જુલાઈ મહિનામાં ભારતે રશિયા પાસેથી દરરોજ 2.1 મિલિયન બેરલ તેલ ખરીદ્યું. એ જ સમયે ઓગસ્ટમાં ભારતે રશિયા પાસેથી દરરોજ 1.63 મિલિયન બેરલ તેલ ખરીદ્યું. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે ઓગસ્ટ મહિનામાં રશિયાથી તેલની આયાતમાં મોટો ઘટાડો થયો છે. આગામી મહિનાઓમાં આમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.

આ વર્ષે 9 મહિનામાં ભારતે સાઉદી અરેબિયા અને ઈરાક કરતાં વધુ તેલ રશિયા પાસેથી ખરીદ્યું છે. આના કારણે ભારતે પ્રતિ બેરલ 2 ડોલર સુધીની બચત કરી છે.

એક્સપર્ટ નરેન્દ્ર તનેજાનું કહેવું છે કે રશિયા-સાઉદીના તેલ ઉત્પાદનમાં ઘટાડો ચોક્કસપણે ભારતને પણ અસર કરશે. એનું કારણ એ છે કે ભારત સૌથી વધુ તેલ રશિયા પાસેથી ખરીદે છે. આ નિર્ણયથી વિશ્વભરમાં કાચા તેલની કિંમત વધી શકે છે. આવી સ્થિતિમાં રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે મળી રહેલા તેલની કિંમતમાં પણ વધારો થશે.

ભારત એની જરૂરિયાતના 80% તેલની આયાત કરે છે. આવી સ્થિતિમાં રશિયા અને સાઉદી અરેબિયા દ્વારા તેલ ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે કંપનીઓ પર બોજ વધવાની ખાતરી છે. ભાવ કેટલો વધશે એ અંગે હજુ સુધી કોઈ સંસ્થાએ કોઈ અનુમાન લગાવ્યું નથી.

એનર્જી એક્સપર્ટ નરેન્દ્ર તનેજાનું કહેવું છે કે OPEC+ દેશોના આ નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે, પરંતુ કેટલો થશે એ કહેવું મુશ્કેલ છે. તનેજા કહે છે કે દેશમાં તેલની કિંમત 3 વસ્તુઓ દ્વારા નક્કી કરવામાં આવે છે.

  1. જિયો પોલિટિકલ: આને આ રીતે સમજો કે યુદ્ધ પછી ભારતને તેના સારા સંબંધોના કારણે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ મળ્યું. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલું રાજકારણ પણ તેલના ભાવને અસર કરે છે. આ માટે કોઈ આધાર નથી. તેલની કિંમત બજારના અંદાજના આધારે નક્કી કરવામાં આવે છે.
  2. ડિમાન્ડ એન્ડ સપ્લાય: તેલની માગ વધે છે અને ઉત્પાદન ઘટે છે. આ સ્થિતિમાં પણ તેલના ભાવ વધે છે. આ સિવાય મોંઘવારી પણ માગ અને પુરવઠાને અસર કરે છે.
  3. તેલ ઉત્પાદક દેશોનો પરિપ્રેક્ષ્ય: તેલ ઉત્પાદક દેશને કેટલા પૈસાની જરૂર છે અને વિશ્વ તેના માટે કેટલા પૈસા ચૂકવવા તૈયાર છે એના પર નિર્ભર છે. હાલમાં OPEC+ દેશોએ પણ આ જ કારણસર દરરોજ 16 લાખ બેરલ ઓછા તેલનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો છે, જોકે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો મુશ્કેલ છે, તેથી તેલ કંપનીઓએ એની ભરપાઈ કરવી પડી શકે છે.

આ પણ વાંચો:આગામી ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી સાથે ગઠબંધન કરશે જનસેના પાર્ટી, પવન કલ્યાણની જાહેરાત

આ પણ વાંચો:ગર્ભવતી પુત્રવધૂ પર સસરાએ આચર્યું દુષ્કર્મ, પતિએ કહ્યું- હવે તું મારી મા છે, હું તને સાથે નહીં રાખી શકું

આ પણ વાંચો:શું જાસૂસી કરવા આવ્યો હતો જિનપિંગનો સાથી? G20 પહેલા 5 સ્ટાર હોટલમાંથી મળી બેગ અને….

આ પણ વાંચો:5 લાખની લાંચ લેતા ઝડપાયેલા રેલવે અધિકારીના ઘરમાંથી મળ્યા અધધધ કરોડ કેશ