MANTAVYA Vishesh/ યુસીસી બિલઃ મહિલા સ્વાભિમાનની આકાંક્ષા સિદ્ધ કરી શકશે !

ગુજરાતમાં લાંબા સમયથી રાહ જોવાતી હતી તે યુસીસી બિલ પસાર થઈ ગયું છે. હવે આ બિલ મહિલા સ્વાભિમાનની અને મહિલા સશક્તીકરણની વાત કેટલા અંશે પૂરી કરી શકે છે તેના પર બધાની નજર રહેશે.

Mantavya Vishesh

ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે UCC બિલ પસાર થઈ ગયું છે. ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે બિલ પસાર થઈ ગયું છે. ગુજરાતના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે તેને ઐતિહાસિક બિલ ગણાવ્યું છે. જ્યારે વિપક્ષે તેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે આ બિલ લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. ઉત્તરાખંડ પછી આ બિલ પસાર કરનારુ ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. સીએમનું કહેવું છે કે આ બિલના કારણે મહિલા સશક્તીકરણને વેગ મળશે. બધા સંપ્રદાયોને કાયદો એકસમાન ધોરણે લાગુ પડશે, ફક્ત આદિવાસીઓને જ આ બિલમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

આશ્ચર્યની વાત તો એ છે કે આ બિલને કલ્પના પણ ન હતી તે કોંગ્રેસી વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટેકો આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ બિલ હેઠળ મુસ્લિમ મહિલાઓમાંથી હલાલા દૂર કરવામાં આવ્યું છે તે બાબતનું તે સ્વાગત કરે છે. તેની સાથે આ બિલને મહિલા સન્માનની દિશામાં લેવામાં આવેલું મહત્વનું પગલું ગણે છે. વાસ્તવમાં હલાલા મહિલાને લઈને જબરદસ્ત મોટી ક્રૂરતા છે, આ નવા કાયદાથી કમસેકમ તેને રોકી શકાશે તે જાણીને તેઓ ખુશ થશે.

નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ કાયદાનો પ્રથમ પ્રસ્તાવ છેક 2024માં લાવવામાં આવ્યો હતો અને તેના પછી તેના પર સૂચનો મંગાવાયા હતા તો 20 લાખ જેટલા સૂચનો તેના પર મળ્યા હતા. આ સિવાય સરકારે પોતે 38થી પણ વધારે મુસ્લિમ સંગઠનો સાથે આ કાયદા અંગે બેઠક કરી હતી. તેના પછી આ કાયદા માટે સમિતિ બનાવાઈ હતી. આ સમિતિએ ભલામણો સોંપ્યા પછી તેનો ડ્રાફ્ટ બનાવીને કાયદો રચવામાં આવ્યો છે.

તેમનું કહેવું હતું કે મહિલાઓ સાથે છેતરપિંડી કરીને લગ્ન કરવાની ઘટનાઓ વધી રહી છે, તેમને ખોટી ઓળખ આપીને ફસાવવામાં આવે છે. આ ઉપરાંત જુદી-જુદી જાતિ અને જ્ઞાતિઓમાં મહિલાઓને લગતી જુદી-જુદી માન્યતાઓ છે, પરંતુ હવે તે બધાનો યુસીસીમાં સમાવેશ થઈ ગયો છે. તે બધું એક જ પ્લેટફોર્મ પર આવી ગયું છે. આના કારણે ઘણી દૂષણ બની ગયેલી સામાજિક પ્રથાઓનો પણ અંત આવશે. ઉત્તરાખંડ જેવા રાજ્યમાં આ કાયદો લાવવામાં આવ્યા પછી હલાલાનો એકપણ કેસ નોંધાયો ન હોવાનો ત્યાંની સરકારે દાવો કર્યો છે. આ બતાવે છે કે આ કાયદાની અસર તો ઉત્તરાખંડ જેવા નાના રાજ્યમાં પડી છે તો ગુજરાતમાં પણ પડશે.

આ કાયદાના લીધે સૌથી મહત્વની વાત એ છે કે પૈતૃક સંપત્તિ, લગ્ન, બળજબરીથી લગ્ન, છૂટાછેડા, બહુપત્નીત્વ, લિવ-ઇન, પુત્રીઓને પિતાની સંપત્તિમાં અધિકાર બધાના કાયદા એકસમાન થઈ જશે. અત્યાર સુધી આ બધુ જુદાં-જુદાં કાયદા હેઠળ થયું હતું. તેના કારણે એકરૂપતા જળવાતી ન હતી. જટિલતા વધી જતી હતી, કોર્ટ કેસોનું પ્રમાણ પણ હતુ. તેમા પણ લિવ-ઇનના સંબંધોને તો કોઈપણ પ્રકારનું કાયદાકીય રક્ષણ જ મળતું ન હતુ, તેમા કોઈ વળતર પણ મળતું ન હતુ. આ કાયદા હેઠળ તો લિવ-ઇનની નોંધણી પણ કરાવવી પડશે, લિવ-ઇન હેઠળ થયેલા સંતાનોને નામ પણ આપી શકાશે અને લિવ-ઇનમાંથી છૂટા પડો ત્યારે મહિલાને વળતર પણ આપવાનું રહેશે.

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાવવાના કારણે કાયદાકીય પ્રક્રિયા પણ સુગમ બનશે. તેના કારણે પૈતૃક સંપત્તિથી લઈને લગ્ન, છૂટાછેડા વગેરેમાં કાયદાકીય પ્રશ્નો પણ ઓછા થશે. આ કાયદાના લીધે આખા રાજ્યમાં મહિલાઓના અધિકાર એકસમાન બની જશે. દરેક નાગરિકોના અધિકાર એક સમાન બની જશે. આ કાયદાનો ગુજરાતમાં કેટલી સફળતાપૂર્વક અમલ થાય તેના આધારે ભવિષ્યમાં ભાજપ શાસિત બીજા રાજ્યોમાં પણ તેને લાવવાની દિશામાં કૂચ કરી શકાય છે.

કોંગ્રેસે જણાવ્યું હતું કે આ બિલ ધારાસભ્યોની સમિતિને મોકલવામાં આવે અને તેના પછી તેને આગામી સત્રમાં રજૂ કરવામાં આવે, જેથી વિપક્ષી ધારાસભ્યોને તે વાંચવા માટે મળી રહે. કોંગ્રેસનો આક્ષેપ હતો કે તેમને નથી રંજના દેસાઈ સમિતિનો ફાઇનલ રિપોર્ટ વાંચવા માટે આપવામાં આવ્યો કે નથી આખેઆખા બિલનો અભ્યાસ કરવા માટે સમય આપવામાં આવ્યો. તેના કારણે આ બિલને લઈને જે પાસાઓ પર અમારે જે વિરોધ કરવો હોય તે કરી શકયા નથી. આમ છતાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે યુસીસી બિલ લાવવાના કારણે નાગરિકોના બંધારણીય અધિકારોનો ભંગ થતો ન હોવો જોઈએ. અમને જો ભવિષ્યમાં પણ આવું કંઈ લાગ્યું તો અમે આ યુસીસી બિલની જે તે જોગવાઈઓને ચોક્કસ પડકારીશું.

આ અંગે શાસક પક્ષના જ ભૂતપૂર્વ સ્પીકર રમણીક વોરાએ જણાવ્યું હતું કે વિપક્ષ આટલી પછડાટ છતાં પણ તુષ્ટિકરણની રાજકારણમાંથી બહાર આવતું નથી. કોંગ્રેસ વોટબેન્કના રાજકારણથી ઉપર ઉઠીને દેશહિતમાં ક્યારે વિચારતા શીખશે. આટલા-આટલા પરાજય છતાં પણ કોગ્રેસે તેનું તુષ્ટિકરણ પડતું મૂક્યું નથી. આ જોતાં એમ જ લાગે છે કે જાણે તુષ્ટિકરણ કોંગ્રેસના ડીએનએમાં છે.

આ બિલમાં મહિલાઓને આપવામાં આવેલા સમાન અધિકારો જોતાં તો ઘણા તેને યુસીસી નહીં પણ વુમન સિવિલ કોડ પણ કહે છે. તેમા મહિલા સાથે બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા તો સાત વર્ષની સજાની જોગવાઈ છે. કોર્ટના આદેશ સિવાયના કોઈપણ પ્રકારના છૂટાછેડા લેવાયા તો ત્રણ વર્ષની કેદ થશે. આમ હવે છૂટાછેડા માટે ફક્ત કોર્ટનો આદેશ જ માન્ય ગણાશે, બીજા કોઈપણ પ્રકારના સમાજના પ્રચલિત રિવાજ આધારભૂત નહીં ગણાય. આ સિવાય લિવ-ઇન સંબંધોમાં જન્મેલા બાળકને પણ હવે કાયદેસરનું બાળક ગણવામાં આવશે. લિવ-ઇન રિલેશન અને લગ્નની નોંધણી ફરજિયાત છે. લિવ-ઇન રિલેશનની નોંધણી ન કરાવી તો દસ હજાર રૂપિયા સુધીની સજા ફટકારવામાં આવી શકે છે. લિવ-ઇન સંબંધોનું રજિસ્ટ્રેશન જ નહી, આ સંબંધો પૂરા થાય તો તેની માહિતી પણ આપવી પડશે. ઘણા તો આને વ્યક્તિગત સ્વતંત્રતાના પગલાં પર તરાપ પણ માને છે. આ સિવાય લિવ-ઇન પાર્ટનરને પણ ભરણપોષણનો અધિકાર યુસીસી હેઠળ આપવામાં આવ્યો છે, જે અત્યાર સુધી કોઈ કાયદા હેઠળ ન હતો. રાજ્ય સરકારનો દાવો છે કે નવો કાયદો દરેક જાતિ, જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયના પુરુષો અને મહિલાઓ બધાને સમાન અધિકાર સુનિશ્ચિત કરે છે.


આ પણ વાંચો: UPમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો

આ પણ વાંચો: રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી

આ પણ વાંચો: આનંદીબેન પટેલે લીધો કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ