Ahmedabad News : અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. તાલીમી વિદ્યાલયમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં PTC (પ્રાથમિક શિક્ષક તાલીમ) કોર્સમાં અભ્યાસ કરતી પ્રથમ વર્ષીય વિદ્યાર્થિ(Student)ની સાથે અધ્યાપક દ્વારા છેડતી (Molests)કરવામાં આવી હોવાનો આરોપ ઉઠ્યો છે.
છેડતી (Molests)ની આ ઘટના અંગે વાલીએ સંસ્થાને લેખિત ફરિયાદ કરી
વિદ્યાર્થિનીએ છેડતી (Molests)ની આ ઘટના અંગે પોતાના વાલીને જાણ કરતા વાલીએ સંસ્થાને લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે સંસ્થા દ્વારા ચાર દિવસ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. આથી કંટાળી વાલીએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક શેઠ સી.એન. તાલીમી વિદ્યાલયના મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલને નોટિસ ફટકારી છે. સાથે જ આટલી ગંભીર ઘટના છતાં સમયસર જાણ કેમ કરવામાં આવી નથી તે અંગે ખુલાસો માંગ્યો છે.
જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, અધ્યાપક સામે તાત્કાલિક સસ્પેન્શન સહિત યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ માટે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઘટના ચારથી પાંચ દિવસ પહેલાં બની હતી, છતાં સંસ્થાએ તેમાં ઉદાસીનતા દાખવી હોવાનું જણાય છે. આ મામલે હવે તપાસ સમિતિ રચી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના ફરી એકવાર શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સંસ્થાની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
અમદાવાદ શહેરમાં આવેલી શેઠ સી.એન. પી.ટી.સી. કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતી થયાની ગંભીર ફરિયાદ સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘટના અંગે સંસ્થાએ ઉદાસીનતા દાખવી હોવાના આક્ષેપ વચ્ચે મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, કોલેજના અધ્યાપક રોહિત ઉપાધ્યાય દ્વારા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ વાલી દ્વારા ટેલીફોનિક રીતે આપવામાં આવી હતી. ઘટના ચારથી પાંચ દિવસ પહેલા બની હોવા છતાં સંસ્થા દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા DEOએ આ બાબતને ગંભીરતાથી લીધી છે.
DEO દ્વારા સંસ્થાને તાત્કાલિક અધ્યાપકને સસ્પેન્ડ કરવા તેમજ સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ, આટલા દિવસ સુધી કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે.
આ મામલે વધુમાં DEOએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા હવે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને ઘટના અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તપાસ માટે કમિટી રચવાની અને સંપૂર્ણ તપાસ બાદ આગળની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, શેઠ સી.એન. તાલીમી વિદ્યાલયના પ્રિન્સિપાલ ભગવાનભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની પાસેથી લેખિત ફરિયાદ લેવામાં આવી છે અને સંસ્થા દ્વારા અધ્યાપકને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. વધુ કાર્યવાહી માટે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે. સાથે જ, વિશાખા કમિટી રચી તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રિન્સિપાલે વધુમાં ઉમેર્યું હતું કે, સંબંધિત અધ્યાપક છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા અને અગાઉ તેમની સામે કોઈ ફરિયાદ નોંધાઈ નહતી. હવે સમગ્ર મામલે આગળની કાર્યવાહી DEOની સૂચના અને તપાસ કમિટીના રિપોર્ટના આધારે કરવામાં આવશે.
