MANTAVYA Vishesh/ મહિલા અનામત બિલઃ ગુજરાતની સાથે બદલશે દેશનો રાજકીય નક્શો

કેન્દ્ર સરકાર મહિલા અનામત બિલ માટે સજ્જ બની છે. આ બિલ તે 2029ની લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરવાનું આયોજન ધરાવે છે. તેના પગલે સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત મળશે.

Mantavya Vishesh

કેન્દ્ર સરકાર મહિલા અનામત બિલ લાવવા માટે સજ્જ બની છે. આ બિલ વર્તમાન વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂરી થઈ જાય તેના પછી સંસદના ચોમાસુ કે શિયાળુ સત્રમાં લાવવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. કેન્દ્ર સરકાર કોઈપણ ભોગે 2029ની લોકસભા ચૂંટણી પહેલા લોકસભા અને વિધાનસભાઓમાં અનામત બિલ લાવવા તત્પર છે. હવે જો આ બિલ પસાર થઈ જાય તો ગુજરાત સહિત આખા દેશનો રાજકીય નક્શો બદલાઈ જાય તેમ છે. જો આ બિલ મંજૂર થાય તો દેશની લોકસભાની અને વિધાનસભાઓની બેઠકોમાં વધારો કરવો પડે તેમ છે. આ બિલ હેઠળ મહિલાઓ માટે લોકસભા અને વિધાનસભામાં એક તૃતિયાંશ બેઠકો અનામત રાખવામાં આવશે.

આના પગલે લોકસભામાં બેઠકોની હાલની સંખ્યા 542થી વધીને 816 થઈ જશે, તેમાથી 273 બેઠકો મહિલાઓ માટે અનામત હશે. આમ લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ વધશે. તેના કારણે વધુને વધુ મહિલાઓને રાજકારણમાં જોતરી શકાશે. લોકસભાની આ નવી વ્યવસ્થા 2029થી અમલી પણ બની શકે છે. તેના કારણે લોકસભામાં બહુમતીનો આંકડો વધીને 409 પર પહોંચી શકે છે. આના પગલે ગુજરાતમાં પણ લોકસભાની બેઠકો હાલની 26થી વધીને 39 થઈ શકે છે. આમ લાંબા સમય પછી ગુજરાતની લોકસભા બેઠકો બદલાશે.

સૌથી મોટો ફેર એ પડશે કે ગુજરાતની લોકસભા બેઠકો વધવાના કારણે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની બેઠકો પણ વધે તેવી પૂરેપૂરી સંભાવના છે. હાલમાં ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે. આગામી દિવસોમાં તે વધીને 216 જેટલી થાય તેમ માનવામાં આવે છે. જો કે 2027ની વિધાનસભા ચૂંટણી વખતે તો આ બઠકો નહીં વધે અને તે 182 જેટલી જ રહેશે. પણ તેના પછી 2032માં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને આ બેઠકોમાં વધારો થશે. ગુજરાત વિધાનસભામાં જો કે બેઠકોમાં વધારો થવો નવી વાત નથી.

ગુજરાતની 1960માં થઈ હતી અને તેની પહેલી વિધાનસભા ચૂંટણી 1962માં આવી ત્યારે ગુજરાત વિધાનસભામાં 154 બેઠકો હતી. તેના પછી 1966માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની બેઠકો વધીને 166 થઈ હતી. તેના પછી 1971ની ચૂંટણી વખતે ગુજરાત વિધાનસભાની બેઠકો 182 કરી દેવામાં આવી હતી. તેના પછી ગુજરાત વિધાનસભાની બેઠકો વધી નથી.

ગુજરાતમાં લોકસભાની બેઠકો વધીને 39 થતાં મહિલાઓને સૌથી મોટો ફાયદો થશે. તેના કારણે મહિલાઓ માટેની અનામત બેઠકો 13 જેટલી થશે. આમ ગુજરાતમાંથી પહેલી જ વખત આટલી સંખ્યામાં મહિલાઓ સંસદમાં જશે. તેના જ સંદર્ભમાં આગામી દિવસોમાં પછી આ રીતે વિધાનસભામાં પણ મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત થતાં મહિલા પ્રતિનિધિત્વમાં વધારો થશે. આના પગલે ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બેઠક પર પણ અસર પડશે તેમ માનવામાં આવે છે. રાજ્યમાં કુલ 26 બેઠકમાંથી બે બેઠક અનુસૂચિત જાતિ અને 4 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. હવે લોકસભાની કુલ બેઠકોની સંખ્યામાં વધારો થતાં આ બેઠકોમાં પણ ફેરફાર થઈ શકે છે.

એક વખત મહિલા અનામત લાગુ થશે પછી દરેક રાજકીય પક્ષમાં મહિલા પ્રતિનિધિત્વ વધશે. તેના પછી આગામી દિવસોમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તેનો અમલ થતો જોવા મળી શકે છે.  આના કારણે મહિલાઓ વધુને વધુ પ્રમાણમાં મુખ્ય ધારામાં સામેલ થઈ શકે છે. તેમને દરેક સ્તરે રાજકીય પ્રતિનિધિત્વ મળે તે સુનિશ્ચિત કરી શકાશે. તેના કારણે દેશનું રાજકારણ પણ વધુને વધુ સર્વસમાવેશક થશે. મહિલાઓની ભાગીદારી વધવાના કારણે દરેક રાજકીય પક્ષોએ પણ તેમની રણનીતિ બદલવી પડશે. આના કારણે દેશના દિલ્હી, મુબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લુરુ અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોની ચૂંટણીની રણનીતિમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન અમિત શાહે આ બાબતને લઈને દેશના બધા રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી છે. આ બેઠકમાં તેમણે દરેક રાજ્યોમાં 2011ની વસ્તીના આધાર મુજબ લોકસભાની કુલ બેઠક અલગથી વધારવાનું સૂચન કર્યુ છે. આ માટે ચૂંટણીના કાયદામાં સંશોધન પણ કરવામાં આવનાર છે. કદાચ આના કારણે 2029ની લોકસભા ચૂંટણીની સીનારિયો પણ અલગ હોઈ શકે. કેટલાય રાજ્યોમાં ભાજપ શાસક પક્ષ તરીકે છે અને તેણે મહિલાઓ માટે જે યોજનાઓ કરી હતી તેનો તેને ચોક્કસ લાભ તેમા મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવનારા નિર્ણયના પગલે ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યની લોકસભા બેઠકોની સંખ્યા હાલના 80થી વધીને 120 જેટલી થઈ જશે. આમ તેમા 40 સીટનો વધારો થશે. જ્યારે મહારાષ્ટ્રની વર્તમાન સીટો 48 બેઠકથી વધીને 72 થઈ જશે. બિહારની લોકસભા બેઠકો હાલના 40થી વધીને 60 થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં વર્તમાન સીટો 42થી વધીને 63 થઈ શકે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશની સીટો 29થી વધીને 44 થઈ શકે છે. તેમા સીધો 15નો વધારો થશે. રાજસ્થાનની 25 સીટો વધીને 38 થઈ શકે છે. આમ તેમા 13 સીટો વધારો થશે. આમ રાજસ્થાન અને ગુજરાત બંને લોકસભા બેઠકોની રીતે જોડે-જોડે હશે. ગુજરાતની બેઠકો 26થી વધીને 39 થઈ શકે છે.

સરકારન ઇરાદો બિલકુલ સાફ છે. તે હવે આ મામલે વધુ વિલંબ કરવા માંગતી નથી. તાજેતરમાં જ સંસદીય મામલાની કેબિનેટ સમિતિની બેઠકમાં પીએમ મોદીએ 2029 સુધીમાં મહિલા અનામત લાગુ કરવાના તેમના વિઝન પર ભાર મૂક્યો હતો. સીમાંકનની આ વિસ્તારિત પ્રક્રિયાનો અંતિમ સ્વરૂપ આપવા જરૂર પડી તો સીમાંકનના કાયદાઓને પણ બદલવામાં આવશે. આ સિવાય કઈ-કઈ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે તેના માટે લોટરી સિસ્ટમનો અમલ કરવામાં આવશે. તેનાથી રોટેશન પણ થશે અને નિષ્પક્ષતા પણ રહેશે. લાગવગનો આક્ષેપ પણ નહીં થાય.


આ પણ વાંચો: UPમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો

આ પણ વાંચો: રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી

આ પણ વાંચો: આનંદીબેન પટેલે લીધો કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ