MANTAVYA Vishesh/ જાતિગત વસ્તી ગણતરી, રાષ્ટ્રીય એક્તાની નીતિનું શીર્ષાસન કે સામાજિક ન્યાયની દિશામાં આગેકૂચ?

કેન્દ્ર સરકારે દેશમાં લાંબા સમય પછી જાતિગત વસ્તી ગણતરીનો વસ્તી ગણતરીમાં સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. બિહારમાં તેની સૌપ્રથમ માંગ ઉઠી હતી અને પછી આખા દેશમાં આ માંગે તેનું જોર પકડ્યું હતું.

Mantavya Vishesh

કેન્દ્ર સરકારે દેશમાં લાંબા સમય પછી જાતિગત વસ્તી ગણતરીનો વસ્તી ગણતરીમાં સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. બિહારમાં તેની સૌપ્રથમ માંગ ઉઠી હતી અને પછી આખા દેશમાં આ માંગે તેનું જોર પકડ્યું હતું. હવે કેન્દ્ર સરકારે જાતિગત વસ્તી ગણતરીનો નિર્ણય લેતા બીજી મોટી ચર્ચાને જન્મ આપ્યો છે. આ ચર્ચા છે જાતિગત વસ્તી ગણતરીનો કેન્દ્રએ લીધેલો નિર્ણય તે 1951થી કેન્દ્ર સરકારે અપનાવેલી રાષ્ટ્રીય એક્તાની નીતિનું શીર્ષાસન છે કે પછી વર્તમાન તથા ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સામાજિક ન્યાયની દિશામાં આગેકૂચ છે.

ઉલ્લેખનીય છે કે અંગ્રેજોનું શાસન ભારતમાં હતું ત્યારે 1871થી 1931 સુધી તેઓએ વસ્તી ગણતરીની સાથે-સાથે જાતિગત વસ્તી ગણતરી પણ કરાવી હતી. તેની પાછળ તેનો ધ્યેય એ જ હતું કે તેઓ ભારતની જટિલ સામાજિક સંરચનાને સમજવા માંગતા હતા, જેથી તેના કારણે શાસન કરવામાં સરળતા રહે.  અંગ્રેજો દ્વારા કરવામાં આવતી વસ્તી ગણતરીમાં જાતિ, ધર્મ અને વ્યવસાયના આધારે ગણતરી કરવામાં આવતી હતી. આ રીતે વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવતી હતી.

ભારતને સ્વતંત્રતા મળ્યા પછી 1951માં જાતિગત વસ્તી ગણતરી બંધ કરી દેવામાં આવી હતી. નેહરુની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનું માનવું હતું કે આ પ્રકારની જાતિગત વસ્તી ગણતરી વ્યક્તિની જાતિ સાથેની ઓળખને મજબૂત બનાવે છે અને પરિણામે રાષ્ટ્રીય એક્તામાં વિઘ્ન ઊભું થાય છે. તેથી રાષ્ટ્રીય એક્તાને મહત્વ આપતા નેહરુ પછી આવેલી દરેક કેન્દ્ર સરકારોએ જાતિગત વસ્તી ગણતરીની વાત ક્યારેય ધ્યાન પર લીધી ન હતી. તેનો ઉલ્લેખ સુદ્ધા ટાળવામાં આવતો હતો.

હવે આશ્ચર્યની વાત એ છે કે રાષ્ટ્રીય એક્તાની વાત કરતાં આ જ કોંગ્રેસ પોતે હવે જાતિગત વસ્તી ગણતરીને સમર્થન આપે છે. રાષ્ટ્રીય એક્તાનું કારણ આગળ ધરીને જે કોંગ્રેસે જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો હતો આજે તે તેની પુરસ્કર્તા બની ગઈ છે. આને હવે રાષ્ટ્રીય એક્તામાં પૂળો મૂકતું નીતિગત શીર્ષાસન કહીશું કે પછી કોંગ્રેસના સામાજિક ન્યાયના પુરસ્કર્તા તરીકે રજૂ કરવાના પ્રયત્ન તરીકે જોઈશું

જાતિગત વસ્તી ગણતરીની માંગ બિહારના સીએમ નીતિશકુમારે ઉઠાવી ત્યારે તે ખાસ ધ્યાન પર લેવાઈ ન હતી. તેના પછી તેને સૌપ્રથમ લાલુપ્રસાદના રાષ્ટ્રીય જનતાદળના સ્વરૂપમાં સમર્થન મળ્યું હતું. કોંગ્રેસે તેનો પ્રયોગ તેલંગણાની ચૂંટણીમાં કરીને સત્તા મેળવી હતી, તેના પગલે હવે કોંગ્રેસ આ જ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે આગળ લઈ જઈને રાષ્ટ્રીય સમર્થન મેળવવા માંગતી હતી. તે પોતાને સામાજિક ન્યાયના પુરસ્કર્તા તરીકે રજૂ કરવા માંગતી હતી, પણ કેન્દ્ર સરકારે તેને સ્વીકારી લેતા કોંગ્રેસનો તેને રાષ્ટ્રીય સ્તરે ચગાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો છે.

આના કારણે રાજકીય નિષ્ણાતોમાં ચર્ચા જાગી છે કે શું કેન્દ્ર સરકારે પહેલી જ વખત રાષ્ટ્રીય એક્તાની નીતિનું શીર્ષાસન કર્યુ છે કે પછી સામાજિક ન્યાયની દિશામાં આગળ વધવા વર્ષો જૂની નીતિ ત્યજી છે. રાષ્ટ્રીય એક્તાના પુરસ્કર્તાઓ આ પગલાંને કેન્દ્રની રાષ્ટ્રીય એક્તાની નીતિમાં પીછેહઠ માને છે. તેઓનું માનવું છે કે આ પગલાંના લીધે વ્યક્તિની જાતિગત ઓળખને વેગ મળશે, તેના કારણે જાતિગત પૂર્વગ્રહો વધારે મજબૂત થશે. આ બાબત આગળ જતાં રાષ્ટ્રીય એક્તાને અસર કરશે. આના પ્રકારની ગણતરી રાષ્ટ્રીય એક્તાના આધારે નબળો પાડશે. દરેક મજબૂત વર્ગ પોતાની સંખ્યાની તાકાતના આધારે નબળાને દબાવવા જશે તેવી ભીતિ પણ વ્યક્ત કરી હતી.

જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીના સમર્થકોનું કહેવું છે કે આના કારણે સામાજિક ન્યાયને વેગ મળશે. હાંસિયે ધકેલાઈ ગયેલા લોકોની સ્થિતિનો પહેલી જ વખત સાચો ખ્યાલ છે. કયા વર્ગ સુધી સામાજિક ન્યાયના ફાયદા પહોંચ્યા છે કે નહી અને કયા વર્ગ સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચી છે કે નહીં તે પણ જાણવા મળશે.  આ ઉપરાંત નબળા વર્ગો જેવા કે અનુસૂચિત જાતિ, જનજાતિ વગેરે માટે સરકારને કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં મદદ મળશે.

પોપ્યુલેશ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પૂનમ મુત્રેજાના મતે શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સામાજિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં અસમાનતા પર પ્રકાશ પાડવા અને સમાવેશક નીતિઓ બનાવવા માટે જાતિગત વસ્તી ગણતરી એક વરસાદ સાબિત થઈ શકે છે. તેના આધારે વિવિધ સમુદાયોને કેટલા પ્રમાણમાં જનપ્રતિનિધિત્વ મળે છે તેનો પણ સાચો અંદાજ આવી શકે છે. તેના કારણે ચૂંટણીલક્ષી વ્યૂહરચનાઓમાં પણ તળિયાઝાટક ફેરફાર આવી શકે છે. આપણા દેશમાં હજી પણ સામાજિક અને આર્થિક અસમાનતાઓ પ્રવર્તમાન છે અને તે હજી પણ કેટલા અંશે છે તેની યોગ્ય વિગત સરકાર પાસે પણ ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં જાતિગત વસ્તી ગણતરી સરકારને આ મોરચે નીતિ ઘડવામાં મદદ કરી શકે છે.

આમ જાતિગત વસ્તી ગણતરી સામાજિક, રાજકીય નીતિગત આયામોમાં તળિયાઝાટક ફેરફાર લાવી શકે છે. તેની સાથે રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી વ્યૂહરચનાને પણ પ્રભાવિત કરી શકે છે. હવે જો જાતિગત ગણતરીના ડેટાનો ઉપયોગ હકારાત્મક રીતે કરવામાં આવે તે સામાજિક ન્યાયની દિશામાં નોંધપાત્ર આગેકૂચ કરી શકાય છે. આ પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંયુક્ત રીતે કરવા પડે, આ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમા સારા એવા ફાયદા મેળવી શકાય છે. આ મોરચે પારદર્શકતા જાળવવામાં ટેકનોલોજી મદદરૂપ થઈ શકે છે. આ પગલું દેશને ન્યાયપૂર્ણ સમાજની દિશામાં આગળ લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

આમ છતાં બધી જ બાબતોનો આધાર સરકાર આ ડેટાનો ઉપયોગ કઈ રીતે કરે છે તેના પર રહે છે. તેની સાથે આ ડેટા કેટલી ચોકસાઈથી એકત્રિત કરવામાં આવે છે તે જોવાનું છે. જો ડેટા ચોકસાઈપૂર્વક એકત્રિત નહીં કરાય તો સ્થિતિ જૈસે થે તૈસે એવી જ બની રહેશે. આમ પહેલા ડેટાનું યોગ્ય એકત્રીકરણ અને પછી તેનું યોગ્ય પ્રોસેસિંગ કરાય તે જરૂરી છે. હવે સરકાર સંમત થઈ છે, પરંતુ આ અત્યંત મહત્વના નિર્ણયનું યોગ્ય અમલીકરણ પણ જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી