વિકાસ આડો ફાટે તો શું થાય તેનું ઉદાહરણ ભાજપના અમદાવાદના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે રજૂ કર્યુ છે. વેજલપુર વિસ્તારમાં આવેલા નિરાલી ફ્લેટ દાયકાઓ જૂના થઈ ગયા છે. સોસાયટીના કુલ 105 સભ્યો છે અને તેમા 88 સભ્યોની સંમતિથી હવે આખી સોસાયટી રિડેવલપમેન્ટમાં જઈ રહી છે. 2023માં ફ્લેટમાં રિડેવલપમેન્ટની કવાયત શરૂ કરવામાં આવી હતી. આ માટે 2024માં વંદે માતરમ આયર્ન ગ્રુપ સાથે કરાર પણ થઈ ચૂક્યા છે. હવે આ સોસાયટીમાં ફ્લેટ ધરાવતા ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરની ત્રણ દુકાનો પણ સોસાયટીમાં આવેલી છે, તેમણે દુકાનો પેટે છ કરોડ માંગ્યા હતા, પણ આ દુકાનો ગેરકાયદે હોવાથી બિલ્ડરે વળતર આપવાની ના પાડી દીધી.
આના લીધે હવે કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર રીતસરની ખચ્ચરગીરી કરવા પર ઉતરી આવ્યા છે. જ્યારથી ખાચરને ખબર પડી છે કે તેમની ગેરકાયદેસરની દુકાનો માટે તેમને બિલ્ડર પાઈ પણ પરખાવવાનો નથી ત્યારથી તે આડા ફાટ્યા છે. તેમણે આટલેથી પણ ન અટકતા હવે ફ્લેટના રહીશોને ધાકધમકી આપવા માંડી છે. તાજેતરમાં જ તેમના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર, તેમના પુત્ર અને તેમના ભાઈ સહિતના લોકોએ ભેગા થઈને રિડેવલપમેન્ટનું લગાવેલું બોર્ડ તોડ્યું હતું. તેના પગલે સ્થાનિકોએ તેમની સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ અંગે કોર્પોરેટર રીતસર દાદાગીરી કરતાં કહે છે જેને મારી સામે જે ફરિયાદ નોંધાવી હોય તે નોંધાવે. તેમનાથી થાય તે કરી લે.
ફ્લેટના જ રહીશ પ્રાંજલ દેસાઈને તેમણે 23 માર્ચ 2025ના રોજ ફોન કરીને અપશબ્દો બોલવાની સાથે ધાકધમકી આપી છે. તેના કારણે તેઓ ડરી ગયા હતા અને તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોને તેમની જોડે લઈ જઈને સુરેન્દ્ર ખાચર સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેટરને સત્તાનું સમર્થન છે, પરંતુ સત્ય અમારા પક્ષે છે. બિલ્ડર સમક્ષ મનમાની ન ચાલતા હવે કોર્પોરેટર અમારી સાથે ગુંડાગર્દી કરવા પર ઉતરી આવ્યા છે.
કોર્પોરેટરની ગુંડાગર્દીના કારણે બિલ્ડિંગના લોકો પણ આંચકો પામી ગયા છે. આ એ જ લોકો છે જેમણે પોતાના જ બિલ્ડિંગમાંથી કોર્પોરેટર તરીકે ઊભા રહેલા સુરેન્દ્રભાઈને ખુલ્લા મને અને ખોબલેને ખોબલે મત આપ્યા હતા. હવે તે પેટ ભરીને પસ્તાય છે. નિરાલી ફ્લેટના રહીશોનું કહેવું છે કે ગેરકાયદેસર દુકાનોને લઈને મ્યુનિસિપાલિટીને કેટલીય વખત અરજી કરી અને એસ્ટેટ વિભાગને રજૂઆત કરી, પરંતુ તે દુકાનો શાસક પક્ષના કોર્પોરેટરની હોવાથી કોઈ ફરિયાદ હાથ લેવા તૈયાર નથી. અમે લેખિતમાં રજૂઆતો કરીને થાકી ગયા, પરંતુ કોઈ નિર્ણય લેવાયો નથી. તેના કારણે બિલ્ડર સાથે કરાર થયા હોવા છતાં પણ રિડેવલપમેન્ટનું કામ અટક્યું છે. અમારા ફ્લેટો અત્યંત જૂના છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં છે. તે પડશે અને કોઈ જાનહાનિ થશે તો શું મ્યુનિસિપાલિટી તેનું વળતર આપશે.
આમ અત્યારે નિરાલી ફ્લેટના રહીશો અને કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે. કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ થઈ છે, પણ રાજકારણી હોય ત્યાં પોલીસ પણ પગલાં લેતા સો વખત વિચાર કરે છે. જ્યાં સુધી ઉપરથી મંજૂરી મળે નહીં ત્યાં સુધી નીચેનું તંત્ર આ પ્રકારની કાર્યવાહી કરવા માટે કોઈ તસ્દી લેતું નથી. કાને વાત પણ ધરતું નથી.
આ મામલો શાસક પક્ષના કોર્પોરેટરનો હોઈ આગામી દિવસોમાં વિપક્ષ તેમા ઝંપલાવે તો આશ્ચર્ય નહીં થાય. વિપક્ષને આમ પણ શાસક પક્ષ સામેના મુદ્દાની તલાશ હોય છે. જો કે નિરાલી ફ્લેટના રહીશો તો કોઈપણ ભોગે ફ્લેટનું રિડેવલપમેન્ટ થાય તેમ ઇચ્છે છે. તેઓનું કહેવું છે કે અમે પોલીસથી લઈને મ્યુનિસિપાલિટી સુધી આ મુદ્દે રજૂઆત કરી ચૂક્યા છીએ, તેથી આગામી દિવસોમાં પણ કોઈ પગલાં નહીં ભરાય તો અમારે રસ્તા પર ઉતરવા સિવાય કોઈ રસ્તો નથી.
નિરાલી ફ્લેટના રહીશોની માંગ છે કે જો દાદાનું બુલડોઝર બધા ગેરકાયદે વસવાટ કરનારા કે અતિક્રમણ કરનારા પર ચાલતું હોય તો આ રીતે ગેરકાયદે દુકાનો બનાવનારા કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે કેમ ન ચાલે. ગેરકાયદે બાંધકામ તો ગેરકાયદે જ હોય છે, પછી તે ચંડોળા તળાવમાં વસનારાઓનું હોય કે પછી નિરાલી ફ્લેટમાં રહેતા કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરનું હોય.
આ અંગે કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે જણાવ્યું હતું કે સોસાયટીના સભ્યોને જ્યાં જવું હોય ત્યાં જાય અને જ્યાં ફરિયાદ કરે મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. કોઈપણ કોઈની સામે ફરિયાદ કરી શકે છે. તેઓને જે લાગ્યું તે ફરિયાદ તેમણે કરી. મને જે યોગ્ય લાગશે તે હું કરીશ. આ બતાવે છે કે કોર્પોરેટરની કેવી દાદાગીરી છે. સામાન્ય માણસ પોલીસ ફરિયાદ થતાં ફફડી જતો હોય છે, જ્યારે અહીં તો કોર્પોરેટર જાણે તંત્રને ખિસ્સામાં લઈને ફરતો હોય તે પ્રકારની દાદાગીરી કરે છે. શું તે સામાન્ય પ્રજાની સેવા માટે છે કે તેના પર ગુંડાગર્દી કરવા માટે છે. આ પ્રકારનું વલણ ધરાવનારા કોર્પોરેટરોને પણ ટિકિટ આપવાનું પક્ષે વિચારવું જોઈએ. શું અમદાવાદની પ્રજા આવી ગુનેગાર માનસિકતા ધરાવતા કોર્પોરેટરોની ગુંડાગર્દી સાંખી લેશે, જરા પણ નહીં.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
