જિજ્ઞેશ મેવાણી
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતરાવી દેવાના નિવેદનના કરેલા આકરા પ્રત્યાઘાતો પડ્યા છે. એકબાજુએ પોલીસ કુટુંબોએ આ આક્ષેપો બદલ દેખાવ કર્યા છે તો બીજી બાજુ ડીજીપી વિકાસ સહાય પોતે પોલીસ બેડાના બચાવમાં ઉતર્યા છે અને તેમણે જિજ્ઞેશ મેવાણીના પટ્ટા ઉતરી જશે તેવા નિવેદનનો વળતો જવાબ આપ્યો છે. તેમણે ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસને સંબોધતી વખતે આડકતરી રીતે જિજ્ઞેશ મેવાણીને આડે હાથ લીધા હતા અને પોલીસને કોઈના પણ ગમે તેવા નિવેદનના કારણે મનોબળ નીચે ન જવું જોઈએ તેમ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પોલીસ કામગીરી કરતી હોય છે અને તેમા ભૂલો તો થવાની જ, પણ આ ભૂલો બદલ હજી કોઈને સજા કરવાની હોય તો હું પોતે કરું તો યોગ્ય છે, પરંતુ કોઈ બહારની વ્યક્તિ આવીને કંઈ કહી જાય તે વાત યોગ્ય નથી. પોલીસની કામગીરી આપણે જાણીએ છીએ આમ બધી રીતે અઘરી છે, સતત તલવાર ઉપર લટકતી રહેતી હોય છે. લોકોની સુરક્ષાનું આપણા પર સતત દબાણ હોય છે.
પોલીસ વડા ડીજીપીનું નિવેદન ટ્વિટર પર વાઇરલ થવાની સાથે જ જિજ્ઞેશ મેવાણી પાછા મેદાનમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પોલીસ બેડામાં કેટલાય નિષ્ઠાવાન અને પ્રામાણિક કર્મચારીઓ કામ કરે છે અને રાતદિવસ જોયા વગર કામ કરે છે. તેમને મારી સલામ. તેમના માટે મારી જેવી વ્યક્તિના નિવેદનની કોઈ જરૂર નથી. તેઓ માટે હું કંઈપણ બોલું કે ન બોલું તેનાથી કોઈ ફરક પડતો નથી. તેનું કારણ એ છે કે તેઓ ખમીરવાળા છે અને નિષ્ઠાવાળા છે. તેઓ મને તો શું મારા જેવા અનેકને મોઢા પર જવાબ આપવા સક્ષમ છે.
હું તો મને જવાબ આપનારા ડીજીપી પોલીસ સાહેબને ફક્ત એટલું નિવેદન કરીશ કે તેઓ મને ન સાંભળે પણ તેમનું નિવેદન જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયું છે તેનું કોમેન્ટ બોક્સ વાંચવાની તસ્દી લેશે તો પણ તેમને રાજ્યમાં પોલીસને લઈને શું સ્થિતિ છે તે સમજાઈ જશે. તેમને સમજાઈ જશે કે હું જે બોલ્યો તે કંઈ મારો અવાજ નથી પણ લોકોનો અવાજ છે. જિજ્ઞેશ મેવાણી ફક્ત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એટલા માટે છે કેમકે તે લોકોનો અવાજ બન્યો છે. તમે લોકોનો અવાજ બનો છો ત્યારે આપોઆપ તમે જે ભ્રષ્ટ વ્યવસ્થા સામે પડ્યા છો તે તમારી દુશ્મન ચોક્કસ બને છે પરંતુ લોકો તમારા પડખે હોય છે. એક ધારાસભ્યની તાકાત કંઈ તેની સત્તા કે હોદ્દો નહીં પણ પ્રજા હોય છે. હવે મે મારી પ્રજાનો અવાજ રજૂ કર્યો તેમા શું ભૂલ કરી તેવું મને તેઓ સમજાવે. બીજા લોકો તેમની જવાબદારી અદા ન કરે તેની જવાબદારી મારા શિરે ઓઢાડીને તમે છટકી નહી શકો. આજે મને સવાલ પૂછવાના બદલે જે લોકો તેમની જવાબદારી બજાવવામાં નિષ્ફળ ગયા છે તેમને જો આ સવાલ તમે પૂછ્યો હોત તો મારે બોલવાનો દહાડો શું કામ આવ્યો હોત. એક જન પ્રતિનિધિ તરીકે હું પ્રજાનો અવાજ નહીં ઉઠાવું તો કોણ ઉઠાવશે.
જિજ્ઞેશ મેવાણી એ સ્પષ્ટ જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં દારૂની બદી માટે જવાબદાર કોણ છે, ગુજરાતમાં ગાંજો અને કેફી દ્રવ્યો વેચાવવા માંગ્યા છે તેની જવાબદારી કોની છે, પોલીસ તંત્ર આ બધા સામે કેમ કાર્યવાહી કરતું નથી. દારૂના હપ્તા કોને-કોને ત્યાં જાય છે. જો દારૂબંધી હોય તો પછી દારૂ હોવો જ ન જોઈએ, તો પછી આટલો બધા દારૂ ગુજરાતમાં કેમ આવે છે. ફક્ત દારૂ લાવનારાને પકડાય છે, પરંતુ તેની સાથે તે મંગાવનારાને પણ પકડો.
જિજ્ઞેશ મેવાણી કહેછે દારૂબંધીને ચાતરી જતા હપ્તાથી કોના ઘર ભરાય છે તેની ચકાસણી કરો, દારૂના હપ્તાથી કેટલાય પોલીસ કર્મચારીએ બેના ચાર પાંદડે થઈ ગયા અને કેટલાય તો વિદેશ રવાના પણ થઈ ચૂક્યા છે તેની પણ તપાસ કરો. માંગ હોય ત્યાં પુરવઠો આવવાનો જ છે. દારૂબંધીની નીતિ જાણે પોલીસને કમાવવા માટેની નીતિ હોય તેવું જ દેખાય છે. બાકી રાજ્યના 33 જિલ્લાના પોલીસ કર્મચારી દારૂના અડ્ડાવાળાઓના હપ્તા લે જ છે તે હકીકત છે. કેટલાય તો અડ્ડાવાળાઓના પગારપત્રક પર છે.
તેમણે ઉમેર્યુ હતું કે મારા નિવેદનનો જવાબ તે લોકોને આપવાની જરૂર પડી છે કે જેની મથરાવટી મેલી છે. બાકી જે લોકો પ્રામાણિક છે તેવા લોકોને મારું નિવેદન રતીભર પણ લાગુ પડતું નથી. મારી મથરાવટી મેલી હોત તો મેં દારૂનો પ્રશ્ન ઉઠાવ્યો જ ન હોત. તમે જે વિડીયો મારો જોયો તેમાં મેં થરાદના શિવનગરની બહેનોની વ્યથાની રજૂઆત કરી હતી. પણ બધાએ મારો આખો વિડીયો ન બતાવ્યો, મેં ફક્ત પોલીસને જ કહેલી વાત બતાવી. મેં બધી બહેનોના ભાયડાઓની પણ આકરી ઝાટકણી કાઢી હતી અને દારૂની તમને શું જરૂર પડે છે તેમ પૂછ્યુ હતુ, તે કોઈએ ન બતાવ્યું. ફક્ત મારી પોલીસ અંગેની ટિપ્પણી જ ચલાવાઈ. તંત્ર ભલે મારા વિરોધમાં હોય, પરંતુ લોકો તો મારી સાથે જ છે. તેનો પુરાવો ડીજીપીની ટિપ્પણી પછી લોકોએ છલકાવી દીધેલું કોમેન્ટ બોકસ છે.
આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !
આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા
આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો
